Bhagavad Gita: Chapter 14, Verse 6

તત્ર સત્ત્વં નિર્મલત્વાત્પ્રકાશકમનામયમ્ ।
સુખસઙ્ગેન બધ્નાતિ જ્ઞાનસઙ્ગેન ચાનઘ ॥ ૬॥

તત્ર—તેમાંથી; સત્ત્વમ્—સત્ત્વ ગુણ; નિર્મલત્વાત્—શુદ્ધતમ હોવું; પ્રકાશકમ્—પ્રકાશિત કરનારું; અનામયમ્—તંદુરસ્ત અને સર્વથા હૃષ્ટપુષ્ટ; સુખ—સુખ; સંગેન—આસક્તિ; બધ્નાતિ—બદ્ધ કરે છે; જ્ઞાન—જ્ઞાન; સંગેન—આસક્તિ; ચ—પણ; અનઘ—અર્જુન, નિષ્પાપ.

Translation

BG 14.6: આમાંથી સત્ત્વ ગુણ અન્યની તુલનામાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ પ્રદાન કરનાર અને પુણ્યથી યુક્ત છે. હે નિષ્પાપ અર્જુન, તે સુખ અને જ્ઞાન પ્રત્યે આસક્તિનું સર્જન કરીને આત્માને બંધનમાં મૂકે છે.

Commentary

પ્રકાશકમ્’ શબ્દનો અર્થ છે, “પ્રકાશિત કરનારું”. ‘અનામયમ્’  શબ્દનો અર્થ છે, “તંદુરસ્ત અને સર્વથા કલ્યાણકારી.” તેનો વિસ્તૃત રૂપે અર્થ  “શાંતિમય ગુણો” પણ થાય છે; જે કષ્ટ, અસુવિધા કે દુઃખ માટેના કોઈપણ આંતરિક કારણથી રહિત છે. આ પ્રમાણે, સત્ત્વગુણ મનુષ્યના વ્યક્તિતત્ત્વમાં સદ્દગુણો ઉત્પન્ન કરે છે અને બુદ્ધિને જ્ઞાનથી પ્રકાશિત કરે છે. તે વ્યક્તિને શાંત, સંતુષ્ટ, દાની, કરુણાશીલ, સહાયક, નિર્મળ અને સ્થિર  બનાવે છે. તે સુસ્વાસ્થ્ય અને રોગ-મુક્તતાને પુષ્ટિ પ્રદાન કરે છે. સત્ત્વગુણ નિર્મળતા અને પ્રસન્નતાના પ્રભાવોનું સર્જન તો કરે છે, પરંતુ તેમના પ્રત્યેની આસક્તિ આત્માને માયિક પ્રકૃતિમાં બાંધે છે.

આ વિષય આપણે એક દૃષ્ટાંત દ્વારા સમજીએ. એક પ્રવાસી જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણ ડાકુઓએ તેના પર હુમલો કર્યો. પ્રથમ ડાકુએ કહ્યું, “આની હત્યા કરીને તેનું બધું ધન ચોરી લઈએ.” બીજાએ કહ્યું, “ના, તેની હત્યા કરવી નથી. આપણે તેને કેવળ બાંધી દઈએ અને તેનું ધન પચાવી પાડીએ.” બીજા ડાકુની સલાહને અનુસરીને તેમણે તે પ્રવાસીને દોરડાથી બાંધી દીધો અને તેનું બધું ધન ચોરી લીધું. જયારે તેઓ થોડા દૂર ગયા ત્યારે ત્રીજો ડાકુ પ્રવાસીને બાંધ્યો હતો તે સ્થાને પાછો આવ્યો. તેણે પેલા પ્રવાસીને બાંધેલું દોરડું ખોલી નાખ્યું અને તેને જંગલના છેડે લઈ આવ્યો. તેણે તેને બહાર નીકળવાનો માર્ગ દર્શાવ્યો અને કહ્યું, “હું અહીંથી બહાર નીકળી શકું તેમ નથી પરંતુ જો તું આ માર્ગે જઈશ તો તું સરળતાથી જંગલમાંથી બહાર નીકળી શકીશ.”

પહેલો ડાકુ એ તમોગુણ છે, જે વાસ્તવમાં આત્માનું આળસ, શિથિલતા અને અવિદ્યા દ્વારા પતન કરીને તેની હત્યા કરવા ઈચ્છે છે. બીજો ડાકુ રજોગુણ છે, જે જીવની વાસનાઓને ઉત્તેજિત કરે છે અને તેને અસંખ્ય સાંસારિક કામનાઓમાં બાંધી દે છે. ત્રીજો ડાકુ સત્ત્વગુણ છે, જે જીવના દુર્ગુણોને ઘટાડે છે, ભૌતિક પ્રતિકૂળતાઓને શિથિલ કરે છે અને આત્માને સદ્દગુણના માર્ગે લઈ જાય છે. આમ છતાં, સત્ત્વ ગુણ પણ માયિક પ્રકૃતિના પ્રભાવિત ક્ષેત્રમાં હોય છે. આપણે તેના પ્રત્યે આસક્ત થવું જોઈએ નહિ; પરંતુ આપણે ગુણાતીતની અવસ્થા તરફ આગળ વધવા તેનો ઉપયોગ કરવો જોઈએ.

આ ત્રણની પરે શુદ્ધ સત્ત્વ છે, ગુણાતીત સત્ત્વ ગુણ. આ ભગવાનની દિવ્ય શક્તિનો ગુણ છે, જે માયાથી પર છે. જયારે આત્મા ભગવદ્દ-પ્રાપ્ત થઈ જાય છે ત્યારે કૃપા દ્વારા ભગવાન આત્માને શુદ્ધ સત્ત્વ પ્રદાન કરે છે અને એ રીતે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને દિવ્ય બનાવે છે.