Bhagavad Gita: Chapter 11, Verse 14

તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટરોમા ધનઞ્જયઃ ।
પ્રણમ્ય શિરસા દેવં કૃતાઞ્જલિરભાષત ॥ ૧૪॥

તત:—ત્યાર પછી; સ:—તે; વિસ્મય-આવિષ્ટ:—આશ્ચર્યચકિત; હૃષ્ટ-રોમા—રોમાંચથી રૂંવાડા ઊભા થયેલા; ધનંજય:—અર્જુન, ધન પર વિજય મેળવનાર; પ્રણમ્ય—પ્રણામ કરીને; શિરસા—મસ્તકથી; દેવમ્—પરમેશ્વર; કૃત-અંજલિ:—હાથ જોડીને; આભાષાત—સંબોધીને.

Translation

BG 11.14: પશ્ચાત્ આશ્ચર્યચકિત થયેલા અને રોમાંચથી જેનાં રૂંવાડા ઊભા થઈ ગયા હતા એવા અર્જુને પરમેશ્વરને બે હાથ જોડીને, શિર નમાવીને પ્રણામ કર્યા તથા તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો.

Commentary

શ્વાસો રોકી દેનારા આ દૃશ્યો જોઇને અતિ પૂજ્યભાવ સાથે અર્જુન વિસ્મયયુક્ત થઈને અવાક્ થઈ ગયો. આ દર્શનથી તેના હૃદયમાં ભક્તિયુક્ત આનંદનો આવેગ ઉત્પન્ન થયો, જેનાથી તેના હૃદયનાં તાર ઝણઝણી ઉઠયા. ભક્તિયુક્ત ઊર્મિઓથી જે ઉત્તેજનાનો અનુભવ થાય છે, તે પ્રસંગોપાત શારીરિક હાવભાવમાં અભિવ્યક્તિ શોધી લે છે. ભક્તિ શાસ્ત્રો આવા આઠ લક્ષણોનું વર્ણન કરે છે, જેને અષ્ટ સાત્ત્વિક ભાવ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાવો ભક્તોનું હૃદય જયારે ભક્તિથી રોમાંચિત થઈ જાય છે, ત્યારે ક્યારેક પ્રગટ થાય છે:

            સ્તમ્ભઃ સ્વેદોઽથ રોમાઞ્ચઃ સ્વરભેદોઽથ વેપથુઃ

           વૈવર્ણ્યમશ્રુ પ્રલય ઇત્યષ્ટૌ સાત્વિકાઃ સ્મૃતાઃ (ભક્તિ રસામૃત સિન્ધુ)

“સ્તંભન, સ્વેદ, રોમાંચ, સ્વર ભંગ, કંપન, ભસ્મવર્ણ, અશ્રુપાત અને મૂર્છા—આ શારીરિક લક્ષણો છે, જે દ્વારા ક્યારેક-ક્યારેક હૃદયમાં રહેલો અગાધ પ્રેમ વ્યક્ત થઈ જાય છે.” એ જ અનુભવ અર્જુનને પણ થઈ રહ્યો છે, જેમાં તેના રૂંવાડા ઊભા થઈ ગયા છે. તે બંને હાથ જોડીને, શિર ઝુકાવીને આદરયુક્ત નિમ્નલિખિત આ શબ્દોથી સ્તુતિ કરે છે. અર્જુને જે કહ્યું તેનું હવે આગામી સત્તર શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું છે.