Bhagavad Gita: Chapter 10, Verse 2

ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ ।
અહમાદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ ॥૨॥

ન— ન તો; મે—મારા; વિદુ:—જાણે છે; સુરગણા:—સ્વર્ગીય દેવતાઓ; પ્રભવમ્—મૂળ; ન—ના તો; મહા-ઋષ્ય:—મહાન ઋષિઓ; અહમ્—હું; આદિ:—સ્રોત; હિ—નિશ્ચિત; દેવાનામ્—સ્વર્ગીય દેવતાઓનો; મહા-ઋષિણામ્—મહા ઋષિઓનો; ચ—પણ; સર્વશ:—સર્વથા.

Translation

BG 10.2: ન તો સ્વર્ગીય દેવતાઓ કે ન તો મહાન ઋષિઓ મારું મૂળ જાણે છે. હું એ આદિ સ્રોત છું, જેમાંથી દેવો તથા મહાન ઋષિઓ ઉત્પન્ન થાય છે.

Commentary

એક પિતા તેના સંતાનના જન્મ તથા જીવન અંગે જાણતા હોય છે કારણ કે તેઓ તેનાં સાક્ષી હોય છે. પરંતુ પોતાના પિતાના જન્મ તથા બાળપણ અંગેની જાણકારી સંતાનના જ્ઞાનથી પરે હોય છે, કારણ કે આ બન્ને તેના જન્મ પૂર્વે ઘટેલી ઘટનાઓ છે. એ જ પ્રમાણે, દેવો (સ્વર્ગીય દેવતાઓ) તથા ઋષિઓ ભગવાન, કે જેઓ તેમના જન્મ પૂર્વે પણ વિદ્યમાન હતા, તેમના આદિની વાસ્તવિક પ્રકૃતિને સમજી શકતા નથી. તેથી ઋગ્વેદ વર્ણન કરે છે:

            કો અદ્ધા વેદ ક ઇહ પ્રાવોચત્, કુત આ જાતા કુત ઇયં વિશ્રુતિઃ

           અર્વાગ્દેવા અસ્ય વિસર્જનાય, અથા કો વેદ યત આબભૂવ (૧૦.૧૨૯.૬)

“વિશ્વમાં કોણ સ્પષ્ટ રીતે જાણે છે? આ બ્રહ્માંડ ક્યાંથી જન્મે છે તે કોણ જાહેર કરી શકે છે? આ રચના ક્યાંથી આવી છે તે કોણ કહી શકે? સર્જન પશ્ચાત્ દેવતા આવ્યા. તેથી, બ્રહ્માંડ ક્યાંથી ઉદ્ભવે છે તે કોણ જાણે છે?”

પુન: ઇશોપનિષદ્દ વર્ણવે છે:

           નૈનદ્દેવા આપ્નુવન્ પૂર્વમર્ષત્ (ઇશોપનિષદ્દ ૪)

“ભગવાનને દેવી-દેવતાઓ દ્વારા જાણી શકાતા નથી, કારણ કે તેઓ તેમની પૂર્વે અસ્તિત્વમાન હતા.” છતાં, આવું અતિ દુર્લભ જ્ઞાન હવે શ્રીકૃષ્ણ દ્વારા તેમનાં પ્રિય સખાની ભક્તિની પુષ્ટિ અર્થે પ્રદાન કરવામાં આવશે.