Bhagavad Gita: Chapter 18, Verse 24

યત્તુ કામેપ્સુના કર્મ સાહઙ્કારેણ વા પુનઃ ।
ક્રિયતે બહુલાયાસં તદ્રાજસમુદાહૃતમ્ ॥ ૨૪॥

યત્—જે; તુ—પરંતુ; કામ-ઈપ્સુના—સ્વાર્થી કામનાથી પ્રેરિત; કર્મ—કર્મ; સ-અહંકારેણ—અહંકાર સાથે; વા—અથવા; પુન:—ફરીથી; ક્રિયતે—કરાય છે; બહુલ-આયાસમ્—અનેક પ્રયાસોથી; તત્—તે; રાજસમ્—રાજસિક પ્રકૃતિમાં; ઉદાહ્રતમ્—કહેવાય છે.

Translation

BG 18.24: જે કર્મ સ્વાર્થયુકત કામનાથી પ્રેરિત છે, અહંકાર સાથે કરવામાં આવે છે અને તણાવથી પૂર્ણ છે, તેને રજોગુણી કહેવામાં આવે છે.

Commentary

રજોગુણની પ્રકૃતિ એ છે કે તે ભૌતિક વૃદ્ધિ તથા ઇન્દ્રિયજન્ય ભોગ માટે તીવ્ર કામનાનું સર્જન કરે છે. તેથી, રજોગુણી કર્મ અતિ મહત્ત્વાકાંક્ષાથી પ્રેરિત હોય છે તથા તીવ્ર પ્રયાસોની લાક્ષણિકતા ધરાવે છે. પરિણામ સ્વરૂપે, તે કઠોર પરિશ્રમ તથા અતિ શારીરિક અને માનસિક થાકનો ઉદ્ભવ કરે છે. કોર્પોરેટ વિશ્વ (મોટી ખાનગી કંપનીઓનું વિશ્વ) એ રાજસિક કર્મનું દૃષ્ટાંત છે. વ્યવસ્થાપન અધિકારીઓ સદા તણાવની ફરિયાદ કરતા હોય છે. આનું કારણ એ છે કે સામાન્યત: તેમના કાર્યો અહંકાર તથા સત્તા, પ્રતિષ્ઠા અને સંપત્તિની મહત્ત્વકાંક્ષાઓથી પ્રેરિત હોય છે. રાજનૈતિક નેતાઓ, અતિ-ચિંતિત માતા-પિતાઓ અને ઉદ્યોગપતિઓના પ્રયાસો પણ સામાન્યત: રજોગુણી કર્મના લાક્ષણિક ઉદાહરણો છે.