Bhagavad Gita: Chapter 11, Verse 33

તસ્માત્ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ
જિત્વા શત્રૂન્ભુઙ્ક્ષ્વ રાજ્યં સમૃદ્ધમ્ ।
મયૈવૈતે નિહતાઃ પૂર્વમેવ
નિમિત્તમાત્રં ભવ સવ્યસાચિન્ ॥ ૩૩॥

તસ્માત્—તેથી; ત્વમ્—તું; ઉત્તિષ્ઠ—ઊઠ; યશ:—કીર્તિ; લભસ્વ—પ્રાપ્ત કર; જિત્વા—જીતીને; શત્રુન્—શત્રુઓ; ભુઙ્ક્ષ્વ—ભોગવ; રાજ્યમ્—રાજ્ય; સમૃદ્ધમ્—સમૃદ્ધ; મયા—મારા વડે; એવ—ખરેખર; એતે—આ; નિહતા:—હણાયેલા; પૂર્વમ્—પહેલાથી જ; એવ નિમિત્ત-માત્રમ્—કેવળ સાધન માત્ર; ભવ—થા; સવ્ય-સાચિન્—અર્જુન, જે બંને હાથે તીર ચલાવી શકતો.

Translation

BG 11.33: તેથી, ઊઠ અને કીર્તિ પ્રાપ્ત કર! તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર અને સમૃદ્ધ શાસનનો આનંદ લે. હે સવ્યસાચી, આ યોદ્ધાઓ પહેલાંથી જ મારા દ્વારા હણાયેલા ઊભા છે અને તું મારા કાર્યનું નિમિત્ત માત્ર છે.

Commentary

શ્રીકૃષ્ણે અર્જુન સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે કૌરવોનો નાશ થવો જોઈએ અને પાંડવો દ્વારા ધર્મની સંહિતા અનુસાર હસ્તિનાપુરનું સંચાલન થવું જોઈએ. તેમણે પહેલાંથી જ યુદ્ધના પરિણામ સ્વરૂપે અધર્મનો વિનાશ તથા ધર્મનો વિજય સુનિશ્ચિત કરી લીધો હતો. વિશ્વનાં કલ્યાણ માટેની તેમની ભવ્ય યોજનાને કોઈપણ સાધન દ્વારા ટાળી શકાય નહીં. હવે તેઓ અર્જુનને જણાવે છે કે તેઓ તેને નિમિત્ત-માત્રમ્  અર્થાત્ તેમનાં કાર્યનું કેવળ માધ્યમ બનાવવા ઈચ્છે છે. ભગવાનને તેમના કાર્યની પૂર્તિ માટે મનુષ્યની સહાયની આવશ્યકતા નથી, પરંતુ ભગવાનની ઈચ્છા-પૂર્તિ માટે કાર્ય કરીને મનુષ્ય શાશ્વત કલ્યાણ પ્રાપ્ત કરે છે. આપણા જીવન-પથ પર ભગવાનનાં સુખ અર્થે કંઈક કાર્ય નિષ્પન્ન કરવાનો અવસર પ્રાપ્ત થવો એ અતિ વિશેષ આશીર્વાદ છે. આ અવસરોને સ્વીકારીને આપણે તેમની વિશેષ કૃપાને આકર્ષિત કરીએ છીએ તથા ભગવાનનાં દાસ તરીકેનું નિત્ય સ્થાન પ્રાપ્ત કરીએ છીએ.

શ્રીકૃષ્ણ અર્જુનને તેમની કૃપા દ્વારા તેને પ્રાપ્ત થયેલા ધનુર્વિદ્યાનાં અદ્ભુત કૌશલ્યોનું સ્મરણ કરાવીને પોતાનું નિમિત્ત બનવા માટે પ્રોત્સાહિત કરે છે. તેથી તેઓ તેને સવ્યસાચી તરીકે સંબોધન કરે છે, જેનો અર્થ છે, શ્રેષ્ઠ ધનુર્ધર. અર્જુન પ્રશંસનીય રીતે ઉભયપક્ષી ધનુર્ધર હોવાથી બંને હાથે તીર છોડવા માટે સમર્થ હતો.