Bhagavad Gita: Chapter 18, Verse 1

અર્જુન ઉવાચ ।
સન્ન્યાસસ્ય મહાબાહો તત્ત્વમિચ્છામિ વેદિતુમ્ ।
ત્યાગસ્ય ચ હૃષીકેશ પૃથક્કેશિનિષૂદન ॥ ૧॥

અર્જુન: ઉવાચ—અર્જુને કહ્યું; સંન્યાસસ્ય—કર્મોના ત્યાગના; મહા-બાહો—બળવાન ભુજાઓવાળા; તત્ત્વમ્—સત્ય; ઇચ્છામિ—ઈચ્છું છું; વેદિતુમ્—સમજવું; ત્યાગસ્ય—કર્મોના ફળોને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; ચ—અને; હૃષિકેશ—કૃષ્ણ, ઇન્દ્રિયોના સ્વામી; પૃથક્—વિશિષ્ટ રીતે; કેશિ-નિષૂદન—કૃષ્ણ; કેશી અસુરના સંહારક.

Translation

BG 18.1: અર્જુને કહ્યું; હે મહા-ભુજાઓવાળા શ્રીકૃષ્ણ, હું સંન્યાસ (કર્મોનો ત્યાગ) અને ત્યાગ (કર્મોના ફળોની ઈચ્છાનો ત્યાગ) આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું. હે હૃષીકેશ, હે કેશી-નિષૂદન, હું આ બંને વચ્ચેની પૃથકતા અંગે પણ જાણવા ઈચ્છું છું.

Commentary

અર્જુન શ્રીકૃષ્ણને “કેશી-નિષૂદન” અર્થાત્ કેશી નામના અસુરના સંહારક તરીકે સંબોધે છે. શ્રીકૃષ્ણે પૃથ્વી પરની તેમની દિવ્ય લીલાઓમાં કેશી નામનાં ભયંકર અને હિંસક અસુરનો સંહાર કર્યો હતો, જેણે ગાંડા અશ્વનું રૂપ ધારણ કરીને વ્રજની ભૂમિ પર વિનાશ સર્જ્યો હતો. સંશય પણ નિરંકુશ અશ્વ સમાન છે, જે મનમાં જંગલી રીતે આમતેમ દોડયા કરે છે અને ભક્તિના ઉદ્યાનને નષ્ટ કરી દે છે. અર્જુન સૂચિત કરે છે, “જે રીતે આપે કેશીનો વધ કર્યો હતો, એ જ રીતે કૃપા કરીને મારા મનમાં રહેલા સંશયનો નાશ કરો.” તેનો પ્રશ્ન ગહન તથા માર્મિક છે. તે સંન્યાસની પ્રકૃતિ જાણવાની અભિલાષા ધરાવે છે, જેનો અર્થ છે, “કર્મોનો ત્યાગ”. તે ત્યાગની પ્રકૃતિ અંગે જાણવાની ઈચ્છા પણ ધરાવે છે જેનો અર્થ છે, “કર્મોના ફળોને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ”. ઉપરાંત, તે પૃથક્ શબ્દનો પણ પ્રયોગ કરે છે જેનો અર્થ છે, ભિન્નતા; તે આ બંને વચ્ચે રહેલી વિશિષ્ટતા સમજવા ઈચ્છે છે. અર્જુન શ્રીકૃષ્ણને હૃષીકેશ અર્થાત્ “ઈન્દ્રિયોના સ્વામી” તરીકે પણ સંબોધે છે. અર્જુનનું ધ્યેય મહાન વિજયમાં પૂર્ણતા સિદ્ધ કરવાનું છે, કે જે મન તથા ઈન્દ્રિયોને વશમાં કરવાનું છે. આ જ વિજય પૂર્ણ શાંતિની અવસ્થા પ્રદાન કરે છે તથા પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ, ઇન્દ્રિયોના સ્વામી તરીકે આ પૂર્ણતાની અવસ્થાને સ્વયં મૂર્તિમંત કરે છે.

આ વિષય અંગે અગાઉના અધ્યાયોમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. શ્રીકૃષ્ણે સંન્યાસ અંગે શ્લોક સં. ૫.૧૩ અને ૯.૨૮માં તથા ત્યાગ અંગે શ્લોક સં. ૪.૨૦ અને ૧૨.૧૧માં ચર્ચા કરી છે પરંતુ અહીં તેમણે અલગ દૃષ્ટિકોણથી સ્પષ્ટતા કરી છે. આ સમાન સત્ય સ્વયં વિવિધ પરિપ્રેક્ષ્યથી પ્રસ્તુતિની અનુમતિ પ્રદાન કરે છે અને પ્રત્યેક પરિપ્રેક્ષ્ય તેનું વિલક્ષણ આકર્ષણ પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે, ઉદ્યાનના વિવિધ વિભાગો દર્શકના મનમાં વિભિન્ન છાપ ઉપજાવે છે, જયારે સમગ્ર ઉદ્યાન કોઈ અલગ જ અસરનું સર્જન કરે છે. ભગવદ્ ગીતા પણ આવા ઉદ્યાન સમાન જ છે. પ્રત્યેક અધ્યાય વિશિષ્ટ યોગ માટે નિયુક્ત થયો છે, જયારે અઢારમા અધ્યાયને સારરૂપ માનવામાં આવે છે. આ અધ્યાયમાં, શ્રીકૃષ્ણ અગાઉના સત્તર અધ્યાયમાં પ્રસ્તુત કરેલાં સર્વકાલીન સિદ્ધાંતો અને સનાતન સત્યોનો સારાંશ લાઘવમાં રજૂ કરે છે તથા તે સર્વનો સામૂહિક નિષ્કર્ષ સ્થાપિત કરે છે. ત્યાગ અને વિરક્તિ જેવા વિષયોની ચર્ચા કરીને તેઓ ત્રણ ગુણોની પ્રકૃતિ તથા તે લોકોના કાર્ય કરવાની પ્રાકૃતિક વૃત્તિ પર કેવો પ્રભાવ પાડે છે તેની સ્પષ્ટતા કરે છે. તેઓ પુનરુક્તિ કરે છે કે કેવળ સાત્ત્વિક ગુણ એકમાત્ર સંવર્ધનને પાત્ર છે. પશ્ચાત્ તેઓ નિષ્કર્ષ રજૂ કરે છે કે ભક્તિ અથવા તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની અનન્ય પ્રેમા ભક્તિ એ સર્વોચ્ચ ઉત્તરદાયિત્ત્વ છે અને તેની પ્રાપ્તિ એ માનવજીવનનું લક્ષ્ય છે.