Bhagavad Gita: Chapter 17, Verse 28

અશ્રદ્ધયા હુતં દત્તં તપસ્તપ્તં કૃતં ચ યત્ ।
અસદિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઇહ ॥ ૨૮॥

અશ્રદ્ધયા—શ્રદ્ધા વિના; હુતમ્—યજ્ઞ; દત્તમ્—દાન; તપ:—તપ; તપ્તમ્—સંપન્ન; કૃતમ્—કરેલું; ચ—અને; યત્—જે; અસત્—નશ્વર; ઈતિ—આ પ્રમાણે; ઉચ્યતે—કહેવાય છે; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; ન—નહીં; ચ—અને; તત્—તે; પ્રેત્ય—અન્ય લોકમાં; ન ઉ—ન તો; ઈહ—આ જગતમાં.

Translation

BG 17.28: હે પૃથાપુત્ર, યજ્ઞ કે તપના કોઈપણ કાર્ય શ્રદ્ધા વિના કરવામાં આવ્યા હોય તેને ‘અસત્’ કહેવામાં આવે છે. તેઓ આ લોક તથા પરલોક બંને માટે બિનઉપયોગી છે.

Commentary

સર્વ વૈદિક પ્રક્રિયાઓ શ્રદ્ધાપૂર્વક કરવી જોઈએ, તે દૃઢપણે પ્રસ્થાપિત કરવા માટે શ્રીકૃષ્ણ હવે શ્રદ્ધા વિના કરેલી વૈદિક પ્રક્રિયાઓની નિરર્થકતા ઉપર ભાર મૂકે છે. તેઓ કહે છે કે જે લોકો શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખ્યા વિના કર્મ કરે છે, તેઓ આ જન્મમાં શુભ ફળ પ્રાપ્ત કરતા નથી કારણ કે તેમના કાર્યોનું પૂર્ણતયા પાલન થયું હોતું નથી. વળી, તેઓ વૈદિક શાસ્ત્રોની શરતોની પૂર્તિ કરતા ન હોવાથી આવતા જન્મમાં પણ શુભ ફળ પ્રાપ્ત કરતા નથી. તેથી, વ્યક્તિની શ્રદ્ધા તેના મનના કે બુદ્ધિના અનુમાનોને આધારિત હોવી જોઈએ નહીં. પરંતુ તે વૈદિક ગ્રંથો અને ગુરુની અમોઘ સત્તાને આધારિત હોવી જોઈએ. આ સત્તરમા અધ્યાયનો સાર છે.