Bhagavad Gita: Chapter 12, Verse 11

અથૈતદપ્યશક્તોઽસિ કર્તું મદ્યોગમાશ્રિતઃ ।
સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન્ ॥ ૧૧॥

અથ—જો; એતત્—આ; અપિ—પણ; અશક્ત:—અસમર્થ; અસિ—તું છે; કર્તુમ્—કરવા માટે; મદ્દ-યોગમ્—મારી ભક્તિમાં; આશ્રિત:—આશ્રય પામેલો; સર્વ-કર્મ—સર્વ કર્મોનાં; ફલ-ત્યાગમ્—ફળનો ત્યાગ; તત:—ત્યારે; કુરુ—કર; યત-આત્મવાન્—આત્મસ્થિત.

Translation

BG 12.11: જો તું ભક્તિપૂર્ણ થઈને મારા માટે કાર્ય કરવા માટે પણ અસમર્થ હોય, તો તારા સર્વ કર્મોનાં ફળોનો ત્યાગ કરવાનો પ્રયત્ન કર અને આત્મસ્થિત થા.

Commentary

શ્લોક સં. ૧૨.૮ થી શ્રીકૃષ્ણે અર્જુનનાં કલ્યાણ હેતુ ત્રણ માર્ગો દર્શાવ્યા. ત્રીજા માર્ગમાં તેમણે અર્જુનને તેમના માટે કાર્ય કરવાનો ઉપદેશ આપ્યો. જો કે તેના માટે પણ વિશુદ્ધ અને અડગ બુદ્ધિની આવશ્યકતા છે. જે લોકો હજી તેમના ભગવાન સાથેના સંબંધ અંગે સ્પષ્ટ નથી તથા ભગવદ્દ-પ્રાપ્તિને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું નથી, તેમના માટે ભગવાનના સુખ માટે કાર્ય કરવું કઠિન છે. તેથી, શ્રીકૃષ્ણ હવે કલ્યાણ અર્થે ચતુર્થ વિકલ્પ દર્શાવે છે. તેઓ કહે છે: “તું પૂર્વવત્ તારા કાર્યો કરવાનું ચાલુ રાખ, પરંતુ તારા કર્મોના ફળોથી વિરક્ત થઇ જા.” આવી વિરક્તિ આપણા મનને તમોગુણ તથા રજોગુણના પ્રભાવથી શુદ્ધ કરશે અને તેને સત્ત્વ ગુણ તરફ લઇ જશે. આ પ્રમાણે, આપણા કર્મોના ફળનો ત્યાગ મનમાંથી માયિકતા દૂર કરવામાં તથા બુદ્ધિને બળ પૂરું પાડવામાં સહાયરૂપ થશે. પશ્ચાત્, વિશુદ્ધ બુદ્ધિ ગુણાતીત જ્ઞાનને સુગમતાથી ગ્રહણ કરવા માટે સક્ષમ બનશે તથા આપણે સાધનાની ઉચ્ચતર અવસ્થા તરફ અગ્રેસર થવા સમર્થ બનીશું.