અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશયસ્થિતઃ ।
અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામન્ત એવ ચ ॥૨૦॥
aham ātmā guḍākeśha sarva-bhūtāśhaya-sthitaḥ
aham ādiśh cha madhyaṁ cha bhūtānām anta eva cha
અહમ્—હું; આત્મા—આત્મા; ગુડાકેશ—અર્જુન, નિદ્રા પર વિજય પ્રાપ્ત કરનાર; સર્વ-ભૂત—સર્વ જીવંત પ્રાણીઓ; આશય-સ્થિત:—હૃદયમાં સ્થિત; અહમ્—હું; આદિ:—પ્રારંભ; ચ—અને; મધ્યમ્—મધ્ય; ચ—અને; ભૂતાનામ્—સર્વ જીવો; અન્ત:—અંત; એવ—છતાં; ચ—પણ.
aham atma gudakesha sarva-bhutashaya-sthitah
aham adish cha madhyam cha bhutanam anta eva cha
BG 10.20: હે અર્જુન, હું સર્વ જીવંત પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત છું. હું સર્વ જીવોનો આદિ, મધ્ય તથા અંત છું.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
શ્રીકૃષ્ણ ઘોષણા કરે છે કે તેઓ આત્માથી દૂર નથી—વાસ્તવમાં, તેઓ તો સૌથી નિકટ કરતાં પણ નિકટ છે. આત્મા અથવા તો શાશ્વત આત્મા સર્વ જીવંત પ્રાણીઓનાં હૃદયક્ષેત્રનાં સિંહાસન પર બિરાજમાન હોય છે. વેદોમાં વર્ણન છે: ય આત્મનિ તિષ્ઠતિ “ભગવાન આપણા આત્મામાં સ્થિત છે.” તેઓ અંદર સ્થિત રહીને, આત્માને ચેતના-શક્તિ તથા શાશ્વતતા પ્રદાન કરે છે. જો તેઓ તેમની શક્તિની બાદબાકી કરી દે તો આપણો આત્મા જડ અને નશ્વર બની જાય છે. આમ, આપણે આત્મા તરીકે સ્વયંની શક્તિથી નહીં પરંતુ પરમ ચેતન અને અવિનાશી ભગવાન તેમાં સ્થિત હોવાના કારણે તથા તેઓ તેમની શક્તિ પ્રદાન કરતા હોવાથી શાશ્વત અને ચેતન છીએ. તેથી, શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે તેઓ સર્વ જીવંત પ્રાણીઓનાં હૃદયમાં સ્થિત છે.
આપણો આત્મા એ ભગવાનનો દેહ છે, જેઓ આત્માના પણ આત્મા છે. ભાગવતમ્ વર્ણન કરે છે:
હરિર્હિ સાક્ષાદ્ભગવાન્ શરીરિણામાત્મા જ્હષાણામિવ તોયમીપ્સિતમ્ (૫.૧૮.૧૩)
“ભગવાન સર્વ જીવંત પ્રાણીઓના આત્માના આત્મા છે.” પુન: ભાગવતમ્ માં, જયારે શુકદેવજી વર્ણન કરે છે કે કેવી રીતે ગોપીઓ તેમનાં પોતાનાં સંતાનોને છોડીને બાળ-કૃષ્ણને નીરખવા ભાગતી હતી, ત્યારે પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે આ કેવી રીતે શક્ય છે?
બ્રહ્મન્ પરોદ્ભવે કૃષ્ણે ઇયાન્ પ્રેમા કથં ભવેત્ (૧૦.૧૪.૪૯)
“હે બ્રાહ્મણ, સર્વ માતાઓ પોતાનાં સંતાનો પ્રત્યે આસક્ત હોય છે. તો પછી ગોપીઓને શ્રીકૃષ્ણ માટે આટલી તીવ્ર આસક્તિ કેવી રીતે થઈ ગઈ, જેવી આસક્તિ તેમને તેમનાં પોતાનાં બાળકો પ્રત્યે પણ ન હતી?”
શુકદેવજીએ ઉત્તર આપ્યો:
કૃષ્ણમેનમવેહિ ત્વમાત્માનમખિલાત્મનામ્ (ભાગવતમ્ ૧૦.૧૪.૪૯)
“કૃપા કરીને સમજો કે પરમ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ આ બ્રહ્માંડનાં સર્વ જીવંત પ્રાણીઓનાં પરમ આત્મા છે. માનવજાતનાં કલ્યાણ અર્થે તેઓ સ્વયંની યોગમાયા શક્તિથી માનવ સ્વરૂપે અવતરિત થયા હતા.”
શ્રીકૃષ્ણ આગળ કહે છે કે તેઓ સર્વ જીવંત પ્રાણીઓનાં આદિ, મધ્ય તથા અંત છે. આ સર્વનો ઉદ્ભવ તેમનામાંથી થયો છે અને એ પ્રમાણે તેઓ તેમના આદિ છે. સૃષ્ટિમાં અસ્તિત્વમાન સર્વ જીવોનો નિર્વાહ તેમની શક્તિથી થાય છે, તેથી તેઓ તેમના મધ્ય છે. તથા જેઓ મુક્તિ પ્રાપ્ત કરે છે, તેઓ સનાતન રીતે તેમની સાથે નિવાસ કરવા તેમનાં ધામમાં જાય છે. તેથી, ભગવાન સર્વ જીવંત પ્રાણીઓનો અંત પણ છે. વેદો દ્વારા ભગવાન વિષે વર્ણવવામાં આવેલી વિવિધ વ્યાખ્યાઓમાં એક આ પ્રમાણે છે:
યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે યેન જાતાનિ જીવન્તિ, યત્પ્રયન્ત્યભિસંવિશન્તિ
(તૈતરીય ઉપનિષદ્દ ૩.૧.૧)
“ભગવાન એ છે કે જેમનામાંથી સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ થાય છે; ભગવાન એ છે કે જેમની અંદર સર્વ જીવંત પ્રાણીઓ સ્થિત છે; ભગવાન એ છે કે જેમનામાં સર્વ જીવંત પ્રાણીઓ વિલીન થઈ જશે.”