Bhagavad Gita: Chapter 18, Verse 17

યસ્ય નાહઙ્કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે ।
હત્વાઽપિ સ ઇમાઁલ્લોકાન્ન હન્તિ ન નિબધ્યતે ॥ ૧૭॥

યસ્ય—જેને; ન-અહંકૃત:—કર્તાભાવના અહંકારથી મુક્ત; ભાવ:—સ્વભાવ; બુદ્ધિ:—બુદ્ધિ; યસ્ય—જેને; નલિપ્યતે—આસકત થતી નથી; હત્વા—હણીને; અપિ—પણ;સ:—તેઓ; ઈમાન્—આ; લોકાન્—જીવો; ન—ન તો; નિબધ્યતે—બદ્ધ થાય છે.

Translation

BG 18.17: જે લોકો કર્તા હોવાના અહંકારથી મુક્ત છે તથા જેની બુદ્ધિ આસક્ત થતી નથી, તેઓ જીવોને હણવા છતાં પણ ન તો હણે છે કે ન તો તેઓ કર્મોથી બદ્ધ થાય છે.

Commentary

અગાઉના શ્લોકોમાં જડ બુદ્ધિ અંગેનું વર્ણન કરીને શ્રીકૃષ્ણ હવે વિશુદ્ધ બુદ્ધિ અંગે વર્ણન કરે છે. તેઓ કહે છે કે જે લોકો વિશુદ્ધ બુદ્ધિથી યુક્ત છે, તેઓ કર્તા હોવાના મિથ્યાભિમાનથી મુક્ત હોય છે. તેઓ તેમના કર્મોના ફળોને ભોગવવાની તૃષ્ણા પણ ધરાવતા નથી. આ પ્રમાણે, તેઓ જે કંઈ પણ કરે છે તેના કાર્મિક પ્રતિભાવોમાં બંધાયેલા નથી. પૂર્વે શ્લોક સં. ૫.૧૦માં પણ તેમણે જણાવ્યું હતું કે જે લોકો ફળ પ્રત્યે અનાસક્ત છે, તેઓ કદાપિ પાપથી દૂષિત થતા નથી. માયિક પરિપ્રેક્ષ્યથી, તેઓ કર્મ કરતા હોય એવું લાગે પરંતુ, આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યથી તેઓ સ્વાર્થી ઉદ્દેશ્યથી મુક્ત હોય છે અને તેથી તેઓ કર્મના ફળથી બદ્ધ થતા નથી.

રહીમ ખાન ભારતીય ઈતિહાસમાં મુઘલ સમય દરમ્યાનના પ્રસિદ્ધ સંત-કવિ હતા. જન્મથી મુસ્લિમ હોવા છતાં પણ તેઓ ભગવાન શ્રીકૃષ્ણના મહાન ભક્ત હતા. જયારે તેઓ દાન તરીકે ખેરાત આપતા ત્યારે તેમની દૃષ્ટિ નીચે કરી દેતા. તેમની ખાસિયત સાથે એક મધુર પ્રસંગ જોડાયેલો છે. એવું કહેવાય છે કે સંત તુલસીદાસે રહીમની ખેરાત આપવાની શૈલી અંગે સાંભળ્યું અને તેમને પૂછયું:

           ઐસી દેની દેન જ્યુઁ કિત સીખે હો સૈન

           જ્યોં જ્યોં કર ઊઁચ્યો કરો, ત્યોં ત્યોં નિચે નૈન

“સાહેબ, તમે આ રીતે ખેરાત આપવાનું ક્યાંથી શીખ્યા? જેમ જેમ તમારા હાથ ખેરાત આપવા ઉઠે છે, તેમ તેમ તમારા નયનો નીચે ઢળી જાય છે.”

રહીમે પૂર્ણ વિનમ્રતા સાથે અતિ સુંદર ઉત્તર આપ્યો:

           દેનહાર કોઈ ઔર હૈ, ભેજત હૈ દિન રૈન

           લોગ ભરમ હમ પર ક રેં, યાતે નિચે નૈન

“દાતા તો કોઈ અન્ય છે, જે દિવસ-રાત આપ્યા કરે છે. પરંતુ જગત મને શ્રેય આપે છે અને તેથી હું નયનો નીચે ઢાળી દઉં છું.” આપણી સિદ્ધિઓ માટે આપણે જ એકમાત્ર જવાબદાર કારણ નથી, એ જ્ઞાન આપણને કર્તાભાવના મિથ્યાભિમાનથી મુક્ત કરે છે.