Bhagavad Gita: Chapter 15, Verse 2

અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા
ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ .
અધશ્ચ મૂલાન્યનુસન્તતાનિ
કર્માનુબન્ધીનિ મનુષ્યલોકે ॥ ૨॥..

અધ:—નીચેની તરફ; ચ—અને; ઊર્ધ્વમ્—ઉપરની તરફ; પ્રસૃતા:—પ્રસરેલી; તસ્ય—તેનાં; શાખા:—ડાળીઓ; ગુણ—માયિક પ્રકૃતિનાં ગુણો; પ્રવૃદ્ધ:—પોષિત; વિષય—ઇન્દ્રિયોના વિષયો; પ્રવાલા:—કળીઓ; અધ:—નીચે; ચ—અને; મૂલાનિ—મૂળો; અનુસન્તતાનિ—વિસ્તરેલાં; કર્મ—કર્મ; અનુબન્ધીનિ—બંધાયેલો; મનુષ્ય-લોકે—મનુષ્યના વિશ્વમાં.

Translation

BG 15.2: વૃક્ષની શાખાઓ ઉપરની તરફ તથા નીચેની તરફ વિસ્તરે છે અને ઇન્દ્રિયોના વિષયો રૂપી નાજુક કળીઓ સાથે ત્રણ ગુણોથી પોષણ પામે છે. નીચેની તરફ લટકતાં મૂળો મનુષ્ય દેહમાં કર્મનાં પ્રવાહનું કારણ છે અને તેની નીચેની શાખાઓ માનવ-જગતમાં કાર્મિક બંધનોનું કારણ છે.

Commentary

શ્રીકૃષ્ણ માયિક સૃષ્ટિની તુલના અશ્વત્થ વૃક્ષ સાથે નિરંતર કરી રહ્યા છે. વૃક્ષનું મુખ્ય થડ એ માનવ દેહ છે, જેમાં જીવાત્મા કર્મો કરે છે. વૃક્ષની શાખાઓ ઉપર અને નીચે એમ બંને તરફ વિસ્તરેલી છે. જો જીવાત્મા પાપયુક્ત કર્મો કરે છે તો તેનો પુનર્જન્મ કાં તો પશુ યોનિમાં અથવા તો નિમ્નતર યોનિમાં થાય છે. આ અધોગામી (નીચે તરફની) શાખાઓ છે. જો જીવાત્મા પુણ્ય કર્મો કરે છે તો તે સ્વર્ગીય લોકમાં ગાંધર્વ, દેવતા વગેરે સ્વરૂપે પુનર્જન્મ પામે છે. આ ઊર્ધ્વગામી (ઉપરની તરફની) શાખાઓ છે.

જે પ્રમાણે, વૃક્ષનું સિંચન પાણીથી થાય છે, એ પ્રમાણે માયિક અસ્તિત્વના આ વૃક્ષની સિંચાઈ માયિક પ્રકૃતિનાં ત્રણ ગુણોથી થાય છે. આ ત્રણ ગુણો ઈન્દ્રિયજન્ય વિષયોનું સર્જન કરે છે, જે વૃક્ષ પરની કળીઓ (વિષય-પ્રવાલા:) સમાન છે. કળીઓનું કાર્ય અંકુરિત થઈને વિકસિત થવાનું છે. આ અશ્વત્થ વૃક્ષ પરની કળીઓ અંકુરિત થઈને સાંસારિક કામનાઓનું સર્જન કરે છે, જે વૃક્ષનાં વાયુજન્ય મૂળિયાં સમાન છે. વડના વૃક્ષની વિશેષતા એ છે કે તે આ હવાઈ મૂળીયાઓને શાખાઓ પરથી નીચે ભૂમિ પર મોકલે છે. આમ, આ હવાઈ મૂળિયાંઓ અનુષંગી થડ બની જાય છે, જે વડના વૃક્ષને વિશાળ કદમાં વિકસિત થઈને ફેલાવા માટે સમર્થ બનાવે છે. વડનું સૌથી વિશાળ વૃક્ષ “The Great Banyan” કોલકાતાના વનસ્પતિ ઉદ્યાનમાં આવેલું છે. આ વૃક્ષ ચાર એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ વૃક્ષનો શિરોભાગ ૧૧૦૦ ગજની પરિધિ ધરાવે છે અને તેના લગભગ ૩૩૦૦ હવાઈ મૂળિયાં ભૂમિને સ્પર્શ કરે છે. એ જ પ્રમાણે, અશ્વત્થ વૃક્ષની ઉપમા મુજબ, માયિક વિશ્વમાં ઈન્દ્રિય-જન્ય વિષયો એ વૃક્ષ પરની કળીઓ સમાન છે. તેઓ અંકુરિત થઈને વ્યક્તિમાં ઈન્દ્રિય સુખો માટેની કામનાઓને જાગૃત કરે છે. આ કામનાઓ હવાઈ મૂળિયાંઓ સમાન છે. તેઓ વૃક્ષને વિકસવા માટે રસ પ્રદાન કરે છે. માયિક સુખ માટેની કામનાઓથી પ્રેરિત થઈને જીવ કર્મોમાં વ્યસ્ત થાય છે. પરંતુ ઈન્દ્રિય-જન્ય કામનાઓની કદાપિ પરિપૂર્તિ થતી નથી; બલ્કે, જેમ-જેમ આપણે તેમને તૃપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમ-તેમ તેનામાં અધિક ગણી વૃદ્ધિ થાય છે. તેથી, કામનાઓની સંતૃપ્તિ માટે કરેલા કર્મો કેવળ તેની વૃદ્ધિ કરવાનું કાર્ય કરે છે. આમ, આ પ્રતિકાત્મક વૃક્ષના હવાઈ મૂળિયાં કદમાં વિસ્તરતા રહે છે અને અસીમિત રીતે વિકસતાં રહે છે. આ રીતે, તેઓ જીવાત્માને માયિક ચેતનામાં ફસાવી દે છે.