Bhagavad Gita: Chapter 17, Verse 2

શ્રીભગવાનુવાચ ।
ત્રિવિધા ભવતિ શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા ।
સાત્ત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તાં શૃણુ ॥ ૨॥

શ્રી-ભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; ત્રિ-વિધા—ત્રણ પ્રકારના; ભવતિ—હોય છે; શ્રદ્ધા—શ્રદ્ધા; દેહિનામ્—દેહધારી પ્રાણીઓ; સા—જે; સ્વ-ભાવ-જા—જન્મજાત સ્વભાવ; સાત્ત્વિકી—સત્ત્વગુણી; રાજસી—રજોગુણી; ચ—અને; એવ—નિશ્ચિત; તામસી—તમોગુણી; ચ—અને; ઈતિ—આમ; તામ્—આ વિષે; શ્રુણુ—સાંભળ.

Translation

BG 17.2: પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ભગવાન બોલ્યા: પ્રત્યેક મનુષ્ય તેની સ્વાભાવિક શ્રદ્ધા સાથે જન્મે છે, જેના ત્રણ પ્રકાર હોઈ શકે છે—સાત્ત્વિક, રાજસિક અથવા તામસિક. હવે આ અંગે મારી પાસેથી સાંભળ.

Commentary

કોઈપણ વ્યક્તિ શ્રદ્ધા-વિહોણી હોઈ શકે નહિ કારણ કે, તે મનુષ્યના વ્યક્તિત્ત્વનું અવિભાજ્ય અંગ છે. જે લોકો શાસ્ત્રોમાં માનતા નથી તેઓ પણ શ્રદ્ધા રહિત હોતા નથી. તેમની શ્રદ્ધા કોઈ અન્ય સ્થાને આધીન હોય છે. તે તેમની બુદ્ધિની તાર્કિક ક્ષમતા કે પછી તેમની ઈન્દ્રિયોનું પ્રત્યક્ષીકરણ કે પછી કોઈ સિદ્ધાંતને આધારિત હોઈ શકે, જેના પર વિશ્વાસ કરવાનો તેમણે નિર્ણય લીધો હોય. ઉદાહરણ તરીકે, જયારે લોકો કહે છે કે, “હું ભગવાનમાં માનતો નથી કારણ કે હું તેને જોઈ શકતો નથી”, તેમને ભગવાનમાં શ્રદ્ધા હોતી નથી પરંતુ તેમને તેમના ચક્ષુઓ પર શ્રદ્ધા હોય છે. તેથી, તેઓ એમ માને છે કે જો તેમની આંખો કંઈક જોઈ શકતી નથી, તો સંભવત: તેનું અસ્તિત્ત્વ જ નહીં હોય. આ પણ શ્રદ્ધાનો જ પ્રકાર છે. અન્ય લોકો કહે છે કે, હું પ્રાચીન શાસ્ત્રોની પ્રમાણભૂતતામાં વિશ્વાસ ધરાવતો નથી. પરંતુ હું અર્વાચીન વિજ્ઞાનના સિદ્ધાંતોને સ્વીકારું છું.” આ પણ શ્રદ્ધાનો પ્રકાર છે. પાછલી કેટલીક શતાબ્દીઓમાં આપણે જોયું છે કે, કેવી રીતે વૈજ્ઞાનિક સિદ્ધાંતોમાં પરિવર્તન આવ્યું છે અને તેમને ઉથલાવી દેવામાં આવ્યા છે. એ શક્ય છે કે, વર્તમાનના વૈજ્ઞાનિક સિદ્ધાંતો જેને આપણે સત્ય સમજીએ છીએ તે ભવિષ્યમાં અસત્ય સાબિત થાય. તેમને સત્ય તરીકે સ્વીકારવા એ પણ શ્રદ્ધાની છલાંગ છે. ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પુરક્સર વિજેતા પ્રો. ચાર્લ્સ એચ. ટાઉન્સ આ અંગે સુંદર અભિવ્યક્તિ કરે છે: “વિજ્ઞાનને પોતાને પણ શ્રદ્ધાની આવશ્યકતા છે. આપણે જાણતા નથી કે આપણો તર્ક સત્ય છે. હું નથી જાણતો કે તમે ત્યાં છો. તમે નથી જાણતા કે હું અહીં છું. આપણે સૌ કેવળ એ અંગે કલ્પના કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વિશ્વ જેવું દેખાય છે, તેવું છે અને તેથી વિશ્વાસ કરું છું કે તમે ત્યાં છો. તેને હું કોઈ આધારભૂત દૃષ્ટિકોણ દ્વારા સિદ્ધ કરી શકતો નથી, છતાં પણ મારે કાર્ય સંચાલન માટે કોઈ ચોક્કસ તંત્રનો સ્વીકાર કરવો પડે. મને લાગે છે કે ધર્મ એ શ્રદ્ધા છે” અને “વિજ્ઞાન એ જ્ઞાન છે” એ વિચાર તદ્દન ખોટો છે. અમે વૈજ્ઞાનિકો બાહ્ય વિશ્વના અસ્તિત્ત્વને તથા અમારા પોતાના તર્કની યથાર્થતાને માનીએ છીએ. તે અમને અનુકૂળ લાગે છે, તથાપિ આ વિશ્વાસ આધારિત કાર્યો છે. અમે તેને સાબિત કરી શકતા નથી.” ભલે કોઈ ભૌતિક વૈજ્ઞાનિક હોય કે સામાજિક વૈજ્ઞાનિક હોય કે આધ્યાત્મિક વૈજ્ઞાનિક હોય, તે જ્ઞાનની સ્વીકૃતિ માટે શ્રદ્ધાનાં આધારની આવશ્યકતાને ટાળી શકતા નથી. હવે શ્રીકૃષ્ણ, શા માટે વિભિન્ન લોકો વિભિન્ન સ્થાને તેમની શ્રદ્ધા ધરાવે છે, તેના કારણો જણાવે છે.