અધ્યાય ૧૧: વિશ્વરૂપ દર્શન યોગ

ભગવાનના વૈશ્વિકરૂપના દર્શન દ્વારા યોગ

આ પૂર્વના અધ્યાયમાં, શ્રીકૃષ્ણે અર્જુનની ભક્તિને પુષ્ટ કરવા તથા તેમાં અભિવૃદ્ધિ કરવાના ઉદ્દેશ્યથી તેમની દિવ્ય વિભૂતિનું વર્ણન કર્યું. અધ્યાયના અંતમાં, પોતાના અસીમ વિશ્વ રૂપની ઝાંખીનું સૂચન કરતાં કહ્યું કે સર્વ સૌંદર્ય, ઐશ્વર્ય તથા શક્તિ તેમનાં તેજના એક ચમકારામાંથી પ્રગટ થાય છે. આ અધ્યાયમાં, અર્જુન શ્રીકૃષ્ણનાં વિશ્વરૂપ અર્થાત્ ભગવાનના અનંત વિરાટ બ્રહ્માંડીય સ્વરૂપ કે જેમાં સર્વ બ્રહ્માંડો સમાવિષ્ટ છે, તેનું દર્શન કરવાની પ્રાર્થના કરે છે. શ્રીકૃષ્ણ તેના પર કૃપા કરીને તેને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરે છે. પશ્ચાત્ અર્જુન દેવોનાં પણ દેવ ભગવાનના શરીરમાં સૃષ્ટિની સંપૂર્ણતાના દર્શન કરે છે. તે ભગવાનના આ અદ્ભુત તથા અનંત સ્વરૂપમાં અગણિત મુખો, ચક્ષુઓ, ભુજાઓ, તથા ઉદરોનું દર્શન કરે છે. આ સ્વરૂપનો કોઈ પ્રારંભ નથી કે અંત નથી તથા તે સર્વ દિશાઓમાં અનંત રીતે પ્રસરેલું છે. તે સ્વરૂપનું તેજ આકાશમાં સહસ્ર સૂર્યો એકસાથે પ્રકાશી રહ્યા હોય તેનાથી પણ અધિક હતું. આ દર્શનથી અર્જુનના રૂંવાડા  ઊભા થઇ ગયા. તેણે જોયું કે ત્રણેય લોક ભગવાનના નિયમોના ભયથી કાંપી રહ્યા છે. તેણે જોયું કે સ્વર્ગીય દેવતાઓ તેમના શરણમાં  અને મહાન ઋષિ-મુનિઓ અનેક પવિત્ર મંત્રોચ્ચાર તથા પ્રાર્થનાઓ દ્વારા તેમની સ્તુતિ કરી રહ્યા છે. તેણે જોયું કે જેમ પતંગિયાં મૃત્યુને ભેટવા તીવ્ર ગતિથી અગ્નિમાં પડતાં હોય છે, તેમ ધૃતરાષ્ટ્રના પુત્રો, તેમનાં સંબંધિત રાજાઓ સાથે તે ભયાનક સ્વરૂપનાં મુખમાં ધસી રહ્યા છે. પશ્ચાત્ અર્જુન સ્વીકાર કરે છે કે આ વિરાટ રૂપના દર્શનથી તેનું હૃદય ભયથી કાંપી રહ્યું છે અને તેણે તેના મનની શાંતિ ગુમાવી દીધી છે. ભયભીત થઈને તે આ વિસ્મયકારી ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ જાણવા માંગે છે કે જે તેના ગુરુ અને મિત્ર જેવા પરિચિત શ્રીકૃષ્ણ સાથે કોઈ સામ્યતા ધરાવતું નથી. શ્રીકૃષ્ણ તેને પ્રત્યુત્તર આપતાં કહે છે કે કાળના સ્વરૂપમાં તેઓ ત્રણેય લોકના વિનાશક છે. તેમણે જણાવ્યું કે મહાન કૌરવ યોદ્ધાઓનો પહેલાંથી જ  તેમના દ્વારા સંહાર થઇ ચૂક્યો છે, તેથી વિજયની સુનિશ્ચિતતા સાથે અર્જુને ઊભા થઈને યુદ્ધ કરવું જોઈએ.

અર્જુન પ્રતિક્રિયા સ્વરૂપે અનંત શૌર્ય અને શક્તિ ધરાવતા ભગવાન તરીકે તેમની સ્તુતિ કરે છે તથા તેમને વારંવાર પ્રણામ કરે છે. તે તેમની દીર્ઘકાલીન મૈત્રી દરમ્યાન ભગવાનને કેવળ સામાન્ય મનુષ્ય સમજીને ક્યારેય પણ તેમનો કોઈ અપરાધ કર્યો હોય, તો ક્ષમા માંગે છે. તે કૃપા માટે પ્રાર્થના કરે છે તથા પુન: ભગવાનના મોહક સ્વરૂપના દર્શન કરાવવા માટે વિનંતીઓ કરે છે. શ્રીકૃષ્ણ તેની અભિલાષાનો સ્વીકાર કરે છે અને પ્રથમ તેમના ચતુર્ભુજ સ્વરૂપમાં પાછા ફરે છે, પશ્ચાત્ તેઓ તેમનું સૌમ્ય અને પ્રેમાળ દ્વિભુજ સ્વરૂપ ધારણ કરે છે. તેઓ અર્જુનને કહે છે કે અર્જુને જે સ્વરૂપનું દર્શન કર્યું તે જોવું કેટલું કઠિન છે. તેમના સાકાર સ્વરૂપનું દર્શન વેદોના અધ્યયનથી, તપશ્ચર્યાઓથી, દાન આપવાથી કે યજ્ઞો કરવાથી થતું નથી. અર્જુન સમક્ષ ઊભેલા, એવા તેમના અસલી સ્વરૂપને મનુષ્ય કેવળ વિશુદ્ધ ભક્તિ દ્વારા જાણી શકે છે અને તેમની સાથે તાદાત્મ્ય સાધી શકે છે. 

અર્જુને કહ્યું: મારા પરના અનુગ્રહ વશાત્ આપે પ્રગટ કરેલા પરમ ગુહ્ય આધ્યાત્મિક જ્ઞાનનું શ્રવણ કરીને મારો મોહ હવે દૂર થઈ ગયો છે.

હે કમળ નયન, મેં આપની પાસેથી સર્વ જીવંત પ્રાણીઓની ઉત્પત્તિ તથા લય અંગે વિસ્તૃત વર્ણનનું શ્રવણ કર્યું છે તથા આપના અક્ષય ભવ્ય મહિમાને પણ જાણ્યો છે.

હે પરમેશ્વર! આપ વાસ્તવમાં એ જ છો જેનું આપે મારી સમક્ષ વર્ણન કર્યું છે. હે પુરુષોત્તમ! હવે, હું આપના દિવ્ય વિશ્વરૂપના સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છું છું.

હે યોગિક શક્તિઓના પરમેશ્વર! જો આપ માનતા હો કે હું દર્શન માટે સમર્થ છું, તો તે અવિનાશી વિશ્વરૂપને મારી સમક્ષ પ્રગટ કરવાની કૃપા કરો.

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે પાર્થ, અનેકવિધ આકારો, કદ તથા વર્ણોયુક્ત મારાં સેંકડો અને સહસ્રો અદ્ભુત સ્વરૂપો જો.

હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, મારામાં અદિતિના (બાર) પુત્રો, (આઠ) વસુઓ, (અગિયાર) રુદ્રો, (બે) અશ્વિનીકુમારો તેમજ (ઓગણચાળીસ) મરુતો તથા પૂર્વે અપ્રગટ આશ્ચર્યોને જો.

હે અર્જુન, એક સ્થાન પર એકત્રિત સર્વ ચર તથા અચર સહિત સમગ્ર બ્રહ્માંડને તું મારા વિશ્વરૂપમાં જો. તેનાથી અતિરિક્ત કંઈપણ તું જોવા ઈચ્છે, તે સર્વ મારા વિશ્વરૂપમાં જો.

પરંતુ તું તારા ચર્મચક્ષુથી મારા વિશ્વરૂપનું દર્શન કરી શકીશ નહીં. તેથી, હું તને દિવ્ય દૃષ્ટિ પ્રદાન કરું છું. મારું ભવ્ય ઐશ્વર્ય જો.

સંજયે કહ્યું: હે રાજા, આમ બોલીને, યોગના પરમેશ્વર શ્રીકૃષ્ણે તેમનાં દિવ્ય અને ઐશ્વર્ય યુક્ત વિશ્વરૂપના અર્જુનને દર્શન કરાવ્યાં.

તે વિશ્વરૂપમાં અર્જુને અનંત મુખો તથા નેત્રોનાં દર્શન કર્યાં, જે અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતા તથા જે રૂપ અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તેઓએ તેમનાં શરીર પર અનેક દિવ્ય હારમાળાઓ તથા વસ્ત્રો ધારણ કર્યા હતાં અને તેઓ અનેક મધુર-સુગંધિત દિવ્ય વિલેપનોથી વિલેપિત હતા. તેમણે સ્વયંને અદ્ભુત અને અનંત ભગવાનના સ્વરૂપે પ્રગટ કર્યા, જેમના મુખો સર્વ દિશાઓમાં વ્યાપક હતાં.

જો સહસ્ર સૂર્યો એક જ સમયે એકસાથે આકાશમાં ઉદય પામે તો પણ તેમનું તેજ એ મહા સ્વરૂપના તેજની સમાનતા કરી શકે એમ નથી.

ત્યાં અર્જુન દેવોના પણ દેવ ભગવાનના દેહમાં એકસાથે સ્થિત સમગ્ર બ્રહ્માંડની સંપૂર્ણતાને જોઈ શક્યો.

પશ્ચાત્ આશ્ચર્યચકિત થયેલા અને રોમાંચથી જેનાં રૂંવાડા ઊભા થઈ ગયા હતા એવા અર્જુને પરમેશ્વરને બે હાથ જોડીને, શિર નમાવીને પ્રણામ કર્યા તથા તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.

અર્જુને કહ્યું, હે શ્રીકૃષ્ણ! હું આપના શરીરમાં સર્વ દેવોને તથા ભિન્ન જીવોનાં સમુદાયોને જોઉં છું. હું કમળ પુષ્પ પર બિરાજમાન બ્રહ્માને જોઉં છું; હું ભગવાન શિવજીને, સર્વ ઋષિમુનિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું.

હે જગન્નાથ! હે વિશ્વેશ્વર! હું અસંખ્ય ભુજાઓ, ઉદરો, મુખો તથા નેત્રો સહિત આપનાં અનંત રૂપોને જોઉં છું, જે સર્વ દિશાઓમાં વ્યાપ્ત છે. હું આપમાં કોઈ આદિ, મધ્ય અને અંતને જોતો નથી.

અનેક મુકુટોથી અલંકૃત તથા ગદા અને ચક્રથી સજ્જ, તેજના ધામ સમાન સર્વત્ર દૈદીપ્યમાન આપનાં સ્વરૂપના હું દર્શન કરું છું. આપનાં અગ્નિ સમાન પ્રજ્વલિત તેજનું દર્શન કરવું અતિ દુષ્કર છે, જે સૂર્યના પ્રકાશ સમાન સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યું છે.

હું આપને પરમ અવિનાશી તરીકે ઓળખું છું તથા આપ જ શાસ્ત્રો દ્વારા વિદિત પરમ સત્ય છો. આપ સર્વ સર્જનનો આધાર છો; આપ સનાતન ધર્મનાં શાશ્વત રક્ષક છો તેમજ આપ શાશ્વત દિવ્ય પુરુષોત્તમ છો.

આપ આદિ, મધ્ય અથવા અંતથી રહિત છો; આપની શક્તિની કોઈ સીમા નથી. આપની ભુજાઓ અનંત છે; સૂર્ય તથા ચંદ્ર આપના નેત્રો સમાન છે અને અગ્નિ આપના મુખ સમાન છે. હું આપના સ્વયંના તેજથી સમગ્ર બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું.

સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તથા સર્વ દિશાઓ એકમાત્ર આપનાથી વ્યાપ્ત છે. હે સર્વ જીવોમાં શ્રેષ્ઠતમ, આપના આ અદ્ભુત અને ભયાનક સ્વરૂપને જોઈને હું ત્રણેય લોકોને ભયથી કાંપતો જોઉં છું.

સર્વ સ્વર્ગીય દેવતાઓ આપનામાં પ્રવેશ કરીને આપનું શરણ ગ્રહણ કરી રહ્યા છે. કેટલાક ભયથી બે હાથ જોડીને આપની પ્રશંસા કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધજનો માંગલિક મંત્રો તથા અનેક પ્રાર્થનાઓ દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે.

રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મરૂતો, પિતૃઓ, ગંધર્વો, યક્ષો, અસુરો તથા સિદ્ધો આ સર્વ આપનું વિસ્મિત થઈને દર્શન કરી રહ્યા છે.

હે સર્વશક્તિમાન ભગવાન, આપનાં આ અનેક મુખ, નેત્રો, બાહુઓ, જાંઘો, ચરણો, ઉદરો તથા ભયંકર દાંતોવાળા વિરાટ રૂપને જોઈને સર્વ લોક અત્યંત ભયભીત થયા છે અને એ જ પ્રમાણે હું પણ ભયભીત થયો છું.

હે ભગવાન વિષ્ણુ, આપનું ગગનસ્પર્શી, અનેક વર્ણોથી જ્યોતિર્મય, વિસ્ફારિત મુખોયુક્ત તથા વિશાળ પ્રદીપ્ત નેત્રો સહિતના સ્વરૂપના દર્શન કરીને મારું હૃદય ભયથી વ્યથિત થઈને કાંપી રહ્યું છે. મેં મારી સમગ્ર દૃઢતા તથા માનસિક શાંતિ ગુમાવી છે.

આપના પ્રલયાગ્નિ સમા મુખોને અને વિકરાળ દાંતોને જોઈને, હું ભૂલી જાઉં છું કે હું ક્યાં છું અને જાણતો નથી કે મારે ક્યાં જવું છે. હે દેવાધિદેવ! આપ તો સમગ્ર બ્રહ્માંડના આશ્રય છો; કૃપા કરીને મારા પર દયા કરો.

હું ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, તેમના સંબંધિત રાજાઓ સહિત, ભીષ્મ, દ્રોણાચાર્ય, કર્ણ અને અમારા પક્ષના સેનાપતિઓને પણ આપના ભયંકર મુખોમાં તીવ્ર ગતિથી પ્રવેશતાં જોઉં છું. આપના વિકરાળ દાંતો વચ્ચે તેમના કેટલાકના મસ્તક ચૂર્ણ થતા હું જોઉં છું.

જે પ્રમાણે નદીનાં અનેક પ્રવાહિત તરંગો તીવ્ર ગતિ સાથે સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી રીતે આ મહાન યોદ્ધાઓ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે. જેમ પતંગિયાં તીવ્ર વેગથી અગ્નિમાં નષ્ટ થવા ધસી જાય છે, તેમ આ મહાન સૈનિકો તીવ્ર ગતિથી આપના મુખોમાં પ્રવેશી રહ્યા છે.

આપની જ્વલંત જિહ્વાથી સર્વ દિશાઓમાં આપ જીવંત પ્રાણીઓનાં સમુદાયોને ચાટી રહ્યા છો અને આપના પ્રજ્વલિત મુખો દ્વારા તેમને ભક્ષી રહ્યા છો. હે વિષ્ણુ! આપ સમગ્ર બ્રહ્માંડને આપના તેજનાં પ્રચંડ સર્વ-વ્યાપ્ત કિરણોથી દઝાડી રહ્યા છો.

આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો તે મને કહો. હે દેવોના ભગવાન! હું આપને નમન કરું છું; કૃપા કરીને મારા પર આપની કરુણા વર્ષા કરો. આપ, જેઓ સર્વ સર્જનથી પૂર્વે પણ વિદ્યમાન હતા તેવા આપને હું જાણવા ઈચ્છું છું કારણ કે હું આપની પ્રકૃતિ અને પ્રયોજનને સમજી શકતો નથી.

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હું પ્રલયનું મૂળ કારણ મહાકાળ છું, જે સર્વ વિશ્વોનો નાશ કરવા આવે છે. તારા સહયોગ વિના પણ વિપક્ષ સૈન્યના સજ્જ યોદ્ધાઓનું મૃત્યુ થશે.

તેથી, ઊઠ અને કીર્તિ પ્રાપ્ત કર! તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર અને સમૃદ્ધ શાસનનો આનંદ લે. હે સવ્યસાચી, આ યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા ઊભા છે અને તું મારા કાર્યનું નિમિત્ત માત્ર છે.

દ્રોણાચાર્ય, ભીષ્મ, જયદ્રથ, કર્ણ અને અન્ય બહાદુર યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા છે. તેથી વિચલિત થયા વિના તેમનો વધ કર. કેવળ યુદ્ધ કર અને તું રણભૂમિમાં તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીશ.

સંજયે કહ્યું: કેશવનાં આ વચનો સાંભળીને અર્જુન ભયથી ધ્રુજવા લાગ્યો. બંને હાથ જોડીને, શ્રીકૃષ્ણને નત મસ્તક થઈને ભયયુકત ભાવનાઓથી ગદ્દ-ગદ્દ કંઠે આ પ્રમાણે કહ્યું.

અર્જુને કહ્યું: હે ઇન્દ્રિયોના સ્વામી, સમગ્ર બ્રહ્માંડ આપના મહિમાગાનથી હર્ષ પામે છે તથા આપના પ્રત્યે અનુરક્ત થાય છે, અસુરો આપનાથી ભયભીત થઈને સર્વ દિશાઓમાં ભાગે છે અને સિદ્ધ સંતોનો સમુદાય આપને સાદર પ્રણામ કરે છે, તે ઉચિત જ છે.

હે મહાત્મા, જે બ્રહ્મા આદિ સ્રષ્ટાથી પણ મહાન છે, તેવા આપને શા માટે તેઓ પ્રણામ ન કરે? હે અંનત, હે દેવતાઓનાં ભગવાન, હે બ્રહ્માંડનો આશ્રય, આપ પ્રગટ અને અપ્રગટ બંનેથી પરે પરમ અવિનાશી સત્ય છો.

આપ આદ્ય પરમેશ્વર તથા સનાતન દિવ્ય વિભૂતિ છો; આપ આ બ્રહ્માંડના એકમાત્ર આશ્રય સ્થાન છો. આપ સર્વજ્ઞાતા તથા સર્વજ્ઞેય બંને છો; આપ પરમ ધામ છો. હે અનંત રૂપો ધારણ કરનારા! એકમાત્ર આપ સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત છો.

આપ વાયુ (વાયુદેવ), યમરાજ (મૃત્યુના દેવ), અગ્નિ (અગ્નિના દેવ), વરુણ (જળના દેવ) તથા ચંદ્ર (ચંદ્રદેવ) છો. આપ સર્જક બ્રહ્માના પિતામહ તથા સર્વ પ્રાણીઓના પ્રપિતામહ છો. હું આપને મારા પુન: પુન: સહસ્ર નમસ્કાર કરું છું.

હે અનંત શક્તિઓના સ્વામી, આપને સન્મુખથી તથા પૃષ્ઠથી અને સર્વ દિશાઓથી મારા નમસ્કાર છે; આપ અનંત શૌર્ય તથા સામર્થ્ય ધરાવો છે તથા સર્વમાં વ્યાપ્ત છો અને અત: આપ બધું જ છો.

આપને મારા મિત્ર માનીને, મેં આપને ‘હે કૃષ્ણ’, ‘હે યાદવ’, ‘હે મારા પ્રિય મિત્ર’ કહીને સંબોધ્યાં છે. મેં આપની પ્રતિભાથી અજાણ રહીને, લાપરવાહી અને અનુચિત પ્રેમ દર્શાવ્યો છે. અને જો, મૂર્ખામીથી મેં વિનોદમાં, વિશ્રામ સમયે, સાથે બેઠા હોઈએ ત્યારે, ભોજન સમયે, એકાંતમાં, અથવા અન્યની સમક્ષ આપનો અનાદર કર્યો છે તો તે સર્વ અપરાધો માટે હું આપનો ક્ષમાપ્રાર્થી છું.

આપ સંપૂર્ણ બ્રહ્માંડના, ચર તથા અચર સર્વના પિતા છો. આપ સર્વોચિત પૂજનીય તથા પરમ આધ્યાત્મિક ગુરુવર્ય છો. હે અતુલનીય શક્તિઓનાં સ્વામી! જયારે ત્રણેય લોકોમાં આપની સમકક્ષ કોઈ નથી, તો આપથી મહાન તો કોણ હોય?

તેથી, હે પૂજનીય પ્રભુ! પૂર્ણ રીતે નત મસ્તક થઈને તથા સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને હું આપની પાસે આપની કૃપાની યાચના કરું છું. જેમ એક પિતા તેના પુત્રને સહન કરે છે, એક મિત્ર તેના મિત્રને માફ કરી દે છે અને પ્રિયતમ તેના પ્રિયજનને ક્ષમા કરી દે છે, તેમ કૃપા કરીને મારા અપરાધો માટે મને ક્ષમા કરો.

મેં પહેલાં કદાપિ ન જોયેલા આપનાં વિશ્વરૂપનાં દર્શન કરીને હું અતિ આનંદ અનુભવું છું. અને છતાં, મારું મન ભયથી વિચલિત છે. હે દેવોનાં સ્વામી! હે બ્રહ્માંડોનું ધામ! કૃપા કરીને મારા પર દયા કરો અને પુન: મને આપનું પ્રસન્ન રૂપ દર્શાવો.

હે સહસ્ર હાથોવાળા! યદ્યપિ આપ સર્વ સર્જનનાં મૂર્તિમાન સ્વરૂપ છો, તથાપિ હું આપને આપના ગદા અને ચક્રધારી તેમજ મુકુટ ધારણ કરેલા ચતુર્ભુજ રૂપમાં જોવા ઈચ્છું છું.

પરમાનંદ ભગવાન બોલ્યા: અર્જુન, તારા પર પ્રસન્ન થઈને, મારી યોગમાયા શક્તિથી મેં મારા દૈદીપ્યમાન, અનંત અને આદ્ય વિશ્વરૂપનાં દર્શન કરાવ્યાં. તારા સિવાય આ પૂર્વે કોઈએ આ સ્વરૂપ જોયું નથી.

હે કુરુ યોદ્ધાઓમાં શ્રેષ્ઠ, ન તો વેદોના અધ્યયનથી કે ન તો યજ્ઞો કરવાથી, ન તો કર્મકાંડો દ્વારા કે ન તો દાન આપવાથી, ન તો કઠોર તપશ્ચર્યાઓ કરીને પણ કોઈ નશ્વર જીવે કદાપિ જોયું નથી, જે તે જોયું છે.

તું મારા આ ભયંકર રૂપને જોઈને ન તો ભયભીત થા કે ન તો વિચલિત થા. ભયથી મુક્ત થા અને પ્રસન્ન ચિત્તે પુન: મને મારા સાકાર સ્વરૂપમાં જો.

સંજયે કહ્યું: આ પ્રમાણે બોલીને, વાસુદેવના કરુણાનિધાન પુત્રે પુન: તેમનું અંગત (ચતુર્ભુજ) સ્વરૂપ દર્શાવ્યું. પશ્ચાત્, તેમણે ભયભીત થયેલા અર્જુનને આશ્વાસિત કરવા પુન: તેમનું સૌમ્ય (દ્વિભુજ) સ્વરૂપ ધારણ કર્યું.

અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ, આપનું સૌમ્ય (દ્વિભુજ) રૂપ જોઈને મેં મારી સ્વસ્થતા પુન: પ્રાપ્ત કરી છે તથા મારું મન સામાન્ય અવસ્થામાં પુન:સ્થાપિત થયું છે.

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે તેનાં દર્શન અતિ દુર્લભ છે. સ્વર્ગનાં દેવતાઓ પણ તેનાં દર્શન કરવા માટે આતુર હોય છે. મારું જે રૂપ તે જોયું છે તે ન તો વેદોનાં અધ્યયનથી કે ન તો તપ, દાન કે હોમ-હવનથી પણ જોઈ શકાય છે.

હે અર્જુન, જે રૂપમાં હું તારી સમક્ષ ઉપસ્થિત છું તે રૂપમાં મને કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. આ પ્રમાણે, મારી દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરીને, હે પરંતપ, કોઈ મનુષ્ય મારા વાસ્તવિક સ્વરૂપમાં પ્રવેશ પામી શકે છે.

જેઓ મારા પ્રત્યે પરાયણ રહીને સર્વ કર્તવ્યોનું પાલન કરે છે, જે મારે આશ્રિત હોય છે તથા મારી ભક્તિમાં લીન હોય છે, જે આસક્તિ રહિત હોય છે તથા સર્વ જીવો પ્રત્યે દ્વેષ રહિત હોય છે, આવા ભક્તો નિશ્ચિત પણે મને પામે છે.