ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવંવિધોઽર્જુન ।
જ્ઞાતું દ્રષ્ટું ચ તત્ત્વેન પ્રવેષ્ટું ચ પરન્તપ ॥ ૫૪॥
ભક્ત્યા—ભક્તિ દ્વારા; તુ—એકલો; અનન્યયા—અનન્ય; શક્ય:—સંભવ; અહમ્—હું; એવમ્-વિધ:—આ પ્રમાણે; અર્જુન—અર્જુન; જ્ઞાતુમ્—જાણવા; દ્રષ્ટુમ્—જોવા; ચ—અને; તત્ત્વેન—વાસ્તવમાં; પ્રવેષ્ટુમ્—માં (મારી સાથેનાં ઐક્ય) પ્રવેશ કરવા; ચ—અને; પરન્તપ—શત્રુઓનું દમન કરનાર.
Translation
BG 11.54: હે અર્જુન, જે રૂપમાં હું તારી સમક્ષ ઉપસ્થિત છું તે રૂપમાં મને કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે. આ પ્રમાણે, મારી દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત કરીને, હે પરંતપ, કોઈ મનુષ્ય મારા વાસ્તવિક સ્વરૂપમાં પ્રવેશ પામી શકે છે.
Commentary
આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ ભારપૂર્વક જણાવે છે કે ભક્તિ જ તેમની પ્રાપ્તિ માટેનું સાધન છે. પૂર્વે, શ્લોક સં. ૧૧.૪૮માં તેમણે જણાવ્યું હતું કે તેમના વિરાટરૂપના દર્શન કેવળ ભક્તિ દ્વારા જ શક્ય છે. આ શ્લોકમાં, હવે શ્રીકૃષ્ણ ભારપૂર્વક ઘોષિત કરે છે કે તેઓ જે દ્વિભુજ સ્વરૂપે અર્જુન સમક્ષ ઉપસ્થિત છે, તેનો સાક્ષાત્કાર કેવળ ભક્તિ દ્વારા જ થઇ શકે છે. આ અંગે વૈદિક શાસ્ત્રોમાં વારંવાર પુનરાવર્તન કરવામાં આવ્યું છે:
ભક્તિરેવૈનં નયતિ ભક્તિરેવૈનં પશ્યતિ ભક્તિરેવૈનં દર્શયતિ ભક્તિ વશઃ પુરુષો
ભક્તિરેવ ગરીયસી (માઠર શ્રુતિ)
“કેવળ ભક્તિ જ આપણને ભગવાન સાથે જોડી શકશે; કેવળ ભક્તિ જ આપણને તેમનાં દર્શન કરવામાં સહાયરૂપ થશે; કેવળ ભક્તિ જ આપણને તેમની પ્રાપ્તિમાં સહાયરૂપ થશે; સાચી ભક્તિથી ભગવાન દાસ બની જાય છે, જે સર્વ માર્ગોમાં ઉત્તમ છે.”
ન સાધયતિ માં યોગો ન સાંખ્યં ધર્મ ઉદ્ધવ
ન સ્વાધ્યાયસ્તપસ્ત્યાગો યથા ભક્તિર્મમોર્જિતા (ભાગવતમ્ ૧૧.૧૪.૨૦)
“હે ઉદ્ધવ, હું મારા ભક્તોનાં વશમાં રહું છે તથા તેઓ મને જીતી લે છે. પરંતુ જેઓ ભક્તિમાં પરાયણ થતાં નથી, તેઓ કદાપિ અષ્ટાંગ-યોગના અભ્યાસથી, સાંખ્ય તથા અન્ય તત્ત્વદર્શનોના અધ્યયનથી, પુણ્યશાળી કર્તવ્યો કે તપશ્ચર્યાઓથી કે વૈરાગ્યનાં સંવર્ધનથી મને પ્રાપ્ત કરી શકતાં નથી.”
ભક્ત્યાહમેકયા ગ્રાહ્યઃ શ્રદ્ધયાઽઽત્મા પ્રિયઃ સતામ્ (ભાગવતમ્ ૧૧.૧૪.૨૦)
“હું કેવળ ભક્તિ દ્વારા પ્રાપ્ત થાઉં છે. જેઓ શ્રદ્ધાપૂર્વક મારી ભક્તિમાં લીન થાય છે, તેઓ મને અતિ પ્રિય છે.”
મિલહિં ન રઘુપતિ બિનુ અનુરાગા, કિએઁ જોગ તપ ગ્યાન બિરાગા (રામાયણ)
“ભક્તિ વિના કોઈ કદાપિ ભગવાનને પ્રાપ્ત કરી શકતું નથી, પછી અષ્ટાંગ-યોગની સાધના, તપશ્ચર્યાઓ, જ્ઞાન કે વૈરાગ્ય દ્વારા ભલે ગમે તેટલાં પ્રયાસો કરી લે.” આગામી શ્લોકમાં શ્રીકૃષ્ણ ભક્તિ શું છે, તેનું વર્ણન કરે છે.