Bhagavad Gita: Chapter 18, Verse 23

નિયતં સઙ્ગરહિતમરાગદ્વેષતઃ કૃતમ્ ।
અફલપ્રેપ્સુના કર્મ યત્તત્સાત્ત્વિકમુચ્યતે ॥ ૨૩॥

નિયતમ્—શાસ્ત્રો અનુસાર; સંગ-રહિતમ્—આસક્તિ-રહિત; અરાગ-દ્વેષત:—રાગ-દ્વેષ રહિત; કૃતમ્—કરેલું; અફલ-પ્રેપ્સુના—ફળની કામના-રહિત; કર્મ—કર્મ; યત્—જે; તત્—તે; સાત્ત્વિકમ્—સત્ત્વગુણમાં; ઉચ્યતે—કહેવાય છે.

Translation

BG 18.23: જે કર્મ શાસ્ત્રોક્ત અનુસાર છે, જે રાગદ્વેષ રહિત છે તથા જે ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે છે, તેને સાત્ત્વિક કહેવાય છે.

Commentary

ત્રણ પ્રકારના જ્ઞાન અંગે સમજૂતી આપ્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ હવે કર્મના ત્રણ પ્રકારોનું વર્ણન કરે છે. ઈતિહાસની કેડી પર અનેક સામાજિક શાસ્ત્રીઓ તથા તત્ત્વદર્શીઓએ ઉચિત કર્મ શું છે, તે અંગે પોતાના અભિપ્રાય આપ્યા છે. તેમાંના કેટલાક મહત્ત્વના તત્વજ્ઞાનીઓ તથા તેમના તત્ત્વજ્ઞાનનો અહીં ઉલ્લેખ કર્યો છે:

૧.ધ એપીક્યુરીયન્સ ઓફ ગ્રીસ (BC ત્રીજી સદી) માનતા કે “ખાવું, પીવું અને આનંદ કરવો” એ ઉચિત કર્મ છે.

૨. હોબ્બ્સ ઈંગલેન્ડ (૧૫૮૮–૧૬૭૯) અને હેલ્વેટીયસ(૧૭૧૫–૧૭૭૧)નું તત્ત્વજ્ઞાન અધિક શિષ્ટ હતું. તેમણે કહ્યું કે જો પ્રત્યેક વ્યક્તિ સ્વાર્થી બની જશે અને અન્યનો વિચાર નહીં કરે, તો વિશ્વમાં અરાજકતા વ્યાપી જશે. તેથી, તેમણે અંગત ઈન્દ્રિય-તુષ્ટિકરણની સાથે-સાથે આપણે અન્યની કાળજી લેવી જોઈએ, તે અંગે ભલામણ કરી. ઉદાહરણ તરીકે, જો પતિ બીમાર હોય તો પત્નીએ તેની કાળજી લેવી જોઈએ; અને જો પત્ની બીમાર  હોય તો પતિએ તેની કાળજી લેવી જોઈએ. જો કોઈ પ્રસંગે, અન્યને સહાય અને સ્વાર્થ વચ્ચે ઘર્ષણ થાય તો તેમણે સ્વાર્થને પ્રાધાન્ય આપવાની શિખામણ આપી.

૩.જોસેફ બટલર (૧૬૯૨–૧૭૫૨) નું તત્ત્વદર્શન આનાથી આગળ વધ્યું. તેણે કહ્યું કે આપણા સ્વાર્થની જોગવાઈ કર્યા પશ્ચાત્ અન્યની સેવા કરવાનો વિચાર ખોટો હતો. અન્યને સહાય કરવી એ માનવીનો કુદરતી ગુણ છે. એક સિંહણ પણ પોતે ભૂખી રહીને તેનાં બચ્ચાંને દૂધ પીવડાવે છે. તેથી, અન્યની સેવાને સદા પ્રાધાન્ય આપવું જોઈએ. પરંતુ, બટલરની સેવા અંગેની વિભાવના માયિક કષ્ટો પૂરતી મર્યાદિત હતી. ઉદાહરણ તરીકે જો વ્યક્તિ ભૂખી હોય, તો તેને આહાર પૂરો પાડવો. પરંતુ તેનાથી સમસ્યાનું વાસ્તવિક નિવારણ થતું નથી કારણ કે છ કલાક પશ્ચાત્ વ્યક્તિ પુન: ભૂખી થઈ જાય છે.

૪. બટલરની પશ્ચાત્ જેરેમી બેન્થમ (૧૭૪૮–૧૮૩૨) અને જોહન સ્ટુઅર્ટ (૧૮૦૬–૧૮૭૩) આવ્યા. તેમણે અધિકાંશ લોકો માટે શું શ્રેષ્ઠ છે, તેના ઉપયોગીતાવાદી સિદ્ધાંતની ભલામણ કરી. તેમણે ઉચિત વર્તનના નિર્ણય માટે અધિકાંશ મતને અનુસરવાનું સૂચન કર્યું. પરંતુ જો અધિકાંશ લોકો ખોટા હોય અથવા ગેરમાર્ગે દોરાયેલા હોય તો આ તત્ત્વદર્શન ખોટું પુરવાર થાય છે કારણ કે એકસાથે હજાર અજ્ઞાની લોકો પણ એક જ્ઞાની મનુષ્યના વિચારની ગુણવત્તા સાથે મેળ ખાતા નથી.

અન્ય તત્ત્વદર્શીઓએ અંતરાત્માના સૂચનને અનુસરવાની ભલામણ કરી. તેઓએ સૂચવ્યું કે ઉચિત વર્તન નિર્ણિત કરવા માટે તે શ્રેષ્ઠ માર્ગદર્શક છે. પરંતુ, સમસ્યા એ છે કે પ્રત્યેક વ્યક્તિનો અંતરાત્મા ભિન્ન-ભિન્ન રીતે માર્ગદર્શન આપે છે. એક જ પરિવારના બે સંતાનોના નૈતિક મૂલ્યો અને અંતરાત્મા ભિન્ન હોય છે. ઉપરાંત, એક જ મનુષ્યનો અંતરાત્મા પણ સમયાનુસાર પરિવર્તન પામે છે. જો ખૂનીને પૂછવામાં આવે કે લોકોનું ખૂન કરીને તેને દુઃખ થાય છે, તો તે ઉત્તર આપે છે કે “આરંભમાં મને દુઃખ થતું હતું, પરંતુ પશ્ચાત્ મારે માટે તે મચ્છરને મારવા જેવું તુચ્છ બની ગયું. મને કોઈ પશ્ચાતાપ થતો નથી.”

ઉચિત વર્તન માટે મહાભારત વર્ણન કરે છે:

            આત્મનઃ પ્રતિકૂલાનિ પરેશાં ન સમાચરેત્

           શ્રુતિઃ સ્મૃતિઃ સદાચારઃ સ્વસ્ય ચ પ્રિયમાત્મનઃ (૫.૧૫.૧૭)

“જો અન્ય વ્યક્તિ અમુક ચોક્કસ રીતે તમારી સાથે વર્તન કરે તે તમને પસંદ ન હોય, તો તમે પણ તેમની સાથે એ રીતે વર્તન ન કરો. પરંતુ સદૈવ ચકાસતા રહો કે તમારું વર્તન શાસ્ત્રોની અનુસાર છે.” બાઈબલ પણ કહે છે: “અન્ય સાથે એ રીતે વર્તો, જેવા વર્તનની અપેક્ષા તમે અન્ય પાસે રાખો છો.” (લ્યુક ૬.૩૧) અહીં, શ્રીકૃષ્ણ ઘોષિત કરે છે કે શાસ્ત્રો અનુસાર પોતાનું ઉત્તરદાયિત્ત્વ નિભાવવું એ સાત્ત્વિક કર્મ છે. તેઓ ઉમેરે છે કે આવું કર્મ રાગદ્વેષથી રહિત હોવું જોઈએ તથા ફળના ઉપભોગની કામનાથી રહિત હોવું જોઈએ.