Bhagavad Gita: Chapter 12, Verse 1

અર્જુન ઉવાચ ।
એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે ।
યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ ॥ ૧॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; એવમ્—આ પ્રમાણે; સતત—શ્રદ્ધાથી; યુક્તા:—યુક્ત; યે—જેઓ; ભક્તા:—ભક્તો; ત્વામ્—આપને; પર્યુપાસતે—આરાધના; યે—જેઓ; ચ—અને; અપિ—પણ; અક્ષરમ્—અવિનાશી; અવ્યક્તમ્—નિરાકાર બ્રહ્મ; તેષામ્—તેઓમાં; કે—કોણ; યોગ-વિત્-તમા:—યોગવિદ્યામાં અધિક નિપુણ.

Translation

BG 12.1: અર્જુને પૂછયું: જેઓ આપના સાકાર સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધાપૂર્વક સમર્પિત છે અને જેઓ આપના નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે, તે બંનેમાં આપ કોને યોગમાં અધિક પૂર્ણ માનો છો?

Commentary

અગાઉના અધ્યાયમાં અર્જુને ભગવાનનાં વિરાટરૂપનું દર્શન કર્યું, જેમાં સમગ્ર બ્રહ્માંડ સમાવિષ્ટ હતું. આ જોઈને અર્જુન ભગવાનને તેમનાં ગુણો, વિશેષતાઓ અને લીલાઓ સહિત સાકાર સ્વરૂપમાં જોવાનું પસંદ કરે છે. તેથી, હવે તે એ જાણવા આતુર છે કે કોણ પૂર્ણયોગી છે—એ ભક્તો કે જેઓ ભગવાનની સાકાર સ્વરૂપની ભક્તિ કરે છે કે તેઓ જે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે.

અર્જુનનો પ્રશ્ન પુન: એ સુનિશ્ચિત કરે છે કે ભગવાનના બંને સ્વરૂપ છે—સર્વવ્યાપક નિરાકાર બ્રહ્મ સ્વરૂપ અને સાકાર સ્વરૂપ. જેઓ એમ કહે છે કે ભગવાન સાકાર સ્વરૂપ ધારણ કરી શકતા નથી, તેઓ ભગવાનને સીમિત કરી દે છે અને જેઓ એમ કહે છે કે ભગવાન કેવળ સાકાર સ્વરૂપમાં વિદ્યમાન છે, તેઓ પણ ભગવાનને સીમિત કરી દે છે. ભગવાન સિદ્ધ અને પૂર્ણ છે અને તેથી તેઓ નિરાકાર અને સાકાર બંને છે. પ્રત્યેક જીવાત્માઓનાં વ્યક્તિત્ત્વનાં પણ બે સ્વરૂપો છે. આત્મા નિરાકાર છે અને છતાં તે એકવાર નહિ પરંતુ અસંખ્ય વખત અનંત જન્મોથી શરીર ધારણ કરે છે. જો આપણો અતિ સૂક્ષ્મ આત્મા શરીર ધારણ કરવાનું સામર્થ્ય ધરાવતો હોય તો શું સર્વશક્તિમાન ભગવાન તેમની ઈચ્છાનુસાર શરીર ધારણ ન કરી શકે? જ્ઞાનયોગના પ્રબળ સમર્થક જગદ્દગુરુ શંકરાચાર્ય વર્ણન કરે છે:

                મૂર્તં ચૈવામૂર્તં દ્વે એવ બ્રહ્મણો રૂપે,

               ઇત્યુપનિષત્ તયોર્વા દ્વૌ

              ભક્તૌ ભગવદુપદિષ્ટૌ,

              ક્લેષાદક્લેશાદ્વા મુક્તિસ્યાદેરતયોર્મધ્યે

“પરમ તત્ત્વ સાકાર અને નિરાકાર બન્ને છે. આધ્યાત્મિક માર્ગના સાધકો પણ બે પ્રકારના હોય છે—નિરાકાર બ્રહ્મના ભક્તો તથા સાકાર સ્વરૂપનાં ભક્તો. પરંતુ નિરાકાર ભક્તિનો માર્ગ અતિ કઠિન છે.”