Bhagavad Gita: Chapter 16, Verse 17

આત્મસમ્ભાવિતાઃ સ્તબ્ધા ધનમાનમદાન્વિતાઃ ।
યજન્તે નામયજ્ઞૈસ્તે દમ્ભેનાવિધિપૂર્વકમ્ ॥ ૧૭॥

આત્મ-સમ્ભાવિતા:—પોતાને શ્રેષ્ઠ માનનાર; સ્તબ્ધ:—હઠીલું; ધન—ધન; માન—અભિમાન; મદ—ઘમંડ; અન્વિતા:—પૂર્ણપણે; યજન્તે—યજ્ઞ કરે છે; નામ—નામ માત્ર માટે; યજ્ઞૈ:—યજ્ઞો; તે—તેઓ; દમ્ભેન—આડંબરથી; અવિધિ-પૂર્વકમ્—શાસ્ત્રોના વિધિ-વિધાન પ્રત્યે આદર રહિત.

Translation

BG 16.17: આવા પોતાને શ્રેષ્ઠ માનનારા અને હઠીલા, પોતાની સંપત્તિના મદમાં અને અભિમાનમાં ચૂર લોકો શાસ્ત્રોના વિધિ-વિધાન પ્રત્યે કોઈપણ આદર વિના ઘમંડપૂર્વક નામ માત્ર માટે યજ્ઞો કરે છે.

Commentary

સદ્ગુણી લોકો આત્મ શુદ્ધિકરણ માટે તથા ભગવાનને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરે છે. વિકૃત વિડંબણા એ છે કે, આસુરી લોકો પણ યજ્ઞો કરે છે, પરંતુ અપવિત્ર ઉદ્દેશ્યથી. તેઓ સમાજની દૃષ્ટિએ પવિત્ર દેખાવા માટે ભવ્ય કર્મકાંડી અનુષ્ઠાનો કરે છે. પરંતુ તેઓ શાસ્ત્રોના આદેશોનું પાલન કરતા નથી અને તેના બદલે, અંગત જાહેરાત માટે અને દંભી પ્રદર્શન માટે યજ્ઞ કરે છે. જો કે, શાસ્ત્રોનો આદેશ છે કે,   “ગૂહિતસ્ય ભવેદ્ વૃદ્ધિઃ કીર્તિતસ્ય ભવેત્ ક્ષયઃ  (મહાભારત) “જો આપણે કરેલા સત્કર્મોનું પ્રદર્શન કરીએ છીએ તો તેના પુણ્યનો ક્ષય થાય છે; જો આપણે તેને ગુહ્ય રાખીએ છીએ તો તેના પુણ્યમાં વૃદ્ધિ થાય છે.” આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ આસુરી લોકોના કર્મકાંડોને, તે અયોગ્ય રીતે થયા હોવાનું કહીને નકારી કાઢે છે.