યદાદિત્યગતં તેજો જગદ્ભાસયતેઽખિલમ્ ।
યચ્ચન્દ્રમસિ યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ્ ॥ ૧૨॥
યત્—જે; આદિત્ય-ગતમ્—સૂર્યમાં; તેજ:—તેજ; જગત્—સૂર્ય મંડળ; ભાસયતે—પ્રકાશિત કરે છે; અખિલમ્—સમગ્ર; યત્—જે; ચંદ્રમસિ—ચંદ્રમાં; યત્—જે; ચ—પણ; અગ્નૌ—અગ્નિમાં; તત્—તે; તેજ:—તેજ; વિદ્ધિ:—જાણ; મામકમ્—મારું.
Translation
BG 15.12: એ જાણ કે હું સૂર્યના તેજ સમાન છું, જે સમગ્ર સૂર્ય મંડળને પ્રકાશિત કરે છે. ચંદ્રનો પ્રકાશ અને અગ્નિનું તેજ પણ મારામાંથી જ આવે છે, એમ જાણ.
Commentary
આપણી માનવ પ્રકૃતિ એવી છે કે આપણને જે મહત્ત્વપૂર્ણ પ્રતીત થાય છે, તેના પ્રત્યે આકર્ષિત થઈએ છીએ. શરીર, જીવનસાથી, સંતાનો અને સંપત્તિને મહત્ત્વપૂર્ણ માનીને આપણે તેમનાં પ્રત્યે આકર્ષિત થઈએ છીએ. આ શ્લોકોમાં શ્રીકૃષ્ણ પ્રગટ કરે છે કે, સૃષ્ટિના સર્વ મહત્ત્વપૂર્ણ પદાર્થોમાં તેમની જ શક્તિનું પ્રાગટય થાય છે. તેઓ કહે છે કે, સૂર્યનું તેજ તેમને આધીન છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે સૂર્ય પ્રતિક્ષણ કરોડો પરમાણુ વીજ મથકો જેટલી ઊર્જાનું ઉત્સર્જન કરે છે. આવું એ અબજો વર્ષોથી કરી રહ્યો છે અને છતાં ન તો તેનો ક્ષય થયો છે, કે ન તો તેની પ્રક્રિયામાં કોઈ ત્રુટિ થઈ છે. એમ માનવું કે, આવું અદ્ભુત અવકાશીય તત્ત્વ સૂર્યરૂપે બીગ બેંગના પરિણામે યાદૃચ્છિક સંભાવના દ્વારા અસ્તિત્ત્વમાં આવ્યું, તે નાદાની છે. સૂર્ય જે છે, તે ભગવાનના મહાત્મ્યને કારણે છે.
તે જ રીતે, ચંદ્ર રાત્રિના આકાશને પ્રકાશિત કરવાનું અદ્ભુત કાર્ય કરે છે. લૌકિક બુદ્ધિ દ્વારા આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ ભલે નિષ્કર્ષ તારવીએ કે કેવળ સૂર્ય પ્રકાશનાં પ્રતિબિંબના કારણે ચંદ્રનો પ્રકાશ અસ્તિત્ત્વમાં આવે છે. પરંતુ આ અદ્ભુત વ્યવસ્થા ભગવાનનાં ઐશ્વર્ય દ્વારા અસ્તિત્ત્વમાં આવી છે. ચંદ્ર એ ભગવાનની અનેક વિભૂતિઓના પ્રાગટ્યોમાંથી એક છે. આ સંદર્ભમાં, કઠોપનિષદ્દમાં એક કથા છે. તેમાં દેવતાઓ અને દૈત્યો વચ્ચેના દીર્ઘકાળ સુધી ચાલેલા યુદ્ધનું વર્ણન છે, જેમાં અંતે દેવતાઓનો વિજય થાય છે. પરંતુ તેમનો વિજય અહંકારમાં પરિણમ્યો અને તેઓ માનવા લાગ્યા કે તેમના પોતાના શૌર્યથી તેમને વિજય પ્રાપ્ત થયો. તેમના અહંકારને નષ્ટ કરવા ભગવાન આકાશમાં સ્થિત યક્ષ સ્વરૂપે પ્રગટ થયા. તેમનું સ્વરૂપ અત્યંત દૈદિપ્યમાન હતું. સ્વર્ગના રાજા ઇન્દ્રે સૌ પ્રથમ તેમને જોયા અને એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા કે, માત્ર એક યક્ષનું તેજ તેમના કરતાં અધિક દૈદિપ્યમાન હતું. તેમણે અગ્નિદેવને ભગવાન પાસે તેમના અંગે તપાસ કરવા મોકલ્યા. અગ્નિ યક્ષ પાસે ગયા અને કહ્યું, “હું અગ્નિદેવ છું અને એક ક્ષણમાં સમગ્ર બ્રહ્માંડને બાળીને ભસ્મ કરવાની શક્તિ ધરાવું છું. હવે કૃપયા આપ કહો કે આપ કોણ છો?” યક્ષના સ્વરૂપમાં રહેલા ભગવાને તેની સમક્ષ એક ઘાસનું તણખલું મૂક્યું અને કહ્યું, “કૃપયા આને બાળી નાખો.” આ જોઈને અગ્નિ ખડખડાટ હસવા લાગ્યા, “આ ઘાસનું તુચ્છ તણખલું શું મારા અસીમિત બળનું પરીક્ષણ કરશે?’ પરંતુ જયારે અગ્નિ તેને બાળવા આગળ વધ્યા, ભગવાને તેની અંદર રહેલી શક્તિના પ્રવાહને બંધ કરી દીધો. બિચારા અગ્નિદેવ ઠંડીને કારણે ધ્રુજવા લાગ્યા; તો પછી અન્ય કંઈ બાળવાનો તો પ્રશ્ન જ ક્યાં રહે છે! તેમને સોંપવામાં આવેલા કાર્યની વિફળતાથી લજ્જિત થઈને તે ઈન્દ્ર પાસે પાછા ફર્યા.
પશ્ચાત્ ઈન્દ્રે વાયુદેવને આ યક્ષની તપાસ કરવા મોકલ્યા. વાયુ ગયા અને ઘોષણા કરી કે, “હું વાયુદેવ છું અને જો હું ઈચ્છું તો એક ક્ષણમાં આ સમગ્ર વિશ્વને ઊંધુચત્તું કરી દઉં. હવે કૃપયા આપ કહો કે આપ કોણ છો?” પુન: યક્ષના સ્વરૂપે રહેલા ભગવાને ઘાસનું તણખલું તેની સામે મૂક્યું અને વિનંતી કરી કે, “આને ઊંધું કરી આપો.” ઘાસનું તણખલું જોઈને વાયુ મલકાયા. અતિ તીવ્ર ગતિ સાથે તેઓ આગળ વધ્યા, પરંતુ તે દરમ્યાન ભગવાને તેનો પણ શક્તિનો પ્રવાહ અટકાવી દીધો. બિચારા વાયુને એક કદમ આગળ વધવું પણ અતિ દુષ્કર લાગતું હતું, તો પછી અન્ય કોઈ વસ્તુને ઉલટાવવાનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? અંતત: આ યક્ષ કોણ છે તે જાણવા ઈન્દ્ર પોતે ગયા. પરંતુ ઇન્દ્ર આવ્યા ત્યારે ભગવાન અદૃશ્ય થઈ ગયા અને તેમના સ્થાને તેમની દિવ્ય યોગમાયા શક્તિ ઉમા ઉપસ્થિત હતા. જયારે ઈન્દ્રે તેમને યક્ષ અંગે પૃચ્છા કરી ત્યારે ઉમાએ ઉત્તર આપ્યો કે, “તેઓ તમારા પરમ પિતા હતા, જેમના દ્વારા તમે સર્વ સ્વર્ગીય દેવતાઓ તમારી શક્તિ પ્રાપ્ત કરો છો. તેઓ તમારા અહંકારનો નાશ કરવા આવ્યા હતા.”