Bhagavad Gita: Chapter 11, Verse 13

તત્રૈકસ્થં જગત્કૃત્સ્નં પ્રવિભક્તમનેકધા ।
અપશ્યદ્દેવદેવસ્ય શરીરે પાણ્ડવસ્તદા ॥ ૧૩॥

તત્ર—ત્યાં; એક-સ્થમ્—એક સ્થાનમાં; જગત્—બ્રહ્માંડ; કૃત્સ્નમ્—સમગ્ર; પ્રવિભક્તમ્—વિભાજીત; અનેકધા—ઘણા; અપશ્યત્—જોયું; દેવ-દેવસ્ય—દેવોનાં દેવના; શરીરે—શરીરમાં; પાંડવ:—અર્જુન; તદા—ત્યારે.

Translation

BG 11.13: ત્યાં અર્જુન દેવોના પણ દેવ ભગવાનના દેહમાં એકસાથે સ્થિત સમગ્ર બ્રહ્માંડની સંપૂર્ણતાને જોઈ શક્યો.

Commentary

વિશ્વરૂપમાં રહેલાં આશ્ચર્યકારક દૃશ્યોનું વર્ણન કર્યા પશ્ચાત્ સંજય કહે છે કે તેમાં સમગ્ર બ્રહ્માંડ સમાવિષ્ટ છે. તેનાથી અધિક આશ્ચર્ય સાથે અર્જુને અસ્તિત્વની સમગ્રતાને શ્રીકૃષ્ણના શરીરની સ્થાનિકતામાં નિહાળી. તેણે પરમેશ્વર ભગવાનના દેહના કેવળ એક અંશમાં આકાશગંગાઓ અને ગ્રહમંડળો સાથે વિવિધ પ્રકારે વિભાજીત અનંત બ્રહ્માંડોથી યુક્ત સંપૂર્ણ સૃષ્ટિનું દર્શન કર્યું.

શ્રીકૃષ્ણે તેમની બાળ લીલાઓમાં પણ તેમની માતા યશોદા સમક્ષ વિશ્વરૂપનું પ્રાગટય કર્યું હતું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેમનાં ગૂઢ ઐશ્વર્યોને સંતાડીને તેમનાં ભક્તોને આનંદ પ્રદાન કરવા માટે એક નાના બાળકની ભૂમિકા ભજવી રહ્યા હતા. શ્રીકૃષ્ણને પોતાનું સંતાન સમજતાં યશોદામૈયાએ એક દિવસ તેને વારંવાર ચેતવણીઓ આપવા છતાં માટી ખાવા માટે ઠપકો આપ્યો અને તેમને મોઢું ખોલવા માટે કહ્યું કે જેથી તેઓ જાણી શકે કે તેમાં શું હતું. પરંતુ જયારે શ્રીકૃષ્ણે મોઢું ખોલ્યું ત્યારે તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. બાળકૃષ્ણે તેમની યોગમાયા શક્તિથી મુખમાં જ તેમનું વિશ્વરૂપ પ્રગટ કર્યું. યશોદાજી તેમના આટલા નાના સંતાનનાં મુખમાં આવાં અનંત આશ્ચર્યો જોઇને દિગ્મૂઢ થઈ ગયા. તેઓ આ આશ્ચર્યજનક દૃશ્યોથી એટલાં વશીભૂત થઈ ગયા કે તેમને મૂર્ચ્છા આવવા લાગી.  તે સમયે શ્રીકૃષ્ણના સ્પર્શથી તેઓ સાધારણ પરિસ્થિતિમાં પાછા ફર્યા.

જે વિશ્વરૂપ શ્રીકૃષ્ણે તેમની માતા સમક્ષ પ્રગટ કર્યું હતું, એ જ વિશ્વરૂપ તેઓ અત્યારે તેમના મિત્ર અર્જુન સમક્ષ પ્રગટ કરી રહ્યા છે. હવે, સંજય વિશ્વરૂપના દર્શન અંગે અર્જુનની પ્રતિક્રિયાનું વર્ણન કરે છે.