Bhagavad Gita: Chapter 10, Verse 34

મૃત્યુઃ સર્વહરશ્ચાહમુદ્ભવશ્ચ ભવિષ્યતામ્ ।
કીર્તિઃ શ્રીર્વાક્ચ નારીણાં સ્મૃતિર્મેધા ધૃતિઃ ક્ષમા ॥૩૪॥

મૃત્યુ:—મૃત્યુ; સર્વ-હર:—સર્વભક્ષી; ચ—અને; અહમ્—હું; ઉદ્ભવ:—ઉત્પત્તિ; ચ—અને; ભવિષ્યતામ્—ભવિષ્યમાં થનારી વસ્તુઓ; કીર્તિ:—કીર્તિ; શ્રી:—સમૃદ્ધિ; વાક્—વાણી; ચ—અને; નારીણામ્—સ્ત્રૈણ ગુણોમાં; સ્મૃતિ:—સ્મૃતિ; મેધા—બુદ્ધિ; ધૃતિ:—સાહસ; ક્ષમા—ક્ષમા.

Translation

BG 10.34: હું જ સર્વભક્ષી મૃત્યુ છું અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારું મૂળ હું છું. સ્ત્રૈણ ગુણોમાં હું કીર્તિ, સમૃદ્ધિ, વાણી, સ્મૃતિ, મેધા, સાહસ અને ક્ષમા છું.

Commentary

અંગેજીમાં કહેવત છે, “as sure as death.” અર્થાત્, મૃત્યુ જેટલું સુનિશ્ચિત. જે જન્મે છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. પ્રત્યેક જીવન અનિવાર્યપણે મૃત્યુમાં પરિણમે છે, તેથી કહેવત છે, “dead end” અથાત્ ‘મૃત અંત’. ભગવાન કેવળ સર્જનની શક્તિ જ ધરાવતા નથી; તેઓ વિનાશક શક્તિ પણ ધરાવે છે. તેઓ સર્વનું મૃત્યુનાં રૂપે ભક્ષણ કરે છે. જીવન અને મૃત્યુના ચક્રમાં જે મૃત્યુ પામે છે, તે પુન: જન્મ લે છે. શ્રીકૃષ્ણ કહે છે કે તેઓ ભાવિનાં સર્વ પ્રાણીઓનાં નિર્માણનો સિદ્ધાંત છે.

સ્ત્રીના વ્યક્તિત્વમાં અમુક ચોક્કસ ગુણો આલંકારિક ગુણો તરીકે જોવામાં આવે છે, જયારે અન્ય કેટલાંક ગુણો પુરુષોમાં વિશેષ પ્રશંસનીય ગણાય છે. આદર્શ રીતે, સર્વાંગ-સંપૂર્ણ વ્યક્તિત્વ એ છે જે બંને પ્રકારના ગુણો ધરાવે છે. અહીં, શ્રીકૃષ્ણ કીર્તિ, સમૃદ્ધિ, વાક્ પટુતા, સ્મૃતિ, મેધા, સાહસ તથા ક્ષમાને એવા ગુણોની સૂચિમાં મૂકે છે જે સ્ત્રીને પ્રતિભાવંત બનાવે છે. આ ગુણોમાંથી પ્રથમ ત્રણ ગુણો બાહ્ય રૂપે પ્રગટ થાય છે, જયારે પછીના ચાર ગુણો આંતરિક રૂપે પ્રગટ થાય છે.

તદુપરાંત, મનુષ્ય જાતિના જનક પ્રજાપતિ દક્ષને ૨૪ પુત્રીઓ હતી. તેમાંની પાંચને ઉત્તમ સ્ત્રી ગણવામાં આવતી હતી—કીર્તિ, સ્મૃતિ, મેધા, ધૃતિ અને ક્ષમા. શ્રી, ભૃગુ ઋષિની પુત્રી  હતી. વાક્ બ્રહ્માની પુત્રી હતી. તેમનાં નામોના ક્રમ અનુસાર આ સાત સ્ત્રીઓ આ શ્લોકમાં વર્ણવેલાં સાત ગુણોની અધિષ્ઠાત્રી દેવીઓ છે. અહીં, શ્રીકૃષ્ણ આ ગુણોની સૂચિ તેમની વિભૂતિ સ્વરૂપે પ્રસ્તુત કરે છે.