Bhagavad Gita: Chapter 1, Verse 27

તાન્સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્બન્ધૂનવસ્થિતાન્ ॥ ૨૭॥
કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ ।

તાન્—આ બધા, સમીક્ષ્ય—જોઇને, સ:—તે, કૌન્તેય—કુંતીપુત્ર, સર્વાન્—સર્વ, બંધુન્—સંબંધીઓ, અવસ્થિતાન્—સ્થિત, કૃપયા—કરુણાથી, પરયા—અત્યંત, આવિષ્ટ:—અભિભૂત થયેલો, વિષીદન્—ઊંડો શોક, ઈદમ્—આ, અબ્રવીત્—બોલ્યો.

Translation

BG 1.27: પોતાના સર્વ સગાંસંબંધીઓને ત્યાં ઉપસ્થિત જોઈને કુંતીપુત્ર અર્જુન, કરુણાથી અભિભૂત થઈ ગયો અને ગહન વિષાદ સાથે તે આ વચનો બોલ્યો.

Commentary

યુદ્ધક્ષેત્ર પર ઉપસ્થિત થયેલા તેનાં સગા-સંબંધીઓના દૃશ્યને કારણે પ્રથમ વખત અર્જુનનું ધ્યાન ભ્રાતૃ હત્યા કરનારા આ ભયંકર  યુદ્ધના પરિણામો તરફ ગયું. એ મહાપરાક્રમી યોદ્ધો જે યુદ્ધ કરવા ઉપસ્થિત થયો હતો અને પાંડવો સાથે થયેલા અન્યાયપૂર્ણ વ્યવહારની પ્રતિશોધમાં શત્રુઓને મૃત્યુના દ્વારે પહોંચાડવા માનસિક રીતે તત્પર હતો, તે અર્જુનનાં હૃદયનું અચાનક પરિવર્તન થઈ ગયું. પોતાના કુરુ બંધુ બાંધવોને શત્રુ શ્રેણીઓમાં એકત્રિત થયેલા જોઈને અર્જુનનું હૃદય શોકમાં ડૂબી ગયું, તેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ, કર્તવ્ય પાલન કરવાની તેની નીડરતા કાયરતામાં પરિવર્તિત થઈ ગઈ, તેના હૃદયની દૃઢતાનું સ્થાન કોમળતાએ  લઈ લીધું. તેથી, સંજય તેને કુંતીપુત્ર (માતાનો પુત્ર) સંબોધીને તેના સ્વભાવની સહ્રદયતા અને ઉદારતાનો ઉલ્લેખ કરે છે.