Bhagavad Gita: Chapter 1, Verse 7

અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ ।
નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે ॥ ૭॥

અસ્માકમ્—આપણા, તુ—પરંતુ, વિશિષ્ટ:—વિશેષ શક્તિશાળી, યે—જેઓ, તાન્—તેમને, નિબોધ—જાણકારી આપવી, દ્વિજ-ઉત્તમ—બ્રાહ્મણશ્રેષ્ઠ, નાયકા::-—સેનાનાયકો, મમ્—આપણી, સૈન્યસ્ય—સૈન્યના, સંજ્ઞા-અર્થમ્—સૂચના માટે, તાન્—તેમને, બ્રવીમિ—વિગતવાર કહી રહ્યો છું, તે—તમને.

Translation

BG 1.7: હે દ્વિજશ્રેષ્ઠ, આપણી સેનાના નાયકો વિષે પણ સાંભળો, જેઓ આપણી સેનાનું સંચાલન કરવા માટે વિશેષ નિપુણ છે. તેમના વિષે હવે હું તમને વિગતવાર કહું છું.

Commentary

અહીં કૌરવ સેનાના પ્રધાન સેનાપતિ દ્રોણાચાર્યને દુર્યોધન દ્વિજોત્તમ્ (બે વખત જન્મેલાઓમાં શ્રેષ્ઠ અથવા બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ) તરીકે સંબોધન કરે છે. તેણે તેના ગુરુને સંબોધન કરવા જાણી જોઇને આ શબ્દનો ઉપયોગ કર્યો. વાસ્તવમાં દ્રોણાચાર્ય વ્યાવસાયિક રીતે યોદ્ધા ન હતા, તેઓ માત્ર યુદ્ધશાસ્ત્રના આચાર્ય હતા. એક કપટી નાયકની જેમ દુર્યોધન પોતાના જ ગુરુની નિષ્ઠા અંગે નિર્લજ્જતાપૂર્ણ શંકાઓ કરી રહ્યો હતો. દુર્યોધનના શબ્દોનો છૂપો અર્થ એ હતો કે જો દ્રોણાચાર્ય શૌર્યપૂર્વક યુદ્ધ નહિ લડે તો તેમને એક બ્રાહ્મણ જ ગણવામાં આવશે, જેની રુચિ દુર્યોધનના રાજમાં પીરસવામાં આવતા ભોજનો આરોગવામાં અને આપવામાં આવતી સુખ-સુવિધાઓ ભોગવવાની જ હશે.

આવું કહીને દુર્યોધન હવે પોતાનું અને પોતાના ગુરુનું મનોબળ દૃઢ કરવા માંગતો હતો અને તેથી એ પોતાની સેનાના મહાસેનાનાયકોની ગણના કરવા લાગ્યો.