Bhagavad Gita: Chapter 1, Verse 3

પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ્ ।
વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા ॥ ૩॥

પશ્ય—જુઓ, એતમ્—આ, પાણ્ડુપુત્રાણામ્—પાણ્ડુ પુત્રો, આચાર્ય—આદરણીય આચાર્ય, મહતીમ્—વિશાળ; ચમૂમ્—સેનાને, વ્યૂઢામ્—સુવ્યવસ્થિત વ્યુહરચના, દ્રુપદ પુત્રેણ—દ્રુપદનો પુત્ર, ધૃષ્ટધ્યુમ્ન, તવ—તમારા, શિષ્યેણ—શિષ્ય દ્વારા, ધીમતા—બુદ્ધિમાન.

Translation

BG 1.3: દુર્યોધન બોલ્યો: આદરણીય આચાર્ય! પાંડુ પુત્રોની વિશાળ સેનાનું અવલોકન કરો, જેની વ્યૂહરચના આપના પ્રશિક્ષિત બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્રે નિપુણતાપૂર્વક યુદ્ધ કરવા માટે ગોઠવી છે.

Commentary

દુર્યોધન એક કુશળ રાજનીતિજ્ઞ તરીકે પોતાના સેનાપતિ ગુરુ દ્રોણાચાર્ય દ્વારા અતીતમાં થયેલી ભૂલો તરફ અંગુલીનિર્દેશ કરવા માંગતો હતો. દ્રોણાચાર્યને એકવાર રાજા દ્રુપદ સાથે કોઈ બાબતે રાજનૈતિક વિવાદ થયો હતો.  આ વિવાદના કારણે ક્રોધિત થઈને દ્રુપદે પ્રતિશોધની ભાવનાથી યજ્ઞ કર્યો અને વરદાન પ્રાપ્ત કર્યું કે તેને પુત્ર પ્રાપ્ત થશે, જે દ્રોણાચાર્યનો વધ કરવા માટે સમર્થ હશે. આ વરદાનના ફળસ્વરૂપે તેને ધૃષ્ટદ્યુમ્ન નામનો પુત્ર થયો.

યદ્યપિ દ્રોણાચાર્ય ધૃષ્ટદ્યુમ્નના જન્મનો આશય જાણતા હતા છતાં પણ જયારે દ્રુપદે પોતાના પુત્ર ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ કૌશલ્યની વિદ્યા પ્રદાન કરવા માટે દ્રોણાચાર્યને સોંપ્યો ત્યારે ઉદાર હૃદયે દ્રોણાચાર્યએ ધૃષ્ટદ્યુમ્નને યુદ્ધ કૌશલ્યની વિદ્યામાં નિપુણ બનાવવામાં કોઈ સંકોચ ના રાખ્યો. હવે ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના પક્ષે તેમની સેનાના મહાનાયકના રૂપે હતો, જેણે સમગ્ર સેનાની વ્યૂહરચના તૈયાર કરી હતી. આ રીતે દુર્યોધન તેના ગુરુને સંકેત આપવા માંગતો હતો કે અતીતમાં તેમણે કરેલી ઉદારતાને કારણે વર્તમાનમાં સંકટનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે આગળ પાંડવો સાથે યુદ્ધ કરવામાં કોઈપણ ઉદારતા દર્શાવવી જોઈએ નહિ.