Bhagavad Gita: Chapter 16, Verse 1-3

શ્રીભગવાનુવાચ ।
અભયં સત્ત્વસંશુદ્ધિર્જ્ઞાનયોગવ્યવસ્થિતિઃ ।
દાનં દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ્ ॥ ૧॥
અહિંસા સત્યમક્રોધસ્ત્યાગઃ શાન્તિરપૈશુનમ્ ।
દયા ભૂતેષ્વલોલુપ્ત્વં માર્દવં હ્રીરચાપલમ્ ॥ ૨॥
તેજઃ ક્ષમા ધૃતિઃ શૌચમદ્રોહો નાતિમાનિતા ।
ભવન્તિ સમ્પદં દૈવીમભિજાતસ્ય ભારત ॥ ૩॥

શ્રી ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા; અભયમ્—નિર્ભયતા; સત્ત્વ-સંશુદ્ધિ:—મનની શુદ્ધિ; જ્ઞાન—જ્ઞાન; યોગ—આધ્યાત્મિક; વ્યવસ્થિતિ:—દૃઢતા; દાનમ્—દાન; દમ:—ઈન્દ્રિયોનું નિયંત્રણ; ચ—અને; યજ્ઞ:—યજ્ઞ; ચ—અને; સ્વાધ્યાય:—પવિત્ર ગ્રંથોનું અધ્યયન; તપ—તપશ્ચર્યા; આર્જવમ્—સાદાઈ; અહિંસા—અહિંસા; સત્યમ્—સત્યતા; અક્રોધ:—ક્રોધની અનુપસ્થિતિ; ત્યાગ:—ત્યાગ; શાન્તિ:—શાંતિ; અપૈશુનમ્—દોષ-દર્શનમાં અરુચિ; દયા—દયા; ભૂતેષુ—સર્વ પ્રાણીઓ પ્રતિ; અલોલુપ્તમ્—લોલુપતાનો અભાવ; માર્દવમ્—સૌમ્યતા; હ્રી:—નમ્રતા; અચાપલમ્—નિશ્ચય; તેજ:—પ્રતાપ; ક્ષમા—ક્ષમા; ધૃતિ:—મનોબળ; શૌચમ્—પવિત્રતા; અદ્રોહ:—ઈર્ષ્યાથી મુક્તિ; ન—નહીં; અતિ-માનિતા—મિથ્યાભિમાનની અનુપસ્થિતિ; ભવન્તિ—છે; સમ્પદમ્—ગુણ; દૈવીમ્—દૈવી; અભિજાતસ્ય—સંપન્ન લોકો; ભારત—ભરતપુત્ર.

Translation

BG 16.1-3: પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન બોલ્યા; હે ભરતપુત્ર, નિર્ભયતા, મનની શુદ્ધતા, આધ્યાત્મિક જ્ઞાનમાં દૃઢતા, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યયન, તપશ્ચર્યા તથા સાદાઈ; અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, દોષ-દર્શન પ્રત્યે અરુચિ, જીવમાત્ર પ્રત્યે દયા, અલોલુપતા, સૌમ્યતા, વિનમ્રતા, સ્થિરતા; તેજ, ક્ષમા, દૃઢતા, આડંબર-રહિતતા, પવિત્રતા, સર્વ પ્રત્યે અશત્રુતા તથા મિથ્યાભિમાન-રહિતતા, આ સર્વ દૈવી પ્રકૃતિથી સંપન્ન લોકોના સદ્દગુણો છે.

Commentary

અહીં, શ્રીકૃષ્ણ દૈવી પ્રકૃતિના ૨૬ ગુણોનું વર્ણન કરે છે. આપણા પરમ-ચરમ લક્ષ્ય તરફ ઉન્નત થવા માટેની આધ્યાત્મિક સાધનાના ભાગરૂપે આ ગુણોનું સંવર્ધન થવું જોઈએ.

નિર્ભયતા. આ વર્તમાનની તથા ભવિષ્યની ચિંતાઓથી મુક્ત અવસ્થા છે. કોઈપણ પ્રકારની અસંગત આસક્તિ ભયનું કારણ છે. સંપત્તિ પ્રત્યેની આસક્તિ દરિદ્રતાનો ભય ઉત્પન્ન કરે છે, સામાજિક પ્રતિષ્ઠા પ્રત્યેની આસક્તિ બદનામીના ભય તરફ દોરી જાય છે, દુષ્ટ પ્રત્યેની આસક્તિ પાપના પરિણામોની ચિંતા તરફ અગ્રેસર કરે છે, શારીરિક સુવિધાઓ પ્રત્યેની આસક્તિ કુસ્વાસ્થ્યના ભયનું કારણ  બને છે, વગેરે. વિરક્તિ અને ભગવાનની શરણાગતિ હૃદયમાંથી સર્વ ભયોને નષ્ટ કરે છે.

મનની શુદ્ધિ. આ આંતરિક પવિત્રતાની અવસ્થા છે. મન વિચારો, ભાવનાઓ, લાગણીઓ, ઊર્મિઓ વગેરે ઉત્પન્ન કરે છે અને તેનો સંગ્રહ કરે છે. જયારે તેઓ નૈતિક, પથ્ય, સકારાત્મક અને ઉન્નત હોય છે ત્યારે મનને શુદ્ધ માનવામાં આવે છે અને જયારે તે અનૈતિક તથા અધોગતિયુક્ત હોય છે, ત્યારે મનને અશુદ્ધ માનવામાં આવે છે. રાજસિક અને તામસિક વિષયો પ્રત્યેની આસક્તિ મનને દૂષિત કરે છે જયારે ભગવાન પ્રત્યેનો અનુરાગ તેને શુદ્ધ કરે છે.

આધ્યાત્મિક જ્ઞાનમાં અડગતા. કહેવાયું છે કે તત્ત્વ વિસ્મરણાત્ ભેકિવત્  “જયારે મનુષ્યને શું ઉચિત છે અને શું અનુચિત છે તેનું વિસ્મરણ થઇ જાય છે, ત્યારે તે પશુ સમાન બની જાય છે.” તેથી, સદ્દગુણોનો માર્ગ આધ્યાત્મિક સિદ્ધાંતો પ્રત્યેની જાગૃતતા અને અડગતા જાળવીને કોતરવામાં આવે છે.

દાન. અહીં ઉમદા કારણ માટે અથવા તો જરૂરિયાત મંદ લોકો માટે પોતાની સંપત્તિનું દાન કરવાનો ઉલ્લેખ કરે છે. વાસ્તવિક દાન એ છે કે જે મોટાઈના આડંબરથી નહીં, પરંતુ સેવાના અવસર પ્રદાન કરવા માટે ભગવાન પ્રત્યે ઋણ ભાવથી કરવામાં આવે છે. શરીરની સહાય માટે કરેલું ભૌતિક દાન એ અન્યને અલ્પકાલીન સમય માટે સહાયરૂપ થાય છે. આત્માની અવસ્થાએ થયેલું આધ્યાત્મિક દાન સર્વ કષ્ટોનું મુખ્ય કારણ, કે જે ભગવાન પ્રત્યેની વિમુખતા છે, તેના નિવારણમાં સહાયરૂપ થાય છે. પરિણામે, તેને લૌકિક દાનથી ઉચ્ચતર માનવામાં આવે છે.

ઇન્દ્રિયોનું નિયંત્રણ. ઈન્દ્રિયો તેની મનને માયિક મોહના ખાડામાં ખેંચી જવા માટેની ક્ષમતા માટે કુખ્યાત છે. તેઓ મનુષ્યને તત્કાળ સંતુષ્ટિની શોધ માટે પ્રલોભિત  કરે છે. પરંતુ, સદ્દગુણોના માર્ગ પર ચાલવામાં  નિમ્નતર ઇન્દ્રિયજન્ય સુખોને ઉચ્ચતર ધ્યેય સાધવા માટે ત્યાગવા આવશ્યક છે. તેથી, ઇન્દ્રિયો પરનો સંયમ એ ઈશ્વરીય માર્ગ પર ચાલવા માટેનો આવશ્યક ગુણ છે.

યજ્ઞ-પાલન. અર્થાત્ સુખપ્રદ ન હોય છતાં પણ વ્યક્તિગત વૈદિક ઉત્તરદાયિત્ત્વ તથા સામાજિક કર્તવ્યોનું પાલન. યજ્ઞને ત્યારે પૂર્ણ માનવામાં આવે છે, જયારે તે ભગવાનનાં સુખ માટે કરવામાં આવે છે.

વૈદિક ગ્રંથોનું અધ્યયન. શાસ્ત્રોનાં ઉત્કૃષ્ટ જ્ઞાનથી બુદ્ધિને પોષવી એ દિવ્ય પ્રકૃતિનાં સંવર્ધન માટેનો આવશ્યક વિષય છે. જયારે બુદ્ધિ ઉચિત જ્ઞાનથી પ્રકાશિત થાય છે, ત્યારે મનુષ્યના કર્મો સ્વાભાવિક રીતે ઉત્કૃષ્ટ થાય છે.

તપશ્ચર્યા. શરીર-મન-ઇન્દ્રિયો એવાં છે કે જો તેમને લાડ કરવામાં આવે તો તેઓ સુખ-પરાયણ થઇ જાય છે, પરંતુ જો તેમને સંયમિત રાખવામાં આવે છે તો તેઓ શિસ્તબદ્ધ થઇ જાય છે. આ પ્રમાણે, તપશ્ચર્યા એ શરીર, મન અને બુદ્ધિના શુદ્ધિકરણ માટે કષ્ટોનો સ્વૈચ્છિક સ્વીકાર છે.

સાદગી. વાણી અને વર્તનમાં સાદાઈ મનને સ્વચ્છ કરે છે અને ઉમદા વિચારોને અંકુરિત કરે છે. અંગ્રેજીમાં કહેવત છે, “simple living, high thinking”  “સાદું જીવન, ઉન્નત વિચારધારા” જે સાદાઈના ગુણના લાભને યથાર્થ રીતે અભિવ્યક્ત કરે છે.

અહિંસા. તેનો અર્થ છે વિચાર, વાણી કે વર્તન દ્વારા અન્ય જીવોના પ્રગતિશીલ જીવનને અવરોધવું નહીં.

સત્યતા. તેનો અર્થ છે વ્યક્તિગત હિત માટે તથ્યોને વિકૃત બનાવવાથી પોતાને રોકવું. ભગવાન પૂર્ણ સત્ય છે અને તેથી સત્યતાની સાધના આપણને એમની સમીપ લઇ જાય છે. જયારે બીજી બાજુ, તકવાદી અસત્યતા ભગવાનથી આપણને દૂર લઇ જાય છે.

ક્રોધની અનુપસ્થિતિ. ક્રોધની અભિવ્યક્તિ એ માયિક મનનો દોષ છે. જયારે સુખ માટેની ઈચ્છાઓમાં અવરોધ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિની કલ્પનાઓ અનુસાર પરિણામ પ્રાપ્ત થતાં નથી ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે. અનાસક્તિના વિકાસ દ્વારા અને ભગવાનની ઈચ્છાને શરણાગત થવાથી ક્રોધ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે.

ત્યાગ. ભગવાન સમગ્ર માયિક શક્તિના સ્વામી છે અને તેની યથાર્થતા ભગવાનના આનંદ માટે છે. તેથી, વિશ્વનું ઐશ્વર્ય વ્યક્તિગત સુખ માટે નથી પરંતુ ભગવાનની સેવા અર્થે ઉપયોગ કરવા માટે છે. આ જ્ઞાનમાં સ્થિત થવું એ ત્યાગ છે.

શાંતિ. ગુણોનાં સંવર્ધન માટે માનસિક સંતુલન આવશ્યક છે. શાંતિ એ બાહ્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં પણ આંતરિક સંતુલન જાળવવાની ક્ષમતા છે.

દોષ-દર્શન પર સંયમ. સમગ્ર વિશ્વ અને તેના અંતર્ગત સર્વ, સારા અને ખરાબ ગુણોનું મિશ્રણ છે. અન્યના દોષો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મન ગંદુ થાય છે, જયારે તેમનાં ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તે શુદ્ધ થાય છે. સંત વ્યક્તિની પ્રકૃતિ પોતાનાં દોષોનું તથા અન્યનાં ગુણોનાં દર્શન કરવાની હોય છે.

સર્વ જીવો પ્રત્યે કરુણા. જેમ જેમ વ્યક્તિ આધ્યાત્મિક રીતે ઉન્નત થાય છે, તેમ તેમ તે સ્વાભાવિક રીતે સ્વ-કેન્દ્રિતતાથી ઉપર ઉઠીને સર્વ જીવો પ્રત્યે સહાનુભૂતિ કેળવે છે. કરુણા એ ગહન અનુકંપા છે જે અન્યના કષ્ટો જોવાથી ઉત્પન્ન થાય છે.

લોલુપતાનો અભાવ. લોભ એ શરીરની જાળવણી માટે નિયમાનુસાર આવશ્યકતાઓથી અધિક સંગ્રહ કરવાની કામના છે. એ જાણવા છતાં પણ કે મૃત્યુ સમયે બધું અહીં જ રહી જશે, લોકો લોભનાં કારણે વિપુલ પ્રમાણમાં સંપત્તિ તથા મિલકતોનો સંગ્રહ કરે છે. આવી લોલુપતાથી મુક્તિ, પરિતૃપ્તિ તથા આંતરિક શાંતિ તરફ દોરી જાય છે. 

સૌમ્યતા. અન્ય પ્રત્યે કઠોર વર્તન કરવાની મનોવૃત્તિ તેમની ભાવનાઓ પ્રત્યેની અસંવેદનશીલતામાંથી જન્મે છે. પરંતુ જેમ જેમ વ્યક્તિની આધ્યાત્મિક ઊંચાઈનો વિકાસ થાય છે, તેમ તેમ તેના વર્તનમાંથી ક્રૂરતા સ્વાભાવિક રીતે જ વિખરાતી જાય છે. સૌમ્યતા એ આધ્યાત્મિક શુદ્ધિકરણની નિશાની છે.

નમ્રતા. ‘હ્રી’ નો અર્થ છે, “શાસ્ત્રોક્ત તથા સામાજિક નિષેધોથી વિપરીત કાર્યો પ્રત્યે અપરાધ ભાવના.” સંતત્વ પ્રકૃતિ કઠોર અંતરાત્માથી રંગાયેલી હોય છે, જે તેમનામાં પાપયુક્ત આચરણ પ્રત્યે અપરાધી ભાવ ઉત્પન્ન કરે છે.

ચાંચલ્યનો અભાવ. આપણે ભલે સદ્દવૃત્તિ સાથે પ્રારંભ કરીએ, પણ જો પ્રલોભનો કે મુશ્કેલીઓથી વિચલિત થઇ જઈએ, તો આપણે આપણી યાત્રા પૂર્ણ કરી શકીશું નહીં. સદાચારના માર્ગની સફળતાનો આધાર પથ પર આવતા અનેક વિપથનો છતાં પણ ધ્યેયને વળગી રહેવાની અવિચળતા પર રહેલો છે.

તેજ. મનની શુદ્ધિને કારણે વ્યક્તિમાં મૂલ્યો તથા માન્યતાઓ અનુસાર કાર્ય કરવાના ગહન આંતરિક આંદોલન ઉત્પન્ન થાય છે. તેથી, સંત વ્યક્તિઓ તેમના કાર્યોને વિપુલ શક્તિ તથા તેજ સહિત અનુસરે છે.

ક્ષમા અથવા સહિષ્ણુતા. આ અન્યના અપરાધોને પ્રતિશોધની આવશ્યકતાની ભાવનાથી રહિત થઈને સહન કરવાની ક્ષમતા છે. ક્ષમાથી વ્યક્તિ અન્યથી ઉદ્દભવેલા ભાવનાત્મક આઘાતોને રૂઝાવી શકે છે, જે અન્યથા મનને વિચલિત અને વિષાદયુક્ત બનાવી દે છે. 

મનોબળ. જયારે મન તથા ઇન્દ્રિયો પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે હતોત્સાહ થઇ ગયા હોય ત્યારે ધ્યેયને વળગી રહેવા માટેની આ આંતરિક શક્તિ તથા નિર્ધાર છે. વિશ્વનાં અધિકાંશ મહાન કાર્યો એવા લોકો દ્વારા સંપન્ન થઇ શક્યા છે જેમણે આશાનો સર્વથા અભાવ હોવા છતાં પણ પ્રયાસો નિરંતર ચાલુ રાખ્યા હતા. શ્રી અરબિંદોએ આ અંગે અતિ છટાદાર રીતે કહ્યું છે: “તમારે અંતરાયોની તુલનામાં અધિક સાતત્ય રાખવું પડશે; અન્ય કોઈ માર્ગ નથી.”

સ્વચ્છતા. આ આંતરિક તથા બાહ્ય બંને પ્રકારની શુદ્ધિ તરફ નિર્દેશ કરે છે. સદ્દગુણી વ્યક્તિ બાહ્ય શુદ્ધિની માવજતને પણ આવશ્યક માને છે કારણ કે, તે આંતરિક શુદ્ધિમાં સહાયક છે. જ્યોર્જ બર્નાડ શોએ કહ્યું છે: “તમારી જાતને શુદ્ધ અને તેજસ્વી રાખવી જરૂરી છે; તમે જ એ બારી છો, જેમાંથી તમારે આ વિશ્વનું દર્શન કરવાનું છે.”

કોઈપણ પ્રત્યે શત્રુતાનો અભાવ. અન્ય લોકો પ્રત્યે શત્રુતા ધરાવવી એ આપણા પોતાના મનને વિષયુક્ત કરે છે અને તે આધ્યાત્મિક ઉન્નતિના પથ પર અંતરાય બને છે. અન્ય લોકો પણ આપણા સમાન છે અને ભગવાન સર્વમાં નિવાસ કરે છે, તેની અનુભૂતિ દ્વારા અન્ય પ્રત્યેની ઘૃણાથી મુક્તિના ગુણનો વિકાસ થઇ શકે છે. 

મિથ્યાભિમાનની અનુપસ્થિતિ. આત્મ-શ્લાઘા, આત્મસ્તુતિ, આડંબર વગેરે અહંકારમાંથી અંકુરિત થાય છે. સંત વિભૂતિઓને તેમના પોતાનામાં ગર્વ કરી શકાય એવું કઈ લાગતું નથી, પરંતુ તેના બદલે, તેમનામાં નિહિત સદ્દગુણો માટે તેઓ ભગવાન પ્રત્યે ઋણભાવ અનુભવે છે. આમ, તેઓ આત્મ-મહત્તાથી દૂર રહે છે.