એતૈર્વિમુક્તઃ કૌન્તેય તમોદ્વારૈસ્ત્રિભિર્નરઃ ।
આચરત્યાત્મનઃ શ્રેયસ્તતો યાતિ પરાં ગતિમ્ ॥ ૨૨॥
એતૈ:—એમનાથી; વિમુક્ત:—મુક્ત થયેલ; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; તમ:-દ્વારૈ:—અજ્ઞાનનાં દ્વારો; ત્રિભિ:—ત્રણ; નર:—મનુષ્ય; આચરતિ—આચરણ; આત્મન:—આત્મા; શ્રેય:—કલ્યાણ; તત:—ત્યાર પછી; યાતિ—પ્રાપ્ત કરે છે; પરામ્—પરમ; ગતિમ્—ગંતવ્ય.
Translation
BG 16.22: જે લોકો અજ્ઞાનના ત્રણ પ્રવેશ દ્વારોથી મુક્ત થઈ જાય છે, તેઓ તેમના આત્માના કલ્યાણ માટે પ્રયાસ કરે છે અને પશ્ચાત્ પરમ ગતિ પામે છે.
Commentary
આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ કામ, ક્રોધ અને લોભના ત્યાગનું પરિણામ દર્શાવે છે. જ્યાં સુધી આ ત્રણ ઉપસ્થિત હોય છે ત્યાં સુધી વ્યક્તિ પ્રેય તરફ અર્થાત્ વર્તમાનમાં મધુર જણાતું હોય પરંતુ અંતે કડવું સાબિત થાય તેવા સુખ પ્રત્યે આકર્ષાય છે. પરંતુ જયારે માયિક તૃષ્ણાઓ ઘટે છે ત્યારે માયિક પ્રકૃતિના રજોગુણથી મુક્ત થયેલી બુદ્ધિ, પ્રેય માર્ગના અનુસરણમાં રહેલી અદૂરદર્શિતાનો બોધ પામે છે. પશ્ચાત્ વ્યક્તિ શ્રેય તરફ અર્થાત્ વર્તમાનમાં અપ્રિય લાગે પરંતુ અંતે મધુર લાગે તેવા આનંદ પ્રત્યે આકર્ષાય છે. જે લોકો શ્રેય તરફ આકર્ષિત થાય છે, તેમના માટે પ્રબુદ્ધતાનો માર્ગ ખુલી જાય છે. તેઓ તેમનાં આત્માના શાશ્વત કલ્યાણ માટેના પ્રયાસોનો પ્રારંભ કરે છે અને ક્રમશ: પરમ ગતિ તરફ આગળ વધે છે.