Bhagavad Gita: Chapter 17, Verse 7

આહારસ્ત્વપિ સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ ।
યજ્ઞસ્તપસ્તથા દાનં તેષાં ભેદમિમં શૃણુ ॥ ૭॥

આહાર:—ભોજન; તુ—વાસ્તવમાં; અપિ—પણ; સર્વસ્ય—સર્વનું; ત્રિ-વિધ:—ત્રણ પ્રકારો; ભવતિ—હોય છે; પ્રિય:—પ્રિય; યજ્ઞ:—યજ્ઞ; તપ:—તપશ્ચર્યા; તથા—અને; દાનમ્—દાન; તેષામ્—તેમનો; ભેદમ્—તફાવત; ઈમમ્—આ; શ્રુણુ—સાંભળ.

Translation

BG 17.7: લોકો તેમની પ્રકૃતિ અનુસાર આહારની પસંદગી કરે છે. આ જ સત્ય તેમની યજ્ઞ, તપશ્ચર્યા અને દાન પ્રત્યેની રુચિ માટે પણ લાગુ પડે છે. હવે તેમાં રહેલા ભેદ અંગે મારી પાસેથી સાંભળ.

Commentary

મન અને શરીર પરસ્પર પ્રભાવ પાડે છે. એ પ્રમાણે, લોકો જે આહાર આરોગે છે તે તેમની પ્રકૃતિને પ્રભાવિત કરે છે અને તેમની પ્રકૃતિ આહારની પસંદગીને પ્રભાવિત કરે છે. છાંદોગ્ય ઉપનિષદ્દ સ્પષ્ટ કરે છે કે આહારનો ઠોસ ભાગ મળસ્વરૂપે બહાર નીકળી જાય છે; સૂક્ષ્મ ભાગ માંસ બની જાય છે અને અતિ સૂક્ષ્મ ભાગ મન બની જાય છે. (૬.૫.૧) પુન: તે વર્ણવે છે: આહાર શુદ્ધૌ સત્ત્વ શુદ્ધિઃ  (૭.૨૬.૨) “શુદ્ધ આહાર આરોગવાથી મન શુદ્ધ બને છે.” આનું વિપરીત પણ સત્ય છે—શુદ્ધ  મન ધરાવતા લોકો શુદ્ધ આહાર પસંદ કરે છે.