Bhagavad Gita: Chapter 11, Verse 24

નભઃસ્પૃશં દીપ્તમનેકવર્ણં
વ્યાત્તાનનં દીપ્તવિશાલનેત્રમ્ ।
દૃષ્ટ્વા હિ ત્વાં પ્રવ્યથિતાન્તરાત્મા
ધૃતિં ન વિન્દામિ શમં ચ વિષ્ણો ॥ ૨૪॥

નભ: સ્પૃશમ્—ગગનચુંબી; દીપ્તમ્—જ્યોતિર્મય; અનેક—અનેક; વર્ણમ્—રંગો; વ્યાત્ત—ખુલ્લા; આનનમ્—મુખો; દીપ્ત—પ્રદીપ્ત; વિશાલ—વિશાળ; નેત્રમ્—આંખો; દૃષ્ટવા—જોઇને; હિ—ખરેખર; ત્વામ્—આપને; પ્રવ્યથિતાન્તર-આત્મા—મારું હૃદય ભયથી કંપી રહ્યું છે; ધૃતિમ્—દૃઢતા; ન—નહીં; વિન્દામિ—હું પામું; શમમ્—માનસિક શાંતિ; ચ—અને; વિષ્ણો—ભગવાન વિષ્ણુ.

Translation

BG 11.24: હે ભગવાન વિષ્ણુ, આપનું ગગનસ્પર્શી, અનેક વર્ણોથી જ્યોતિર્મય, વિસ્ફારિત મુખોયુક્ત તથા વિશાળ પ્રદીપ્ત નેત્રો સહિતના સ્વરૂપના દર્શન કરીને મારું હૃદય ભયથી વ્યથિત થઈને કાંપી રહ્યું છે. મેં મારી સમગ્ર દૃઢતા તથા માનસિક શાંતિ ગુમાવી છે.

Commentary

ભગવાનના વિશ્વરૂપના દર્શનથી અર્જુનના ભગવાન સાથેના સંબંધના સ્વરૂપમાં પરિવર્તન આવી ગયું. પૂર્વે તે તેમને એક અંતરંગ મિત્ર માનતો હતો અને ઘનિષ્ઠ મિત્ર તરીકે એ જ પ્રમાણે વ્યવહાર કરતો હતો. તે આંતરિક રીતે જાગૃત હતો કે શ્રીકૃષ્ણ ભગવાન છે પરંતુ તેના હૃદયમાં ઊભરાતા પ્રેમને કારણે શ્રીકૃષ્ણની સર્વ-શક્તિમાનતાનું વિસ્મરણ થઈ જતું. તેને કેવળ એટલું જ સ્મરણ રહેતું કે તે તેના મિત્ર શ્રીકૃષ્ણને વિશ્વની પ્રત્યેક વસ્તુની તુલનામાં અધિક પ્રેમ કરે છે.

આ પ્રેમની પ્રકૃતિ છે. તે મનને એટલું તલ્લીન કરી દે છે કે ભક્તને તેના પ્રિય ભગવાનની વાસ્તવિક ભગવદ્તાની વિસ્મૃતિ કરાવી દે છે અને જો ઔપચારિકતા જળવાઈ રહે તો પ્રેમ તેની પૂર્ણતા સાથે વ્યકત થવા માટે અસમર્થ રહે છે. ઉદાહરણ તરીકે, એક પત્ની તેના પતિને ગાઢ પ્રેમ કરે છે. તેનો પતિ રાજ્યનો ગવર્નર હોવા છતાં પત્ની તેને પોતાનો પતિ જ માને છે અને તેથી જ તેની સાથે તે ઘનિષ્ઠતાથી આંતરક્રિયા કરી શકે છે. જો તે મસ્તિષ્કમાં એવું જ્ઞાન જાળવી રાખે કે તેનો પતિ ગવર્નર છે તો જયારે પણ તે આવે ત્યારે તેને ઊભા થઈને તેને અધિક ઔપચારિક વિધિપૂર્વક સમ્માન પ્રદાન કરશે. પ્રિયતમના ઔપચારિક સ્થાનનું જ્ઞાન પ્રેમયુક્ત ઊર્મિઓમાં પીગળી જાય છે. આ જ તત્ત્વ ભગવાનની ભક્તિમાં પણ સ્થાન ધરાવે છે.

વ્રજનાં ગોપ-બાળકો શ્રીકૃષ્ણને તેમનો જીગરી મિત્ર માનતા હતા. જગદ્દગુરુ શ્રી કૃપાળુજી મહારાજ શ્રીકૃષ્ણ સાથેની તેમની આ લીલાનું અતિ મધુર વર્ણન કરે છે:

દેખો દેખો રી, ગ્વાલ બાલન યારી

રિઝવત ખેલ જિતાય સખન કો, ઘોડા બનિ બનિ બનવારી (પ્રેમ રસ મદિરા, રસિયા માધુરી, પદ ૭)

“શ્રીકૃષ્ણ અને તેના ગોપ મિત્રો વચ્ચેનો મધુર પ્રેમ તો જુઓ! તેઓ સાથે ખેલ ખેલે છે અને જયારે શ્રીકૃષ્ણ રમતમાં પરાજિત થાય છે ત્યારે તેઓ ભૂમિ પર બેસીને ઘોડો બને છે અને તેમના મિત્રો તેમની પીઠ પર સવારી કરે છે.” જો ગોપ-મિત્રોને એ સ્મરણ રહેત કે શ્રીકૃષ્ણ ભગવાન છે, તો તેઓ કદાપિ આવું કરવાનું સાહસ ના કરત. ભગવાન પણ તેમના ભક્તો સાથેના આવા વ્યવહારનો આનંદ લે છે, જેમાં તેઓ તેમને પોતાના મિત્ર માને છે.

શ્રીકૃષ્ણે પૃથ્વી પર પ્રસિદ્ધ ગોવર્ધન લીલા કરી, જેમાં તેમણે સ્વર્ગના રાજા અને વર્ષાના સ્વર્ગીય દેવ ઇન્દ્રના ક્રોધની અભિવ્યક્તિ રૂપ વર્ષાથી વ્રજવાસીઓને બચાવવા ગોવર્ધન પર્વત ડાબા હાથની ટચલી આંગળી ઉપર ઉઠાવ્યો હતો. પરંતુ, કૃષ્ણનાં નાના ગોપ-બાળકો પ્રભાવિત થયા ન  હતા. તેમની દૃષ્ટિએ, શ્રીકૃષ્ણ કેવળ અતિ પ્રિય મિત્ર હતા અને તેથી તેઓ એ માનતા ન હતા કે તે પર્વત ઉપાડી શકે. જગદ્દગુરુ શ્રી કૃપાલુજી મહારાજ ઉપરોક્ત દોહાના સંદર્ભમાં આગળ વર્ણવે છે:

                નખ ધાર્યો ગોવર્ધનગિરિ જબ, સખન કહ્યો હમ ગિરિધારી

                                                    (પ્રેમ રસ મદિરા, રસિયા માધુરી, પદ ૭)

“જયારે શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો, તેમનાં ગોપ-સખાઓ પર્વતના તળિયે પોતાની લાકડીઓથી ટેકો આપવા લાગ્યા અને માનવા લાગ્યા કે વાસ્તવમાં તેઓએ જ ગોવર્ધન પર્વતને ઉપાડયો છે.” અંતે, ઇન્દ્રે પોતાના પરાજયનો સ્વીકાર કર્યો અને શ્વેત ગજ પર બેસીને આવ્યો. શ્રીકૃષ્ણના પરમ તત્ત્વને સમજ્યા વિના મુશળધાર વર્ષા કરવા બદલ તેણે ક્ષમા માંગી.

હવે, જયારે ગોપ-બાળકોએ સ્વર્ગના રાજા ઇન્દ્રને આવીને તેમના મિત્ર શ્રીકૃષ્ણને પ્રણામ કરીને ક્ષમા માંગતા જોયા, ત્યારે તેમને સમજાયું કે શ્રીકૃષ્ણ ભગવાન છે. તેથી તેઓએ દૂરથી તેમની તરફ ભયભીત થઈને જોવાનું પ્રારંભ કર્યું. તેમની મૈત્રીપૂર્ણ ભક્તિયુક્ત ભાવનાઓને આદર અને સમ્માનમાં પરિવર્તિત થતાં જોઈને શ્રીકૃષ્ણને શોક થયો. “એ પરસ્પર પ્રેમયુક્ત વ્યવહારનો આનંદ સમાપ્ત થઈ ગયો. તેઓ હવે મને ભગવાન માનવા લાગ્યા છે.” તેથી શ્રીકૃષ્ણે સ્વયંની યોગમાયા શક્તિથી ગોપ-સખાઓએ જે કંઈ જોયું હતું તેનું મહત્ત્વ ભૂલાવી દીધું અને ગોપ-સખાઓ પુન: માનવા લાગ્યા કે શ્રીકૃષ્ણ તેમના મિત્રથી અધિક વિશેષ કંઈ નથી.

અર્જુન પણ શ્રીકૃષ્ણનો સાખ્ય ભાવયુક્ત ભક્ત હતો. તે શ્રીકૃષ્ણ સાથે મિત્રનો જ સંબંધ ધરાવતો હતો. તેથી જ તે શ્રીકૃષ્ણને પોતાના રથના સારથિ બનાવવા તૈયાર થયો હતો. જો તેની ભક્તિ એ વાસ્તવિકતાથી પ્રેરિત હોત, કે શ્રીકૃષ્ણ સર્વ સૃષ્ટિના પરમ સ્વામી છે, તો અર્જુન તેમને કદાપિ આવી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવી સેવા ન કરાવત. પરંતુ હવે તેમનો અનંત વૈભવ તથા અચિંત્ય ઐશ્વર્ય જોઈને તેની શ્રીકૃષ્ણ પ્રત્યેની મૈત્રીયુક્ત ભાવનાઓ ભયમાં પરિવર્તિત થઈ ગઈ.