અથવા બહુનૈતેન કિં જ્ઞાતેન તવાર્જુન ।
વિષ્ટભ્યાહમિદં કૃત્સ્નમેકાંશેન સ્થિતો જગત્ ॥૪૨॥
અથવા—અથવા; બહુના—વિસ્તૃત; એતેન—આ દ્વારા; કિમ્—શું; જ્ઞાતેન તવ—તમારા દ્વારા જાણી શકાય; અર્જુન—અર્જુન; વિષ્ટભ્ય—વ્યાપ્ત અને આધાર; અહમ્—હું; ઈદમ્—આ; કૃત્સ્નમ્—સમગ્ર; એક—એક દ્વારા; અંશેન—અંશ; સ્થિત:—સ્થિત; જગત્—સૃષ્ટિ.
Translation
BG 10.42: હે અર્જુન, આ સર્વ વિસ્તૃત જ્ઞાનની શું આવશ્યકતા છે? કેવળ એટલું જ જાણ કે હું મારા એક અંશમાત્રથી આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત રહું છું અને તેને ધારણ કરું છું.
Commentary
શ્રીકૃષ્ણનું કથન ઈંગિત કરે છે કે તેમણે પહેલાંથી જ ઉત્તર આપી દીધો છે. હવે તેમની સ્વેચ્છાનુસાર તેઓ કંઈક વિશિષ્ટ કહેવા માંગે છે. તેમની તેજસ્વીતાના અનેક આશ્ચર્યજનક પાસાંઓ પ્રગટ કર્યા પશ્ચાત્ તેઓ કહે છે કે તેમના ઐશ્વર્યની તીવ્રતા, આ સમગ્ર વર્ણનનાં કુલ સરવાળા પછી પણ માપી શકાય એમ નથી, કારણ કે સમગ્ર સર્જનના અનંત બ્રહ્માંડો તેમનાં એક અંશ દ્વારા ધારણ કરાયેલાં છે.
તેઓ શા માટે અહીં તેમના અંશનો સંદર્ભ આપે છે? તેનું કારણ એ છે કે અનંત બ્રહ્માંડો સહિતનું સમગ્ર માયિક સર્જન એ ભગવાનના સમગ્ર પ્રાગટ્યના કેવળ એક ચતુર્થાંશ ભાગ છે; જયારે શેષ ત્રણ ચતુર્થાંશ એ અલૌકિક સર્જન છે.
પાદોઽસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિ (પુરુષ સૂક્તમ્ મંત્ર ૩)
“માયિક શક્તિથી રચિત આ અલ્પકાલીન વિશ્વ અન્ય કંઈ નહીં પરંતુ પરમ પુરુષોત્તમ ભગવાનની દિવ્ય વિભૂતિનો એક અંશ માત્ર છે. શેષ ત્રણ ભાગ તેમનાં શાશ્વત લોક છે, જે જન્મ તથા મૃત્યુના તત્ત્વોથી ઉપર છે.”
રસપ્રદ તો એ છે કે શ્રીકૃષ્ણ અર્જુનની સમક્ષ આ વિશ્વમાં ઉપસ્થિત છે અને છતાં એમ પ્રગટ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ તેમનાં એક અંશની અંતર્ગત છે. આ વિષય શ્રી ગણેશ અને શિવજીની કથા સમાન છે. એક સમયે, નારદ મુનિએ શિવજીને એક વિશેષ ફળ આપ્યું. ભગવાન શિવના બંને પુત્રો, કાર્તિકેય અને ગણેશ, આ ફળની માંગ કરવા લાગ્યા. શિવજીએ વિચાર્યું કે જો તેઓ બંનેમાંથી કોઈ એકને ફળ આપશે તો અન્યને થશે કે તેમના પિતા પક્ષપાત કરે છે. તેથી શિવજીએ બંને પુત્રો માટે એક સ્પર્ધાની જાહેરાત કરી. જે સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરીને પ્રથમ પાછું આવશે, તેને આ ફળ પ્રાપ્ત થશે.
આ સાંભળીને, કાર્તિકેયે બ્રહ્માંડની પરિક્રમા કરવાનો તુરંત આરંભ કરી દીધો. તેઓ ખડતલ અને શક્તિ-સંપન્ન બાંધો ધરાવતા હતા અને તેનો લાભ ઉઠાવવાનો નિશ્ચય કરી લીધો. તેમની તુલનામાં, ગણેશ હૃષ્ટપુષ્ટ શરીર ધરાવતા હતા અને પોતાના ભાઈ સાથે સ્પર્ધા કરવા માટે સ્વયંને વિવશ સમજતા હતા. તેથી, ગણેશે તેમની બુદ્ધિનો ઉપયોગ કરવાનો નિશ્ચય કર્યો. ભગવાન શિવ તથા માતા પાર્વતી ત્યાં જ ઉભા હતાં. ગણેશે તેમની ત્રણ વખત પરિક્રમા કરી અને જાહેર કર્યું કે “પિતાજી, મેં પરિક્રમા કરી લીધી. મને ફળ આપી દો.” શિવજીએ પૂછયું, “પરંતુ તમે સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા માટે ક્યાં ગયા જ છો? તમે તો અમારી સાથે જ છો.” ગણેશે ઉત્તર આપ્યો, “પિતાજી, તમે ભગવાન છો. સમગ્ર બ્રહ્માંડ તમારામાં અસ્તિત્વ ધરાવે છે. મેં તમારી પરિક્રમા કરી, એ સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરવા સમાન છે.” ભગવાન શિવ સંમત થયા કે તેમનો પુત્ર ગણેશ અતિ બુદ્ધિવાન છે અને તેણે વાસ્તવમાં પ્રતિયોગિતામાં વિજય પ્રાપ્ત કર્યો.
જેમ ભગવાન શિવ એક જ જગ્યાએ ઊભા હોવા છતાં સમગ્ર બ્રહ્માંડ તેમનામાં ઉપસ્થિત હતું, એ જ પ્રમાણે શ્રીકૃષ્ણ અર્જુનની સમક્ષ ઘોષણા કરે છે કે અનંત બ્રહ્માંડ સહિત આ સમગ્ર સૃષ્ટિ તેમના અસ્તિત્વના એકભાગની અંતર્ગત ઉપસ્થિત છે.