બુદ્ધિર્જ્ઞાનમસમ્મોહઃ ક્ષમા સત્યં દમઃ શમઃ ।
સુખં દુઃખં ભવોઽભાવો ભયં ચાભયમેવ ચ ॥૪॥
અહિંસા સમતા તુષ્ટિસ્તપો દાનં યશોઽયશઃ ।
ભવન્તિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ ॥૫॥
બુદ્ધિ:—બુદ્ધિ; જ્ઞાનમ્—જ્ઞાન; અસમ્મોહ:—વિચારોમાં સ્પષ્ટતા; ક્ષમા—ક્ષમા; સત્યમ્—સત્યતા; દમ:—ઇન્દ્રિયો પર સંયમ; શમ:—મન પર સંયમ; સુખમ્—સુખ; દુઃખમ્—દુઃખ; ભવ:—જન્મ; અભાવ:—મૃત્યુ; ભયમ્—ભય; ચ—અને; અભયમ્—નિર્ભયતા; એવ—નિશ્ચિત; ચ—અને; અહિંસા—અહિંસા; સમતા—સમભાવ; તુષ્ટિ:—સંતોષ; તપ:—તપ; દાનમ્—દાન; યશ—યશ; અયશ—અપયશ; ભવન્તિ—ઉદ્ભવે છે; ભાવા:—સ્વભાવ; ભૂતાનામ્—મનુષ્યોમાંથી; મત્ત:—મારામાંથી; એવ—એકલો; પૃથક્-વિધા:—વિવિધ પ્રકારનાં.
BG 10.4-5: મનુષ્યોમાં બુદ્ધિ, જ્ઞાન, વૈચારિક સ્પષ્ટતા, ક્ષમા, સત્યતા, ઇન્દ્રિયો તથા મન પર સંયમ, સુખ તથા દુઃખ, જન્મ તથા મૃત્યુ, ભય તથા નિર્ભયતા, અહિંસા, સમતા, તુષ્ટિ, તપશ્ચર્યા, દાન, યશ તથા અપયશ જેવા વિવિધ પ્રકારનાં ગુણોની વિવિધતા કેવળ મારામાંથી જ ઉત્પન્ન થાય છે.
Start your day with a nugget of timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
આ બે શ્લોકોમાં, શ્રીકૃષ્ણ આ સૃષ્ટિમાં અસ્તિત્વમાન સર્વ તત્ત્વો ઉપર સ્વયંની પરમ ભગવદ્તા તથા પૂર્ણ પ્રભુતાની પુષ્ટિ કરે છે. અહીં, તેઓ મનુષ્યની પ્રકૃતિની વ્યક્તિગત રચનાના બંધારણ માટે કારણભૂત વિવિધ માત્રાઓ તેમજ સંયોજનમાં અભિવ્યક્ત થતી વીસ પ્રકારની ભાવનાઓનો ઉલ્લેખ કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે મનુષ્યોનાં વિવિધ મનોભાવો, પ્રકૃતિઓ તેમજ ચિત્તવૃત્તિઓ એ સર્વ તેમનામાંથી ઉત્પન્ન થાય છે.
બુદ્ધિ ઉચિત પરિપ્રેક્ષ્યમાં વસ્તુઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા છે.
જ્ઞાનમ્ એ ભૌતિકતા અને આધ્યાત્મિકતા વચ્ચેનું અંતર સમજવાની વિવેક શક્તિ છે.
અસમ્મોહમ્ એ મોહની ગેરહાજરી છે.
ક્ષમા એ જેમણે હાનિ કરી હોય, તેમને માફ કરવાની ક્ષમતા છે.
સત્યમ્ એ સર્વના કલ્યાણ અર્થે સત્યને ઘોષિત કરવાનું સામર્થ્ય છે.
દમ અર્થાત્ ઇન્દ્રિયજન્ય વિષયો પ્રત્યે ઇન્દ્રિયોને નિયંત્રિત કરવું.
શમ એ મનનો નિગ્રહ તથા નિયંત્રણ છે.
સુખમ્ એ સુખ તથા પ્રસન્નતાની લાગણી છે.
દુઃખમ્ એ દુઃખ તથા વેદનાની લાગણી છે.
ભવ: એ સ્વયંના અસ્તિત્વ “હું છું” નો બોધ છે.
અભાવ: એ મૃત્યુનો અનુભવ છે.
ભય એ આવનારી વિપત્તિઓનો ભય છે.
અભય એ ભયથી મુક્તિ છે.
અહિંસા અર્થાત્ કોઈપણ જીવને વચન, કર્મ કે ચિંતનથી હાનિ કરવા પરનો સંયમ.
સમતા એ સારી તથા ખરાબ પરિસ્થિતિઓ પ્રત્યે સમભાવ છે.
તુષ્ટિ એ પોતાનાં કર્મો પ્રમાણે જે કંઈ પ્રાપ્ત થાય તેમાં સંતોષની અનુભૂતિ છે.
તપ અર્થાત્ વેદોને અનુસાર આધ્યાત્મિક કલ્યાણ અર્થે સ્વૈચ્છિક તપશ્ચર્યા.
દાન અર્થાત્ પાત્રને દાન કરવું.
યશ એ સદ્દગુણ-સંપન્નતાથી પ્રાપ્ત થતી કીર્તિ છે.
અપયશ એ દુર્ગુણ-સંપન્ન હોવાના કારણે થતી અપકીર્તિ છે.
શ્રીકૃષ્ણ આ શ્લોકમાં જણાવે છે કે પ્રત્યેક વ્યક્તિમાં આ ગુણોની અભિવ્યક્તિ કેવળ તેમણે પ્રદાન કરેલા સીમાધિકાર અનુસાર થાય છે. તેથી, તેઓ સર્વ જીવોની સારી કે દુષ્ટ પ્રકૃતિનો સ્રોત છે. આની તુલના વીજળીઘર દ્વારા વિવિધ વિદ્યુત ઉપકરણોમાં પ્રવાહિત થતી વિદ્યુત શક્તિ સાથે કરી શકાય. વિભિન્ન ઉપકરણોમાં પ્રવાહિત થતી સમાન વિદ્યુત ઊર્જા પ્રત્યેક ઉપકરણમાં વિભિન્ન રીતે પ્રકટ થાય છે. તે એકમાં ધ્વનિ સંપાદિત કરે છે તો અન્યમાં પ્રકાશ ઉત્પન્ન કરે છે, તો અન્ય ત્રીજામાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. આ તમામ અભિવ્યક્તિઓ વિભિન્ન હોવા છતાં તેમની આપૂર્તિનો સ્રોત એક જ વિદ્યુતગૃહમાંથી પ્રવાહિત થતો સમાન વિદ્યુત પ્રવાહ છે. એ જ પ્રમાણે, ભગવાનની શક્તિ આપણા પુરુષાર્થ (પોતાની સ્વતંત્રતા અનુસાર કર્મોનું ચયન કરવું) અનુસાર હકારાત્મક કે નકારાત્મકરૂપે, પૂર્વ કે વર્તમાન જન્મમાં પ્રગટ થાય છે.