Bhagavad Gita: Chapter 13, Verse 29

સમં પશ્યન્હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ્ ।
ન હિનસ્ત્યાત્મનાત્માનં તતો યાતિ પરાં ગતિમ્ ॥ ૨૯॥

સમમ્—સમાન; પશ્યન્—જોવે; હિ—ખરેખર; સર્વત્ર—સર્વત્ર; સમવસ્થિતમ્—સમાન રૂપે સ્થિત; ઈશ્વરમ્—ભગવાનનું પરમાત્મા સ્વરૂપ; ન—નહીં; હિનસ્તિ—અધ:પતન; આત્મના—મન દ્વારા; આત્માનમ્—સ્વ; તત:—ત્યારે; યાતિ—પહોંચે; પરામ્—પરમ; ગતિમ્—ગંતવ્ય સ્થાન.

Translation

BG 13.29: જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વત્ર અને સર્વ જીવોમાં સમાનરૂપે ઉપસ્થિત જોવે છે, તેઓનું તેમના મન દ્વારા અધ:પતન થતું નથી. તેથી, તેઓ પરમ ગંતવ્ય સ્થાને પહોંચે છે.

Commentary

મનની પ્રકૃતિ જ સુખની કામના કરવાની છે અને માયિક શક્તિની ઉપજ હોવાના કારણે તે સ્વાભાવિક રીતે માયિક સુખો પ્રત્યે રુચિ ધરાવે છે. જો આપણે આપણા મનની રુચિનું અનુસરણ કરીએ તો આપણું માયિક ચેતનામાં અધિક અને અધિક અધ:પતન થતું રહે છે. આ અધ:પતનને અટકાવવા માટે બુદ્ધિની સહાયતાથી મન પર અંકુશ મૂકવો જોઈએ. આ માટે, બુદ્ધિ વાસ્તવિક જ્ઞાનથી સંપન્ન હોવી આવશ્યક છે.

જે મનુષ્યો ભગવાનને પરમાત્મા સ્વરૂપે સર્વ જીવોમાં ઉપસ્થિત જોવાનું શીખી જાય છે, તે આ વાસ્તવિક જ્ઞાનને અનુસાર જીવવાનો આરંભ કરે છે. તેઓ તેમના અન્ય સાથેનાં સંબંધોમાં વ્યક્તિગત લાભ અને સુખની કામના રાખતા નથી. તેઓ ન તો કોઈના સારા કાર્યોને કારણે તેમના પ્રત્યે આસક્ત થાય છે કે ન તો કોઈના દુષ્કૃત્યથી તેમના પ્રત્યે ઘૃણા કરે છે. પરંતુ, સર્વને ભગવાનના અંશ તરીકે જોઈને, તેઓ તેમના પ્રત્યે સમ્માન અને સેવાના શુદ્ધ મનોભાવની માવજત કરે છે. જયારે તેમને ભગવાનની ઉપસ્થિતિનો બોધ થઈ જાય છે, ત્યારે સ્વાભાવિક રીતે વ્યભિચાર, છેતરપીંડી, અન્યનું અપમાન કરવું વગેરેથી દૂર રહે છે. વળી, રાષ્ટ્રીયતા, ધર્મ, જાતિ, લિંગ, પદ-પ્રતિષ્ઠા, અને વર્ણ જેવા માનવ-સર્જિત ભેદભાવો તેમના માટે અસંગત બની જાય છે. આ પ્રમાણે, સર્વ જીવોમાં ભગવાનની ઉપસ્થિતિનું દર્શન કરીને અંતે તેઓ પરમ ધ્યેયને પ્રાપ્ત કરે છે.