Bhagavad Gita: Chapter 15, Verse 1

શ્રીભગવાનુવાચ .
ઊર્ધ્વમૂલમધઃશાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્
છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્ ॥ ૧॥

શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; ઊર્ધ્વ-મૂલમ્—ઉપરની તરફનાં મૂળ; અધ:—નીચેની તરફ; શાખમ્—ડાળીઓ; અશ્વત્થમ્—વડનું વૃક્ષ; પ્રાહુ:—કહેવાયો છે; અવ્યયમ્—શાશ્વત; છન્દાંસિ—વૈદિક મંત્રો; યસ્ય—જેનાં; પર્ણાનિ—પાંદડાં; ય:—જે; તમ્—તે; વેદ—જાણે છે; સ:—તે; વેદ-વિત્—વેદનો જાણકાર.

Translation

BG 15.1: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: એમ કહેવાય છે કે શાશ્વત અશ્વત્થ વૃક્ષના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે. તેનાં પર્ણો વૈદિક મંત્રો છે અને જે મનુષ્ય આ વૃક્ષના રહસ્યને જાણે છે, તે વેદોનો જ્ઞાતા છે.

Commentary

અશ્વત્થનો અર્થ છે, જે બીજા દિવસ સુધી પણ યથાવત રહેતું નથી. આ સંસાર પણ અશ્વત્થ છે, જે નિરંતર પરિવર્તનશીલ છે. સંસ્કૃતનો શબ્દકોષ સંસારને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરે છે: સંસરતીતિ સંસારઃ  “જે સતત પરિવર્તનીય છે, તે સંસાર (વિશ્વ માટેનો સંસ્કૃત શબ્દ) છે.” ગચ્છતીતિ જગત્  “જે આ જગત (વિશ્વ માટેનો અન્ય સંસ્કૃત શબ્દ) માં સદૈવ ગતિમાન છે.” આ સંસાર કેવળ સદૈવ પરિવર્તનીય છે એટલું જ નહિ, તે એક દિવસ વિનષ્ટ થઈને ભગવાનમાં વિલીન પણ થઈ જશે. તેથી, તેની અંતર્ગત સર્વ પદાર્થો અલ્પકાલીન એટલે કે અશ્વત્થ છે.

અશ્વત્થનો એક અન્ય અર્થ પણ છે. તે વડના વૃક્ષની પ્રજાતિનું પીપળનું વૃક્ષ છે. શ્રીકૃષ્ણ વર્ણન કરે છે કે જીવાત્મા માટે આ માયિક સંસાર વિશાળ અશ્વત્થનાં વૃક્ષ સમાન છે. સામાન્યત: વૃક્ષનાં મૂળો નીચે અને શાખાઓ ઉપરની તરફ હોય છે. પરંતુ આ વૃક્ષનાં મૂળો ઉપરની તરફ (ઊર્ધ્વ-મૂલમ્) હોય છે અર્થાત્ તેની ઉત્પત્તિ ભગવાનથી થાય છે તથા તે તેમનાં પર જ આધારિત અને આશ્રિત છે. તેનું થડ અને શાખાઓ માયિક ક્ષેત્રના સર્વલોકના સર્વ જીવોને સમાવિષ્ટ કરીને નીચેની તરફ (અધ:-શાખામ્) વિસ્તરે છે.

આ વૃક્ષનાં પર્ણો એ વૈદિક મંત્રો (છન્દાંસિ) છે, જે કર્મકાંડો અને તેના ફળો સાથે સંબદ્ધ છે. તેઓ  માયિક અસ્તિત્ત્વરૂપી વૃક્ષનાં પોષણ માટે રસ પ્રદાન કરે છે. આ વૈદિક મંત્રોમાં વર્ણિત સકામ કર્મકાંડનાં યજ્ઞો સંપન્ન કરીને આત્મા સ્વર્ગીય સુખોનો ભોગ કરવા સ્વર્ગીય લોકમાં જાય છે. જયારે તેના પુણ્યકર્મોનો ક્ષય થાય છે, ત્યારે તે પૃથ્વીલોકમાં પાછો ફરે છે. આ પ્રમાણે, તે વૃક્ષનાં પર્ણો જન્મ અને મૃત્યુનાં ચક્રની નિરંતરતા સાથે તેને પોષિત કરે છે. આ સંસારરૂપી વૃક્ષને શાશ્વત (અવ્યયમ્ ) કહેવામાં આવે છે કારણ કે તેનો પ્રવાહ નિરંતર હોય છે અને તેના આરંભ અને અંતનો અનુભવ આત્માને થતો નથી. એક નિરંતર પ્રક્રિયા પ્રમાણે, સમુદ્રનું પાણી બાષ્પ થઈને વાદળાંમાં પરિવર્તિત થાય છે, પશ્ચાત્ વર્ષા બનીને પૃથ્વી પર વરસે છે અને સમુદ્રમાં ભળી જાય છે, એ જ પ્રમાણે જન્મ અને મૃત્યુનું ચક્ર નિરંતર છે.

વેદોમાં પણ આ વૃક્ષનો ઉલ્લેખ છે:

           ઊર્ધ્વમૂલોઽવાક્શાખ એષોઽશ્વત્થઃ સનાતનઃ (કઠોપનિષદ્દ ૨.૩.૧)

“ઊર્ધ્વગામી મૂળો તથા અધોગામી શાખાઓ ધરાવતું અશ્વત્થ વૃક્ષ સનાતન છે.”

          ઊર્ધ્વમૂલં અર્વાક્શાખં વૃક્ષં યો સમ્પ્રતિ

         ન સ જાતુ જનઃ શ્રદ્ધયાત્મૃત્યુત્યુર્મા મારયદિતિ (તૈતરીય આરણ્યક ૧.૧૧.૫)

“જે મનુષ્યો આ ઊર્ધ્વગામી મૂળો અને અધોગામી શાખાઓ ધરાવતા વૃક્ષને જાણે છે, તેઓ એ માનશે નહીં કે મૃત્યુ તેમનો વિનાશ કરી શકે છે.”

વેદો આ વૃક્ષનું વર્ણન એ આશયથી કરે છે કે આપણે આ વૃક્ષને કાપીને તેને ધરાશાયી કરવું જોઈએ. આમ, શ્રીકૃષ્ણ કહે છે કે, જે મનુષ્ય આ સંસારરૂપી વૃક્ષનું છેદન કરવાનાં રહસ્યને જાણે છે, તે વેદોનો જ્ઞાતા (વેદ વિત્) છે.