Bhagavad Gita: Chapter 14, Verse 3-4

મમ યોનિર્મહદ્બ્રહ્મ તસ્મિન્ગર્ભં દધામ્યહમ્ ।
સમ્ભવઃ સર્વભૂતાનાં તતો ભવતિ ભારત ॥ ૩॥
સર્વયોનિષુ કૌન્તેય મૂર્તયઃ સમ્ભવન્તિ યાઃ ।
તાસાં બ્રહ્મ મહદ્યોનિરહં બીજપ્રદઃ પિતા ॥ ૪॥

મમ—મારું; યોનિ:—ગર્ભ; મહત્ બ્રહ્મ—પરમ ભૌતિક અસ્તિત્ત્વ,પ્રકૃતિ; તસ્મિન્—તેમાં; ગર્ભમ્—ગર્ભ; દધામિ—ગર્ભિત કરું છું; અહમ્—હું; સમ્ભવ:—જન્મ; સર્વ-ભૂતાનામ્—સર્વ જીવોની; તત:—ત્યાર પછી; ભવતિ—થાય છે; ભારત—અર્જુન,ભરતપુત્ર; સર્વ—બધા; યોનિષુ—યોનિઓમાં; કૌન્તેય—અર્જુન,કુંતીપુત્ર; મૂર્તય:—સ્વરૂપો; સમ્ભવન્તિ—ઉત્પન્ન થાય છે; ય:—જે; તાસામ્—તેઓ સર્વના; બ્રહ્મ-મહત્—પરમ માયિક પ્રકૃતિ; યોનિ:—ગર્ભ; અહમ્—હું; બીજ-પ્રદ:—બીજ પ્રદાતા; પિતા—પિતા.

Translation

BG 14.3-4: સમગ્ર ભૌતિક પદાર્થ, પ્રકૃતિ, એ ગર્ભ છે. હું તેનું જીવાત્માથી ગર્ભાધાન કરું છું અને એ પ્રમાણે સર્વ જીવો જન્મ પામે છે. હે કુંતીપુત્ર, ઉત્પન્ન થનારી સર્વ જીવંત યોનિઓ માટે માયિક પ્રકૃતિ એ ગર્ભ છે અને હું બીજ-પ્રદાતા પિતા છું.

Commentary

અધ્યાય સાત અને આઠમાં વર્ણવ્યા પ્રમાણે, માયિક સૃષ્ટિ સર્જન, સ્થિતિ અને પ્રલયના ચક્રને અનુસરે છે. પ્રલય દરમ્યાન જે જીવો ભગવાનથી વિમુખ હોય છે, તે મહા વિષ્ણુના શરીરમાં નિલંબિત જીવંત અવસ્થામાં રહે છે. માયિક શક્તિ, પ્રકૃતિ પણ ભગવાનના મહોદરમાં અપ્રગટ સ્વરૂપે રહે છે. જયારે તેઓ સર્જનની પ્રક્રિયાને કાર્યાન્વિત કરવા ઈચ્છે છે ત્યારે તેઓ પ્રકૃતિ તરફ દૃષ્ટિપાત કરે છે. પશ્ચાત્ તે પ્રગટ થવાનો પ્રારંભ કરે છે અને અનુક્રમે, મહાન, અહંકાર, પંચ-તન્માત્રાઓ, અને પંચ-મહાભૂતો જેવા તત્ત્વોનું સર્જન થાય છે. વળી, દ્વિતીય સર્જક બ્રહ્માની સહાયથી માયા વિવિધ જીવ-સ્વરૂપોનું સર્જન કરે છે અને ભગવાન આત્માને તેમના પૂર્વ જન્મોના કર્મો અનુસાર યથોચિત શરીર પ્રદાન કરે છે. તેથી, શ્રીકૃષ્ણ કહે છે કે પ્રકૃતિ એ ગર્ભ સમાન છે અને આત્માઓ મારા વીર્ય સમાન છે. તેઓ જીવોના જન-સમુદાયને જન્મ આપવા માટે આત્માનું પ્રકૃતિ માતાના ગર્ભમાં ગર્ભાધાન કરે છે. શ્રીમદ્દ ભાગવતમ્ માં વેદ વ્યાસજી આ અંગે સમાન શૈલીમાં વર્ણન કરે છે:

દૈવાત્ક્ષુભિત-ધર્મિણ્યાં સ્વસ્યાં યોનૌ પરઃ પુમાન્

આધત્ત વીર્યં સાસૂત મહત્તત્ત્વં હિરણ્મયમ્ (૩.૨૬.૧૯)

“માયિક શક્તિના ગર્ભમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આત્માનું ગર્ભાધાન કરે છે. પશ્ચાત્, જીવાત્માના કર્મોથી પ્રેરિત થઈને માયિક પ્રકૃતિ તેમના માટે યથોચિત જીવ-સ્વરૂપનું સર્જન કરવાનું કાર્ય પ્રાપ્ત કરે છે.” તે સર્વ આત્માઓને સંસારમાં મોકલતી નથી, પરંતુ જેઓ વિમુખ છે, કેવળ તેમને મોકલે છે.