Bhagavad Gita: Chapter 13, Verse 28

સમં સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરમ્ ।
વિનશ્યત્સ્વવિનશ્યન્તં યઃ પશ્યતિ સ પશ્યતિ ॥ ૨૮॥

સમમ્—સમાન; સર્વેષુ—સર્વમાં; ભૂતેષુ—જીવોમાં; તિષ્ઠન્તમ્—નિવાસ કરતા; પરમ-ઈશ્વરમ્—પરમાત્મા; વિનશ્યત્સુ—નાશવંત; અવિનશ્યન્તમ્—અવિનાશી; ય:—જે; પશ્યતિ—જોવું; સ:—તે; પશ્યતિ—બોધ.

Translation

BG 13.28: જે સર્વ જીવોમાં પરમાત્માને આત્માનો સાથ આપતા જોવે છે અને જે આ બંનેને આ નાશવંત શરીરમાં અવિનાશી માને છે, તેઓ જ માત્ર વાસ્તવમાં સત્ય જોવે  છે.

Commentary

શ્રીકૃષ્ણ ય: પશ્યતિ સ પશ્યતિ (કેવળ તેઓ જ જોવે છે જે જોવે છે કે...) શબ્દોથી અભિવ્યક્તિ કરે છે. તેઓ કહે છે કે, શરીરમાં આત્માની ઉપસ્થિતિનો બોધ હોવો એ પર્યાપ્ત નથી. આપણે એ પણ જાણવું જોઈએ કે સર્વ શરીરોમાં પરમાત્મા પણ સ્થિત છે. સર્વ જીવોનાં અંત:કરણમાં તેમની ઉપસ્થિતિનો ઉલ્લેખ અગાઉ ૧૩મા અધ્યાયના ૨૩મા શ્લોકમાં થયો છે. ભગવદ્દ ગીતાના શ્લોક સં. ૧૦.૨૦ અને ૧૮.૬૧માં પણ તેનો ઉલ્લેખ થયો છે. અન્ય વૈદિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ પ્રાપ્ય છે:

            એકો દેવઃ સર્વભૂતેષુ ગૂઢઃ

            સર્વવ્યાપી સર્વભૂતાન્તરાત્મા (શ્વેતાશ્વતર ઉપનિષદ્દ ૬.૧૧)

“ભગવાન એક છે. તેઓ સર્વ જીવોનાં અંત:કરણમાં નિવાસ કરે છે. તેઓ સર્વવ્યાપી છે. તેઓ સર્વ આત્માઓના પરમાત્મા છે.”

           ભવાન્ હિ સર્વભૂતાનામાત્મા સાક્ષી સ્વદૃગ્ વિભો (ભાગવતમ્ ૧૦.૮૬.૩૧)

“ભગવાન સર્વ જીવોની અંદર સાક્ષી અને સ્વામી સ્વરૂપે સ્થિત છે.”

          રામ બ્રહ્મ ચિનમય અબિનાસી, સર્બ રહિત સબ ઉર પુર બાસી (રામાયણ)

“ભગવાન શ્રીરામ સર્વથી પર અને શાશ્વત છે. તેઓ સર્વ જીવોનાં હ્રદયમાં નિવાસ કરે છે.”

જન્મ અને મૃત્યુના ચક્રમાં એક શરીરથી બીજા શરીરની યાત્રામાં પરમાત્મા જીવાત્માને સાથ આપે છે. હવે શ્રીકૃષ્ણ જણાવે છે કે પ્રત્યેક જીવમાં ભગવાનની ઉપસ્થિતિની અનુભૂતિ કેવી રીતે સાધકનું જીવન-પરિવર્તન કરે છે.