Bhagavad Gita: Chapter 12, Verse 6-7

યે તુ સર્વાણિ કર્માણિ મયિ સન્ન્યસ્ય મત્પરાઃ ।
અનન્યેનૈવ યોગેન માં ધ્યાયન્ત ઉપાસતે ॥ ૬॥
તેષામહં સમુદ્ધર્તા મૃત્યુસંસારસાગરાત્ ।
ભવામિ નચિરાત્પાર્થ મય્યાવેશિતચેતસામ્ ॥ ૭॥

યે—જે; તુ—પરંતુ; સર્વાંણિ—સર્વ; કર્માણિ—કર્મો; મયિ—મારામાં; સંન્યસ્ય—સમર્પિત; મત્-પરા:—મને પરમ લક્ષ્ય માનીને; અનન્યેન—અનન્ય; એવ—નિશ્ચિતપણે; યોગેન—ભક્તિ સાથે; મામ્—મને; ધ્યાયન્ત:—ધ્યાન કરીને; ઉપાસતે—ઉપાસના કરે છે; તેષામ્—તેમનો; અહમ્—હું; સમુદ્ધર્તા—ઉદ્ધારક; મૃત્યુ-સંસાર-સાગરાત્—જન્મ-મૃત્યુના સાગરમાંથી; ભવામિ—થાઉં છું; ન—નહીં; ચિરાત્—લાંબા સમય પછી; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર, મયિ—મારામાં; આવેશિત ચેતસામ્—જેમની ચેતના એક થઇ ગઈ છે.

Translation

BG 12.6-7: પરંતુ જેઓ તેમના સર્વ કર્મો મને સમર્પિત કરીને, મને પરમ લક્ષ્ય માનીને મારી ભક્તિ કરે છે તથા અનન્ય ભક્તિ દ્વારા મારું ધ્યાન ધરે છે, હે પાર્થ, હું તેમને જન્મ અને મૃત્યુના સમુદ્રમાંથી શીઘ્રતાથી મુક્ત કરું છું કારણ કે તેમની ચેતના મારી સાથે એક થઇ જાય છે.

Commentary

શ્રીકૃષ્ણ પુનરુક્તિ કરે છે કે મારા ભક્તો શીઘ્રતાથી મારા સુધી પહોંચી જાય છે. પ્રથમ તો તેમની ભક્તિના વિષય તરીકે તેઓ ભગવાનના સાકાર સ્વરૂપ સાથે સરળતાથી તેમના મન તથા ઇન્દ્રિયોને તેમના પર એકાગ્ર કરે છે. તેઓ તેમની જીહ્વા તથા કર્ણોને ભગવદ્દ નામના કીર્તન અને શ્રવણમાં, તેમનાં ચક્ષુઓ તેમનાં દિવ્ય સ્વરૂપના દર્શનમાં, તેમનું શરીર ભગવાનને સુખ અર્પે તેવી ક્રિયાઓમાં, તેમનાં મનને ભગવાનની અદ્ભુત લીલાઓ તથા ગુણોના ચિંતનમાં તથા બુદ્ધિને તેમના મહાત્મ્યના ચિંતનમાં પરાયણ રાખે છે. આ પ્રમાણે, તેઓ તેમની ચેતનાને શીઘ્રતાથી ભગવાન સાથે એક કરી દે છે.

બીજું, આવા ભક્તો નિરંતર તેમનાં હૃદયને અવિચળ ભક્તિમાં સમર્પિત કરતા હોવાથી ભગવાન શીઘ્રતાથી તેમના પર કૃપા વર્ષા કરે છે અને તેમનાં માર્ગ પરના સર્વ વિઘ્નોને દૂર કરે છે. જે લોકો તેમનાં સંસર્ગમાં રહે છે, તેમના અજ્ઞાનને તેઓ જ્ઞાનના દીપક દ્વારા દૂર કરે છે. આ પ્રમાણે, ભગવાન સ્વયં તેમનાં ભક્તોના તારણહાર બને છે અને તેમને જન્મ-મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરે છે.