અધ્યાય—૧૫ : પુરુષોત્તમ યોગ

પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય વિભૂતિ યોગ

અગાઉના અધ્યાયમાં શ્રી કૃષ્ણે સમજાવ્યું કે માયિક પ્રકૃતિના ત્રણ ગુણોને ઓળંગીને કોઈ મનુષ્ય દિવ્ય લક્ષ્યની પ્રાપ્તિ કરે છે. તેમણે એ પણ પ્રગટ કર્યું કે ભગવાનની અનન્ય ભક્તિમાં લીન થવું એ આ ત્રણ ગુણોથી ઉપર ઉઠવા માટેનું સર્વોકૃષ્ટ સાધન છે. આવી ભક્તિમાં લીન થવા માટે આપણે મનને સંસારથી વિરક્ત અને ભગવાનમાં અનુરક્ત કરવું જોઈએ. આમ, સંસારની પ્રકૃતિ સમજવી અતિ આવશ્યક છે. આ અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનમાં વિરક્તિ વિકસિત કરવાની સહાયતાર્થ આ માયિક વિશ્વને પ્રતિકાત્મક શૈલીમાં આલેખિત કરે છે. તેઓ આ સંસારની તુલના ઊંધા અશ્વત્ત: વૃક્ષ (વડ)  સાથે કરે છે. દેહધારી આત્મા આ વૃક્ષની ઉપર નીચે ભટકતી રહેતી શાખાઓ છે, જે તેનું સ્ત્રોત શું છે, તેનું અસ્તિત્ત્વ કેટલું છે, અને તે કેવી રીતે વિકસતી રહે છે, તે અંગે આકલન કર્યા વિના ઉપરથી નીચે ભટક્યા કરે છે. આ વૃક્ષનાં મૂળો ઉપર છે કારણ કે તેનો સ્રોત ભગવાનમાં છે. વેદોમાં વર્ણિત સકામ કર્મો એ તેનાં પર્ણો સમાન છે. માયિક પ્રકૃતિનાં ત્રણ ગુણો દ્વારા આ વૃક્ષનું સિંચન થાય છે. આ ગુણો ઇન્દ્રિય વિષયોનું સર્જન કરે છે જે વૃક્ષ ઉપરની કળીઓ સમાન છે. આ કળીઓનાં ઉર્ધ્વ અંકુરિત મૂળો વૃક્ષનો અધિક વિકાસ કરે છે. આ અધ્યાયમાં આ પ્રતિકાત્મકતાને વિસ્તૃત રીતે વર્ણવવામાં આવી છે કે જેથી જ્ઞાત થઈ શકે કે દેહધારી આત્મા આ માયિક અસ્તિત્વના વૃક્ષની પ્રકૃતિ અંગેના અજ્ઞાનને કારણે, કેવી રીતે પ્રાકૃત સંસારના કષ્ટો ભોગવીને અહીં કેવળ બંધનોને ચિરસ્થાયી બનાવે છે. શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ વૃક્ષને કાપીને ધરાશાયી કરવા માટે વિરક્તિની કુહાડીનો ઉપયોગ કરવો જ જોઈએ. પશ્ચાત્ વૃક્ષના આધારની શોધ કરવી આવશ્યક છે, જે સ્વયં ભગવાન છે. આ સ્રોતની શોધ કરીને આ અધ્યાયમાં વર્ણિત પદ્ધતિ અનુસાર આપણે તેમને શરણાગત થવું જોઈએ અને પશ્ચાત્ આપણે ભગવાનનાં દિવ્ય ધામની પ્રાપ્તિ કરી શકીશું, જ્યાંથી આપણે પુન: આ સંસારમાં પાછા ફરીશું નહીં.

શ્રીકૃષ્ણ વર્ણન કરે છે કે આ સંસારના જીવાત્મા ભગવાનનો સનાનત અંશ હોવાના કારણે કેવી રીતે દિવ્ય છે. પરંતુ માયિક પ્રકૃતિથી બદ્ધ થઈને મન સાથેની છ ઈન્દ્રિયો સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ સમજાવે છે કે, કેવી રીતે દેહધારી આત્મા દિવ્ય હોવા છતાં, ઈન્દ્રિયોના માયિક વિષયોનું આસ્વાદન કરે છે. તેઓ એ પણ વર્ણન કરે છે કે કેવી રીતે મૃત્યુ સમયે આત્મા વર્તમાન જીવનનાં મન અને ઈન્દ્રિયો સાથે નવા શરીરમાં દેહાંતરણ કરે છે. અજ્ઞાનીને ન તો શરીરમાં આત્માની ઉપસ્થિતિનો બોધ થાય છે કે ન તો મૃત્યુ સમયે આત્મા દેહ છોડે છે, તેનો બોધ થાય છે. પરંતુ યોગીઓને તેમનાં જ્ઞાનચક્ષુઓ તથા મનની શુદ્ધિને કારણે તેનો બોધ થાય છે. એ જ પ્રમાણે, ભગવાન પણ આ સૃષ્ટિમાં ઉપસ્થિત છે જ પરંતુ, તેનો જ્ઞાનચક્ષુ દ્વારા બોધ કરવો પડે. શ્રીકૃષ્ણ પ્રગટ કરે છે કે આપણે ભગવાનનો મહિમા જે સર્વત્ર પ્રકાશિત છે તે દ્વારા આ વિશ્વમાં ભગવાનનું અસ્તિત્ત્વ છે તે કેવી રીતે જાણી શકીએ. અધ્યાયનું સમાપન, ક્ષરઅક્ષર અને પુરુષોત્તમ આ શબ્દોની વ્યાખ્યા સાથે થાય છે. માયિક પ્રદેશની અંતર્ગત હોવાના કારણે ક્ષર નશ્વર છે. અક્ષર એ ભગવાનના ધામના મુક્તાત્માઓ છે. પુરુષોત્તમ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, જેઓ આ વિશ્વનાં અપરિવર્તનશીલ નિયંતા અને પાલક છે. તેઓ નશ્વર અને શાશ્વત બન્ને પ્રકારના જીવોથી પરે છે. આપણે સર્વસ્વ સમર્પિત કરીને તેમની ભક્તિ કરવી જોઈએ.

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: એમ કહેવાય છે કે શાશ્વત અશ્વત્થ વૃક્ષના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે. તેનાં પર્ણો વૈદિક મંત્રો છે અને જે મનુષ્ય આ વૃક્ષના રહસ્યને જાણે છે, તે વેદોનો જ્ઞાતા છે.

વૃક્ષની શાખાઓ ઉપરની તરફ તથા નીચેની તરફ વિસ્તરે છે અને ઇન્દ્રિયોના વિષયો રૂપી નાજુક કળીઓ સાથે ત્રણ ગુણોથી પોષણ પામે છે. નીચેની તરફ લટકતાં મૂળો મનુષ્ય દેહમાં કર્મનાં પ્રવાહનું કારણ છે અને તેની નીચેની શાખાઓ માનવ-જગતમાં કાર્મિક બંધનોનું કારણ છે.

આ વૃક્ષના વાસ્તવિક સ્વરૂપની અનુભૂતિ આ જગતમાં થતી નથી, ન તો એનો આદિ છે કે ન તો તેનો અંત છે કે ન તો તેનું નિરંતર અસ્તિત્ત્વ છે. પરંતુ આ સુદૃઢ મૂળો ધરાવતા અશ્વત્થ વૃક્ષને દૃઢ વિરક્તિના સશક્ત શસ્ત્ર વડે કાપી નાખવું જોઈએ. પશ્ચાત્ મનુષ્યે આ વૃક્ષનો આધાર શોધવો જોઈએ જે સ્વયં ભગવાન છે, જેમાંનામાંથી બ્રહ્માંડની ગતિવિધિઓનો અનાદિકાળથી પ્રવાહ વહે છે. તેમનું શરણ ગ્રહણ કરીને મનુષ્ય આ જગતમાં પાછો ફરતો નથી.

જે લોકો મિથ્યાભિમાન તથા મોહથી મુક્ત છે, જેમણે આસક્તિના દોષો પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેઓ નિત્ય આત્મા અને ભગવાનમાં જ નિવાસ કરે છે, જેઓ ઇન્દ્રિયોના ભોગની કામનાઓથી મુક્ત થયેલા છે અને સુખ અને દુઃખના દ્વન્દ્વોથી પરે છે એવી મુક્ત વિભૂતિઓ મારા શાશ્વત ધામને પ્રાપ્ત કરે છે.

ન તો સૂર્ય કે ન ચંદ્ર કે ન અગ્નિ મારા પરમ ધામને પ્રકાશિત કરી શકે છે. ત્યાં ગયા પશ્ચાત્ કોઈ આ માયિક વિશ્વમાં પુન: પરત આવતું નથી.

આ માયિક સંસારમાં દેહધારી આત્માઓ મારા અતિ સૂક્ષ્મ અંશ છે. પરંતુ માયિક પ્રકૃતિથી બદ્ધ તેઓ મન સહિતની છ ઈન્દ્રિયો સાથે સંઘર્ષ કરે છે.

જે રીતે વાયુ સુગંધને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે, તેવી રીતે દેહધારી આત્મા જયારે તે જૂના શરીરનો ત્યાગ કરે છે અને નવા શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની સાથે મન તથા ઇન્દ્રિયોને લઈ જાય છે.

કર્ણ, નેત્રો, ત્વચા, જિહ્વા અને નાક—કે જે મનની આસપાસ જૂથમાં એકત્રિત થયેલા હોય છે—તેમના પ્રત્યક્ષીકરણનો ઉપયોગ કરીને, આત્મા ઈન્દ્રિય વિષયોનો ભોગ કરે છે.

શરીરમાં નિવાસ કરતા અને ઇન્દ્રિય વિષયોને ભોગવતા આત્માનો બોધ વિમૂઢ મનુષ્યોને થતો નથી, કે જયારે તે વિદાય લે છે ત્યારે પણ તેનો બોધ થતો નથી. પરંતુ જેઓ જ્ઞાનરૂપી ચક્ષુ ધરાવે છે તેઓ તેને જોઈ શકે છે.

ભગવદ્દ પ્રાપ્તિ માટે પ્રયાસ કરી રહેલા યોગીઓ પણ શરીરમાં પ્રતિષ્ઠાપિત આત્માની અનુભૂતિ કરવા માટે સમર્થ હોય છે. પરંતુ જેમનું મન વિશુદ્ધ હોતું નથી, તેઓ એમ કરવાનો પ્રયાસ કરે તો પણ તેમને તેની જાણ થતી નથી.

એ જાણ કે હું સૂર્યના તેજ સમાન છું, જે સમગ્ર સૂર્ય મંડળને પ્રકાશિત કરે છે. ચંદ્રનો પ્રકાશ અને અગ્નિનું તેજ પણ મારામાંથી જ આવે છે, એમ જાણ.

પૃથ્વીમાં વ્યાપીને હું મારી શક્તિ દ્વારા સર્વ જીવોનું પોષણ કરું છું. ચંદ્ર બનીને, હું સર્વ વનસ્પતિઓનું જીવન-રસથી પોષણ કરું છું.

એ હું છું, જે સર્વ જીવોનાં ઉદરમાં જઠરાગ્નિ સ્વરૂપ ધારણ કરું છું અને શ્વાસ-પ્રશ્વાસના સંયોજનથી ચાર પ્રકારનાં ખોરાક બનાવું છું અને પચાવું છું.

હું સર્વ જીવોના અંત:કરણમાં સ્થિત છું અને મારામાંથી સ્મૃતિ, જ્ઞાન તેમજ વિસ્મૃતિ ઉત્પન્ન થાય છે. એકમાત્ર હું જ સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય છું, હું વેદાંતનો રચયિતા છું તથા વેદોના અર્થનો જ્ઞાતા છું.

સૃષ્ટિમાં બે પ્રકારના જીવો હોય છે, ક્ષર તથા અક્ષર. સર્વ નશ્વર જીવો માયિક પ્રદેશમાં હોય છે. અવિનાશી જીવો મુક્ત જીવો હોય છે.

તેનાથી અતિરિક્ત, એક પરમ દિવ્ય વિભૂતિ છે, જે અવિનાશી પરમ આત્મા છે. તેઓ અપરિવર્તનીય નિયંતા સ્વરૂપે ત્રણ લોકમાં પ્રવેશ કરે છે તથા સર્વ જીવોનું પાલન કરે છે.

હું નશ્વર સાંસારિક પદાર્થો તથા અવિનાશી આત્માથી પણ અનુભવાતીત છું; તેથી વેદો અને સ્મૃતિઓમાં મને પરમ દિવ્ય પુરુષ સ્વરૂપે પ્રતિષ્ઠાપિત કરાયો છે.

જે લોકો સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વરૂપે જાણે છે, તેઓ વાસ્તવમાં પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. હે અર્જુન, તેઓ પૂર્ણપણે સર્વ ભાવોથી મારી ભક્તિ કરે  છે.

હે નિષ્પાપ અર્જુન, વૈદિક શાસ્ત્રોનો આ પરમ ગુહ્ય સિદ્ધાંત મેં તારી સમક્ષ પ્રગટ કર્યો છે. આ સમજીને કોઈપણ મનુષ્ય પ્રબુદ્ધ થઈ જાય છે તથા પોતાના પ્રયાસોમાં કૃતકૃત્ય થઈ જાય છે.”