અધ્યાય ૧૭: શ્રદ્ધા ત્રય વિભાગ યોગ

શ્રદ્ધાના ત્રણ વિભાગોના જ્ઞાન દ્વારા યોગ

ચૌદમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અને તેઓ કેવી રીતે મનુષ્યો પર પોતાનો પ્રભાવ દાખવે છે તે અંગે સમજાવ્યું હતું. આ સત્તરમા અધ્યાયમાં, તેઓ ગુણોના પ્રભાવ અંગે વિસ્તૃત ચર્ચા કરે છે. સર્વપ્રથમ, તેઓ શ્રદ્ધાના વિષય પર ચર્ચા કરે છે અને કહે છે કે કોઈપણ વ્યક્તિ શ્રદ્ધાથી રહિત હોઈ શકે નહીં, કારણ કે તે મનુષ્યની પ્રકૃતિનું અવિભાજ્ય અંગ છે. પરંતુ, તેમની મનોવૃત્તિને આધારે લોકોની શ્રદ્ધા તદ્નુરૂપ રંગ ધરાવે છે—સાત્ત્વિક, રાજસિક, તામસિક. તેમની શ્રદ્ધાની પ્રકૃતિ તેમના જીવનની ગુણવત્તા નિર્ણિત કરે છે. લોકો આહાર પ્રત્યે પણ તેમની પ્રકૃતિ અનુસાર રુચિ ધરાવે છે. શ્રીકૃષ્ણ આહારને ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કરે છે અને તે પ્રત્યેકનો આપણા પર પડતા પ્રભાવ અંગે ચર્ચા કરે છે. પશ્ચાત્ તેઓ યજ્ઞના વિષય તરફ અગ્રેસર થાય છે તથા માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર કેવી રીતે યજ્ઞો સ્વરૂપ ધારણ કરે છે તે જણાવે છે. આગળ, આ અધ્યાય તપના વિષય તરફ અગ્રેસર થાય છે અને તન, મન તથા વાણીના તપ અંગે સ્પષ્ટતા કરે છે. આ પ્રત્યેક પ્રકારના તપ સાત્ત્વિક, રાજસિક અને તામસિક ગુણોથી પ્રભાવિત થઈને ભિન્ન-ભિન્ન સ્વરૂપ ધારણ કરે છે. પશ્ચાત્ દાનના વિષય તથા તેના ત્રિવિધ વિભાગોનું વર્ણન કરવામાં આવ્યું છે.

અંતત: શ્રીકૃષ્ણ ગુણોથી ઉપર જાય છે અને “ઓમ તત્ સત્” શબ્દોની સુસંગતતા અને ભાવાર્થનું વર્ણન કરે છે, જે પૂર્ણ સત્યના વિવિધ અંગોનું પ્રતીકાત્મક વર્ણન કરે છે. “ઓમ” શબ્દ ભગવાનના નિરાકાર તત્ત્વનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્ત્વ કરે છે; “તત્” શબ્દનું ઉચ્ચારણ પરમેશ્વર માટેનાં પવિત્ર કર્મકાંડો અને અનુષ્ઠાનો માટે થાય છે; “સત્” અર્થાત્ બાહ્ય સદ્દભાવ અને ગુણ. આ ત્રણેય એકસાથે સમૂહમાં દિવ્યતાની વિભાવના પ્રગટ કરે છે. અધ્યાયનો ઉપસંહાર શાસ્ત્રોક્ત ઉપદેશો પ્રત્યેના અનાદર સાથે થયેલા યજ્ઞ-કાર્યો, તપ, દાન વગેરેની નિરર્થકતા ઉપર ભાર મૂકીને કરવામાં આવ્યો છે.

અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ, જે લોકો શાસ્ત્રોક્ત વિધાનોની ઉપેક્ષા કરે છે પરંતુ શ્રદ્ધા સાથે આરાધના કરે છે, તેમની શું સ્થિતિ હોય છે? શું તેમની શ્રદ્ધા સાત્ત્વિક, રાજસિક કે તામસિક હોય છે?

પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ભગવાન બોલ્યા: પ્રત્યેક મનુષ્ય તેની સ્વાભાવિક શ્રદ્ધા સાથે જન્મે છે, જેના ત્રણ પ્રકાર હોઈ શકે છે—સાત્ત્વિક, રાજસિક અથવા તામસિક. હવે આ અંગે મારી પાસેથી સાંભળ.

સર્વ મનુષ્યોની શ્રદ્ધા તેમના મનની પ્રકૃતિને અનુરૂપ હોય છે. સર્વ લોકો શ્રદ્ધા ધરાવે છે અને તેમની શ્રદ્ધાની જે પ્રકૃતિ હોય છે, વાસ્તવમાં તેઓ તે જ હોય છે.

સત્ત્વગુણી લોકો સ્વર્ગીય દેવોને પૂજે છે; રજોગુણી લોકો યક્ષો અને રાક્ષસોને પૂજે છે; તમોગુણી લોકો ભૂત અને પ્રેતોને પૂજે છે.

કેટલાક લોકો કઠોર તપશ્ચર્યા કરે છે જે શાસ્ત્રોમાં નિર્દેશિત નથી, પરંતુ દંભ અને અહંકારથી પ્રેરિત હોય છે. કામના અને આસક્તિથી પ્રેરિત થઈને તેઓ કેવળ તેમના શરીરના તત્ત્વોને જ નહીં, પરંતુ મને, તેમાં નિવાસ કરતા પરમાત્માને પણ યાતના આપે છે. આવા બુદ્ધિહીન લોકોને આસુરી સંકલ્પવાળા જાણ.

લોકો તેમની પ્રકૃતિ અનુસાર આહારની પસંદગી કરે છે. આ જ સત્ય તેમની યજ્ઞ, તપશ્ચર્યા અને દાન પ્રત્યેની રુચિ માટે પણ લાગુ પડે છે. હવે તેમાં રહેલા ભેદ અંગે મારી પાસેથી સાંભળ.

સત્ત્વગુણી લોકો એવો આહાર પસંદ કરે છે કે જે આયુષ્યની વૃદ્ધિ કરે અને સદ્દગુણ, શક્તિ, આરોગ્ય, આનંદ તથા સંતુષ્ટિમાં પણ વૃદ્ધિ કરે છે. આવો આહાર રસદાયક, સ્નિગ્ધ, પૌષ્ટિક અને પ્રાકૃતિક રીતે સ્વાદિષ્ટ હોય છે.

જે આહાર અતિ કડવો, અતિ ખાટો, ખારો, અતિ ગરમ, તીવ્ર, શુષ્ક અને તીખો હોય છે, તે રજોગુણી લોકોને અતિ પ્રિય હોય છે. આવો આહાર કષ્ટ, શોક અને રોગ ઉત્પન્ન કરે છે.

અતિ રાંધેલું, ફીકું, વાસી, સડેલું, પ્રદૂષિત અને અશુદ્ધ આહાર તમોગુણી લોકોને પ્રિય હોય છે.

જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, ફળની અપેક્ષા વિના, મનના દૃઢ નિશ્ચય સાથે કર્તવ્ય સમજીને કરવામાં આવ્યો હોય, તે સત્ત્વગુણી પ્રકૃતિનો યજ્ઞ છે.

હે ભરત શ્રેષ્ઠ, જે યજ્ઞ સાંસારિક લાભાર્થે અથવા તો આડંબરના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે તેને રજોગુણી યજ્ઞ જાણ.

જે યજ્ઞ શ્રદ્ધા રહિત હોય અને શાસ્ત્રોક્ત આજ્ઞાઓથી વિપરીત હોય, જેમાં પ્રસાદનું વિતરણ ન થયું હોય, વૈદિક મંત્રોનો નાદઘોષ ન થયો હોય તથા દાન-દક્ષિણા અર્પણ ન થયા હોય તેને તમોગુણી યજ્ઞ ગણવામાં આવે છે.

પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ, વિદ્વાન અને વડીલોની પૂજા—જયારે શુદ્ધતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા સાથે કરવામાં આવે છે—ત્યારે તેને શારીરિક તપશ્ચર્યા કહેવામાં આવે છે.

જે વચનો ઉદ્વેગનું કારણ બનતા નથી, સત્ય, નિરુપદ્રવી તથા હિતકારી છે તેમજ વૈદિક શાસ્ત્રોનો નિત્ય પાઠ કરે છે—તેને વાણીની તપશ્ચર્યા કહેવામાં આવે છે.

વિચારોની નિર્મળતા, સૌમ્યતા, મૌન, આત્મ-સંયમ તથા ઉદ્દેશ્યની પવિત્રતા—આ સર્વને મનની તપશ્ચર્યા કહેવામાં આવે છે.

જયારે પવિત્ર મનુષ્યો પ્રગાઢ શ્રદ્ધા સાથે, કોઈપણ માયિક ફળની અપેક્ષા વિના આ ત્રણ પ્રકારની તપશ્ચર્યાઓ કરે છે, ત્યારે તેમને સત્ત્વગુણી તપના રૂપે પદાંકિત કરવામાં આવે છે.

જે તપ દંભપૂર્વક સત્કાર, સન્માન અને પ્રશંસા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યું હોય તે રાજસી કહેવાય છે. તેનાં લાભ અસ્થિર ને અશાશ્વત હોય છે.

જે તપ ભ્રમિત ભાવના સાથે કરવામાં આવ્યું હોય અને જેમાં આત્મપીડન તથા અન્યનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે કરવામાં આવ્યું હોય તેને તમોગુણી શ્રેણીમાં વર્ણવવામાં આવે છે.

જે દાન સુપાત્ર વ્યક્તિને કર્તવ્ય સમજીને, કોઈપણ પ્રતિફળની અપેક્ષા વિના, ઉચિત સમયે, ઉચિત સ્થાને આપવામાં આવે છે, તેને સાત્ત્વિક દાન માનવામાં આવે છે.

પરંતુ અનિચ્છાએ, પ્રત્યુપકારની આકાંક્ષા સાથે અથવા તો ફળની અપેક્ષા સાથે કરવામાં આવેલા દાનને રજોગુણી માનવામાં આવે છે.

અને જે દાન અપવિત્ર સ્થાને અને અનુચિત સમયે કુપાત્ર મનુષ્યોને, આદરભાવ રહિત અથવા તિરસ્કાર સાથે આપવામાં આવે, તેને અવિદ્યા પ્રકૃતિનું દાન કહેવામાં આવે છે.

સૃષ્ટિના પ્રારંભથી “ઓમ તત્ સત્”ને પરમ પૂર્ણ સત્યના પ્રતીકાત્મક પ્રતિનિધિઓ ગણવામાં આવ્યા છે. તેમાંથી બ્રાહ્મણો, શાસ્ત્રો અને યજ્ઞો ઉત્પન્ન થયા છે.

તેથી, વૈદિક આજ્ઞાઓ અનુસાર વેદોના પ્રવક્તાઓ યજ્ઞક્રિયાઓ, દાન પ્રદાન અથવા તો તપશ્ચર્યાનો શુભારંભ “ઓમ” શબ્દના ઉચ્ચારણ સાથે કરે છે.

જે મનુષ્યો કર્મફળની ઈચ્છા ધરાવતા નથી પરંતુ માયિક જટિલતામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છે છે; તેઓ તપ, યજ્ઞ અને દાનની ક્રિયાઓ “તત્” શબ્દના ઉચ્ચારણ સાથે કરે છે.

‘સત્’ શબ્દનો અર્થ છે, શાશ્વત અસ્તિત્ત્વ અને સત્ત્વગુણ. હે અર્જુન, તેનો ઉપયોગ માંગલિક કાર્યોનું વર્ણન કરવા માટે પણ થાય છે.  યજ્ઞ, તપ અને દાન કરવામાં પ્રસ્થાપિત થવાને પણ ‘સત્’ શબ્દ દ્વારા વર્ણવવામાં આવે છે. અને તેથી આવા ઉદ્દેશ્યપૂર્ણ કોઈપણ કાર્યને ‘સત્’ નામ આપવામાં આવે છે.

હે પૃથાપુત્ર, યજ્ઞ કે તપના કોઈપણ કાર્ય શ્રદ્ધા વિના કરવામાં આવ્યા હોય તેને ‘અસત્’ કહેવામાં આવે છે. તેઓ આ લોક તથા પરલોક બંને માટે બિનઉપયોગી છે.