Bhagavad Gita: Chapter 11, Verse 50

સઞ્જય ઉવાચ ।
ઇત્યર્જુનં વાસુદેવસ્તથોક્ત્વા
સ્વકં રૂપં દર્શયામાસ ભૂયઃ ।
આશ્વાસયામાસ ચ ભીતમેનં
ભૂત્વા પુનઃ સૌમ્યવપુર્મહાત્મા ॥ ૫૦॥

સંજય: ઉવાચ—સંજયે કહ્યું; ઈતિ—એમ; અર્જુનમ્—અર્જુનને; વાસુદેવ:—કૃષ્ણ, વાસુદેવના પુત્ર; તથા—તે પ્રમાણે; ઉક્ત્વા—બોલીને; સ્વકમ્—તેમનું અંગત; રૂપમ્—રૂપ; દર્શયામ્-આસ—દર્શાવ્યું; ભૂય:—ફરીથી; આશ્વાસયામ્-આસ—આશ્વાસન આપ્યું; ચ—અને; ભીતમ્—ભયભીત; એનમ્—તેને; ભૂત્વા—થઈને; પુન:—ફરીથી; સૌમ્ય-વપુ:—સૌમ્ય રૂપવાળા; મહા-આત્મા—મહાપુરુષ.

Translation

BG 11.50: સંજયે કહ્યું: આ પ્રમાણે બોલીને, વાસુદેવના કરુણાનિધાન પુત્રે પુન: તેમનું અંગત (ચતુર્ભુજ) સ્વરૂપ દર્શાવ્યું. પશ્ચાત્, તેમણે ભયભીત થયેલા અર્જુનને આશ્વાસિત કરવા પુન: તેમનું સૌમ્ય (દ્વિભુજ) સ્વરૂપ ધારણ કર્યું.

Commentary

શ્રીકૃષ્ણે તેમનાં વિશ્વરૂપના દર્શનને છુપાવીને અર્જુન સમક્ષ ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું, જે સુવર્ણ મુગટ, સુદર્શન, ગદા તથા કમળ-પુષ્પથી વિભૂષિત હતું. જે સર્વ દિવ્ય ઐશ્વર્યો, પ્રભુતા, સર્વજ્ઞતા, સર્વશક્તિમત્તાનો પુંજ હતું. શ્રીકૃષ્ણનું ચતુર્ભુજ સ્વરૂપ તેમના પ્રત્યે, કોઈ રાજ્યના નાગરિકોને તેમના રાજા પ્રત્યે હોય છે, તેવા ભય અને સન્માનનાં ભાવ જાગૃત કરનારું હતું. પરંતુ અર્જુન શ્રીકૃષ્ણનો મિત્ર હતો અને ભય તથા સન્માનનાં ભાવથી યુક્ત ભક્તિ તેને કદાપિ સંતુષ્ટ કરી શકે તેમ ન હતી. તે શ્રીકૃષ્ણ સાથે રમ્યો હતો, ભોજન કર્યું હતું, પોતાની ગુપ્ત વાતો કહી હતી, તથા પ્રેમયુક્ત અંગત ક્ષણો સાથે વિતાવી હતી. આ પ્રકારની સખ્ય ભાવ (એવી ભક્તિ જેમાં ભગવાનને અંગત મિત્ર માનવામાં આવે છે)ની આનંદમય ભક્તિ, ઐશ્વર્ય ભક્તિની (એવી ભક્તિ જેમાં ભગવાનને સર્વ શક્તિમાન પ્રભુ તરીકે દૂરથી સન્માન આપવામાં આવે છે) તુલનામાં અનંત રીતે મધુરતર છે. તેથી, અર્જુનની ભક્તિની ભાવનાઓને પુષ્ટિ આપવા માટે અંતત: શ્રીકૃષ્ણે તેમનું ચતુર્ભુજ સ્વરૂપ પણ છુપાવી દીધું અને તેને તેમનાં મૂળ દ્વિભુજ સ્વરૂપમાં પરિવર્તિત કરી દીધું.

એક સમયે વૃંદાવનનાં જંગલોમાં શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે પ્રેમયુક્ત લીલાઓમાં વ્યસ્ત હતા, જયારે અચાનક તેઓ તેમની મધ્યેથી અદૃશ્ય થઈ ગયા. ગોપીઓ તેમને પુન: પ્રગટ થવા માટે પ્રાર્થના કરવા લાગી. તેમની વિનવણીઓ સાંભળીને તેઓ પુન: પ્રગટ તો થયા પરંતુ, તેમનાં ચતુર્ભુજ સ્વરૂપમાં. ગોપીઓ તેમને ભગવાન વિષ્ણુ માનીને તદ્દનુસાર પ્રણામ કરવા લાગી. પરંતુ તેમના એ રૂપથી મોહિત ન થવાથી તેમની સાથે અધિક સમય વ્યતીત ન કરતાં ત્યાંથી જવા લાગી. તેમને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણને પોતાના આત્મીય પ્રિયતમ માનવાની આદત હતી અને તેમનું આ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ તેમનાં માટે કોઈ આકર્ષણ ધરાવતું ન હતું. જો કે અંતત: રાધારાણી દૃશ્યમાન થયા અને તેમને જોઈને, શ્રીકૃષ્ણ પ્રેમથી વિહવળ થઈને અધિક સમય સુધી ચતુર્ભુજ સ્વરૂપ ટકાવી શક્યા નહીં. તેમની બે ભુજાઓ સ્વત: અદૃશ્ય થઈ ગઈ અને તેમણે તેમનું દ્વિભુજ સ્વરૂપ ધારણ કરી લીધું. આ શ્લોકમાં પણ શ્રીકૃષ્ણ તેમનાં પરમ આકર્ષક દ્વિભુજ સ્વરૂપમાં પુન: પ્રગટ થાય છે.