શ્રીભગવાનુવાચ ।
પરં ભૂયઃ પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમુત્તમમ્ ।
યજ્જ્ઞાત્વા મુનયઃ સર્વે પરાં સિદ્ધિમિતો ગતાઃ ॥ ૧॥
શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ દિવ્ય પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા; પરમ્—પરમ; ભૂય:—ફરીથી; પ્રવક્ષ્યામિ—હું કહીશ; જ્ઞાનાનામ્—સમગ્ર જ્ઞાનનું; જ્ઞાનમ્ ઉત્તમમ્—સર્વશ્રેષ્ઠ જ્ઞાન; યત્—જે; જ્ઞાત્વા—જાણીને; મુનય:—સંતો; સર્વે—સર્વ; પરામ્—સર્વોચ્ચ; સિદ્ધિમ્—સિદ્ધિ; ઇત:—આ દ્વારા; ગતા:—પ્રાપ્ત થયા.
Translation
BG 14.1: દિવ્ય ભગવાન બોલ્યા: હું એકવાર પુન: સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ; જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધિ પામ્યા.
Commentary
અગાઉના અધ્યાયમાં શ્રીકૃષ્ણે કહ્યું હતું કે સર્વ જીવ-સ્વરૂપો આત્મા અને પદાર્થનું સંયોજન છે. પ્રકૃતિ (માયા) પુરુષ (આત્મા) માટે ક્રિયા ક્ષેત્રનું સર્જન કરવા માટે ઉત્તરદાયી છે, તે તેમણે વિસ્તૃત રીતે સ્પષ્ટ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, આ સર્વ સ્વતંત્ર રીતે થતું નથી, પરંતુ સ્વયં ભગવાનના નિર્દેશનમાં થાય છે કે જેઓ જીવોનાં અંત:કરણમાં પણ બિરાજમાન છે. આ અધ્યાયમાં તેઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અંગે વિસ્તૃત વર્ણન કરે છે. આ જ્ઞાન પ્રાપ્ત કરીને અને તેને અનુભૂત જ્ઞાન તરીકે આપણી ચેતનામાં આત્મસાત્ કરીને આપણે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ.