Bhagavad Gita: Chapter 10, Verse 36

દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ।
જયોઽસ્મિ વ્યવસાયોઽસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્ ॥૩૬॥

દ્યુતમ્—જુગાર; છલયતામ્—સર્વ ઠગોમાં; અસ્મિ—હું છું; તેજ:—તેજ; તેજસ્વીનામ્—તેજસ્વીઓમાં; અહમ્—હું; જય:—વિજય; અસ્મિ—હું છું; વ્યવસાય:—દૃઢ સંકલ્પ; અસ્મિ—હું છું; સત્ત્વમ્—ગુણ; સત્ત્વ-વતામ્—ગુણવાનોમાં; અહમ્—હું.

Translation

BG 10.36: કપટીઓના દ્યુતમાં તથા તેજસ્વીઓમાં તેજ હું છું. વિજયીઓમાં હું વિજય છું, સંકલ્પમાં દૃઢતા છું તથા ગુણવાનોમાં ગુણ છું.

Commentary

શ્રીકૃષ્ણ કેવળ ગુણોનો જ નહીં પરંતુ અવગુણોનો પણ સ્વયંની વિભૂતિ તરીકે ઉલ્લેખ કરે છે. દ્યુત એ અધમ દુર્ગુણ છે જે પરિવારો, વ્યવસાયો તથા જીવનોનો વિનાશ કરી દે છે. યુધિષ્ઠિરની દ્યુતક્રીડાની દુર્બળતાને કારણે જ મહાભારતનું યુદ્ધ થયું. પરંતુ જો દ્યુતમાં પણ ભગવાનનો મહિમા હોય તો તેમાં કોઈ હાનિ નથી, તો શા માટે તે નિષિદ્ધ છે?

તેનો ઉત્તર એ છે કે ભગવાન જીવાત્માને શક્તિ પ્રદાન કરે છે અને સાથોસાથ પસંદગીની સ્વતંત્રતા પણ પ્રદાન કરે છે. જો આપણે તેમનાં વિસ્મરણની પસંદગી કરીએ તો તે વિસ્મૃતિની શક્તિ આપે છે. આ વિષય વીજળીના પ્રવાહ જેવો છે. વિદ્યુત પ્રવાહનો ઉપયોગ ઘરને ગરમ કરવા તથા ઠંડું રાખવા કરી શકાય છે. આ વિદ્યુત શક્તિનો કેવી રીતે ઉપયોગ કરવો એ નિર્ણય કરવા માટે ઉપયોગકર્તા સંપૂર્ણ સ્વતંત્ર હોય છે. પરંતુ, વીજળીઘર કે જે વીજળીની આપૂર્તિ કરે છે, તે તેના સદુપયોગ કે દુરુપયોગ માટે ઉત્તરદાયી હોતું નથી. આ જ પ્રમાણે, જુગારી પણ ઈશ્વર દ્વારા પ્રદત્ત બુદ્ધિ અને ક્ષમતા ધરાવે છે પરંતુ જો તે આ ઈશ્વર-દત્ત ઉપહારનો દુરુપયોગ કરવા માંગે તો એ પાપયુક્ત કર્મ માટે ભગવાન ઉત્તરદાયી નથી.

પ્રત્યેક જીવને વિજય પસંદ હોય છે; તે ભગવાનના ઐશ્વર્યને પ્રગટ કરે છે. શ્રીકૃષ્ણે સંકલ્પની ગુણવત્તા પર પણ વિશેષ ભાર મૂક્યો છે. આ અંગે પૂર્વે શ્લોક સં. ૨.૪૧, ૨.૪૪, અને ૯.૩૦માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુણવાનની સાત્ત્વિકતા પણ ભગવાનની શક્તિનું પ્રાગટય છે. સર્વ ગુણો, સિદ્ધિઓ, મહિમા, વિજય તથા દૃઢ સંકલ્પ ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય છે. તેમને પોતાના હોવાનું માનવાને બદલે, તે ભગવાનમાંથી ઉદ્ભવિત થયા છે, એ સ્વીકાર કરવો જોઈએ.