Bhagavad Gita: Chapter 10, Verse 39

યચ્ચાપિ સર્વભૂતાનાં બીજં તદહમર્જુન ।
ન તદસ્તિ વિના યત્સ્યાન્મયા ભૂતં ચરાચરમ્ ॥૩૯॥

યત્—જે; ચ—અને; અપિ—પણ; સર્વ ભૂતાનામ્—સર્વ પ્રાણીઓમાં; બીજમ્—જીવોના જનક; તત્—તે; અહમ્—હું; અર્જુન—અર્જુન, ન—નહીં; તત્—તે; અસ્તિ—છે; વિના—રહિત; યત્—જે; સ્યાત્—હોય; મયા—મને; ભૂતમ્—પ્રાણી; ચર-અચરમ્—જંગમ અને સ્થાવર.

Translation

BG 10.39: હે અર્જુન, હું સર્વ જીવંત પ્રાણીઓનું જનક બીજ છું. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે.

Commentary

શ્રીકૃષ્ણ સમગ્ર સૃષ્ટિનું કુશળ કારણ તથા ઉપાદાન કારણ બંને છે. કુશળ કારણ અર્થાત્ તેઓ કર્તા છે, જે વિશ્વનાં પ્રગટીકરણના કાર્ય સાથે સંબંધ ધરાવે છે. ઉપાદાન કારણ અર્થાત્ એ પદાર્થ જેમાંથી સર્જન થાય છે. શ્લોક સં. ૭.૧૦ તથા ૯.૧૮માં શ્રીકૃષ્ણે ઘોષણા કરી હતી કે તેઓ સ્વયં ‘શાશ્વત બીજ’ છે. અહીં, પુન: તેઓ કહે છે કે તેઓ ‘જનક બીજ’ છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે તેઓ સર્વ પદાર્થોનું મૂળ છે તથા તેમનાં સામર્થ્ય વિના કોઈનું પણ અસ્તિત્વ સંભવ  નથી.

જીવંત પ્રાણીઓનો જન્મ ચાર પ્રકારથી થાય છે:

અંડજ—ઈંડામાંથી જન્મેલાં, જેવાં કે પક્ષીઓ, સર્પ અને ગીલોડી;

જરાયુજ—ગર્ભથી જન્મેલાં, જેવાં કે માનવો, ગાયો, શ્વાનો અને બિલાડીઓ;

સ્વેદજ—પસીનામાંથી જન્મેલાં, જેવાં કે જૂ, બગાઈ, વગેરે;

ઉદ્ભીજ—પૃથ્વીમાંથી અંકુરિત થયેલાં, જેવાં કે વૃક્ષો, લતાઓ, તૃણ, અને ધાન્ય. તેના અતિરિક્ત અન્ય જીવંત સ્વરૂપો પણ છે, જેમ કે ભૂતો, દુષ્ટાત્માઓ, પ્રેતાત્માઓ વગેરે. શ્રીકૃષ્ણ આ સર્વનું મૂળ કારણ છે.