Bhagavad Gita: Chapter 1, Verse 38-39

યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ ।
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ ॥ ૩૮॥
કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ ।
કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન ॥ ૩૯॥

યદિ-અપિ—તેમ છતાં; એતે—તેઓ; ન—નહીં; પશ્યન્તિ—જુએ છે; લોભ—લોભ; ઉપહત—વશ થયેલાં; ચેતસ:—વિચારો; કુલ-ક્ષય-કૃતમ્—કુળનો નાશ કરવાથી; દોષમ્—દોષ; મિત્ર-દ્રોહે—મિત્રો સાથે દ્રોહ કરવાથી; ચ—અને; પાતકમ્—પાપ; કથમ્—કેમ; ન—નહીં; જ્ઞેયમ્—જાણવું જોઈએ; અસ્માભિ:—અમે; પાપાત્—પાપોમાંથી; અસ્માત્—આ; નિવર્તિતુમ્—અટકાવવા માટે; કુળ-ક્ષય—કુળનો નાશ; કૃતમ્—કરવાથી;  દોષમ્—અપરાધ; પ્રપશ્યદ્ભી:—જોઈ શકે તેવા; જનાર્દન—શ્રી કૃષ્ણ, જીવમાત્રના પાલનહાર.

Translation

BG 1.38-39: તેઓની વિચારધારા લોભથી વશીભૂત થયેલી છે તથા તેઓને પોતાના સગાં સંબંધીઓનો વિનાશ કરવામાં કે પ્રતિશોધને કારણે મિત્રો સાથે વિશ્વાસઘાત કરવામાં કંઈ અનુચિત લાગતું નથી. છતાં પણ હે જનાર્દન! જયારે અમને તો સ્વજનોની હત્યા કરવામાં સ્પષ્ટ રીતે અપરાધ દેખાઈ રહ્યો છે, તો અમે શા માટે આ પાપથી વિમુખ ના થઈએ?

Commentary

અર્જુન પ્રકૃતિથી જ યોદ્ધા હોવા છતાં, બિનજરૂરી હિંસા પ્રત્યે તેને ઘૃણા હતી. મહાભારતના યુદ્ધના અંતે થયેલી ઘટના તેના ચરિત્રનાં આ પાસાંને વ્યક્ત કરે છે. સો કૌરવોનો વિનાશ થઇ ગયો હતો, પણ પ્રતિશોધને કારણે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા, રાત્રિના સમયે પાંડવોની છાવણીમાં ઘુસી ગયો અને દ્રૌપદીના પાંચેય પુત્રોનો, જયારે તેઓ નિદ્રાધીન હતા, ત્યારે વધ કરી નાખ્યો. અર્જુને અશ્વત્થામાને પકડી પાડયો, તેને પશુની જેમ બાંધીને દ્રૌપદી, જે કરુણ આક્રંદ કરી રહી હતી, તેના ચરણોમાં લઇ આવ્યો. આમ છતાં, હૃદયથી મૃદુ અને ક્ષમાશીલ હોવાના કારણે તેણીએ કહ્યું કે, અશ્વત્થામા તેમના ગુરુ દ્રોણાચાર્યનો પુત્ર હોવાથી તેને ક્ષમા કરી દેવો જોઈએ. બીજી બાજુ ભીમ, અશ્વત્થામાનો તત્કાળ વધ કરવા માગતો હતો. આ ધર્મસંકટના નિરાકરણ માટે અર્જુને શ્રી કૃષ્ણ તરફ જોયું, જેમણે કહ્યું, “આદરણીય શ્રેષ્ઠ બ્રાહ્મણ, અલ્પકાલીન સમય માટે ધર્મથી ચ્યુત થઇ ગયો હોય તો પણ ક્ષમાને પાત્ર છે. પરંતુ જે વ્યક્તિ ઘાતક શસ્ત્રો સાથે હત્યા માટે આવ્યો હોય તો તેને અવશ્ય સજા કરવી જોઈએ.” અર્જુન શ્રી કૃષ્ણની સંદિગ્ધ સૂચના સમજી ગયો. તેણે અશ્વત્થામાની હત્યા ન કરી, પણ તેના બદલે તેણે બ્રાહ્મણના શિર પાછળની ચોટલી કાપીને, તેના કપાળમાંથી મણી કાઢી લીધો, અને તેને છાવણીમાંથી કાઢી મૂક્યો. આ પ્રમાણે, અર્જુનની પ્રકૃતિ હિંસાથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવાની હતી. આ વિશેષ સ્થિતિમાં તે કહે છે કે, તે જાણે છે કે સગાં સંબંધીઓ અને વૃદ્ધોની હત્યા કરવી અનુચિત છે.

ઋત્વિક્પુરોહિતાચાર્યૈર્માતુલાતિથિસંશ્રિતૈઃ

બાલવૃદ્ધાતુરૈર્વૈદ્યૈર્જ્ઞાતિસમ્બન્ધિબાન્ધવૈઃ (મનુ સ્મૃતિ ૪.૧૭૯)

“યજ્ઞ કરતા બ્રાહ્મણ, કુળ પુરોહિત, આચાર્ય, મામા, અતિથી, જે-તે વ્યક્તિ પર આશ્રિત, બાળકો, વૃદ્ધો, વૈદ્ય અને સંબંધીઓ સાથે કોઈ પણ કલહ કરવો જોઈએ નહીં.”  આ પ્રમાણે અર્જુને એ નિષ્કર્ષ તારવ્યો કે, લોભથી વશીભૂત થઈને કૌરવો તેમના ઔચિત્યથી વિચલિત થઇ ગયા અને તેમની વિવેકબુદ્ધિ ગુમાવી દીધી, પરંતુ તે પોતે, જેનો કોઈ પાપજન્ય ઉદ્દેશ્ય ન હતો, તે શા માટે આવા ઘૃણાસ્પદ કૃત્યમાં જોડાય?