Bhagavad Gita: Chapter 18, Verse 30

પ્રવૃત્તિં ચ નિવૃત્તિં ચ કાર્યાકાર્યે ભયાભયે ।
બન્ધં મોક્ષં ચ યા વેત્તિ બુદ્ધિઃ સા પાર્થ સાત્ત્વિકી ॥ ૩૦॥

પ્રવૃત્તિમ્—ક્રિયાઓ; ચ—અને; નિવૃત્તિમ્—કાર્યોનો ત્યાગ; ચ—અને; કાર્ય—ઉચિત કર્મ; અકાર્યે—અનુચિત કર્મ; ભય—ડર; અભયે—ભયરહિત; બન્ધમ્—બંધન; મોક્ષમ્—જે મુક્ત કરે છે; ચ—અને; યા—જે; વેત્તિ—જાણે છે; બુદ્ધિ:—બુદ્ધિ; સ—તે; પાર્થ—પૃથાપુત્ર,અર્જુન; સાત્ત્વિકી—સત્ત્વગુણી.

Translation

BG 18.30: હે પાર્થ, જે કયું કર્મ ઉચિત છે અને કયું કર્મ અનુચિત છે, કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે, શાનાથી ભયભીત થવાનું છે અને શાનાથી ભયભીત થવાનું નથી, શું બંધનકર્તા છે અને શું મુક્તિકર્તા છે, તે જાણે છે; તેવી બુદ્ધિને સત્ત્વગુણી બુદ્ધિ કહેવામાં આવે છે.

Commentary

આપણે પસંદગી માટે આપણી સ્વતંત્ર ઈચ્છાનો નિરંતર ઉપયોગ કરીએ છીએ અને આપણી સંચિત પસંદગીઓ નિર્ધારિત કરે છે કે આપણે જીવનમાં ક્યાં પહોંચીશું. રોબર્ટ ફ્રોસ્ટ તેમની કવિતા “The Road Not Taken”માં આ વિષયનું તાદૃશ વર્ણન કરે છે:

હું આ નિસાસા સાથે કહીશ

અહીંથી ક્યાંક યુગો અને યુગોથી;

કાષ્ટોમાં બે માર્ગો ફંટાયા, અને હું,

મેં અલ્પ પ્રવાસીય માર્ગ લીધો,

અને તેણે સર્વ કંઈ બદલ્યું.

ઉચિત પસંદગી માટે, વિવેક્બુદ્ધિની શાખાનો વિકાસ કરવો આવશ્યક છે. સ્વયં ભગવદ્દ ગીતા અર્જુનને વિવેકશક્તિથી સંપન્ન કરવા માટે ઉચ્ચારવામાં આવી હતી. પ્રારંભથી જ, અર્જુન તેના કર્તવ્ય પ્રત્યે મૂંઝાયેલો હતો. તેના સગાં-સંબંધીઓ પ્રત્યેની તેની અમર્યાદ આસક્તિએ ઉચિત તથા અનુચિત કર્મ સંબંધિત તેના નિર્ણયને વિક્ષિપ્ત કરી દીધો હતો. અતિ મૂંઝવણને કારણે, અશક્તિ અને ભય અનુભવી રહેલા તેણે ભગવાનની શરણાગતિ સ્વીકારી લીધી હતી અને તેમને પોતાના કર્તવ્ય અંગે જ્ઞાન આપવાની પ્રાર્થના કરી. જ્ઞાનના દિવ્ય ગીત દ્વારા શ્રીકૃષ્ણે અર્જુનને વિવેકશક્તિનો વિકાસ સાધવામાં સહાય કરી અને અંતે સમાપ્તિ કરતાં કહ્યું કે “મેં તારી સમક્ષ ગુહ્યાતિગુહ્ય જ્ઞાન પ્રગટ કર્યું છે. તેનું ઊંડાણપૂર્વક મનન કર અને પશ્ચાત્ તારી ઈચ્છા પ્રમાણે કર.” (શ્લોક ૧૮.૬૩)

સત્ત્વગુણ જ્ઞાનનાં પ્રકાશ દ્વારા બુદ્ધિને પ્રકાશિત કરે છે અને તે રીતે પદાર્થ, કર્મ અને ભાવનાઓની ઉચિતતા તથા અનુચિતતા અંગેની તેની વિવેકશક્તિની ક્ષમતાને શુદ્ધ કરે છે. સાત્ત્વિક બુદ્ધિ એ છે કે જે આપણને જ્ઞાત કરે છે કે કયા પ્રકારનાં કર્તવ્યનું પાલન કરવાનું છે અને કયા પ્રકારનાં કર્તવ્યોનો ત્યાગ કરવાનો છે, શાનો ભય રાખવાનો છે અને કયા ભયની ઉપેક્ષા કરવાની છે. તે આપણા વ્યક્તિત્ત્વની ત્રુટિઓના કારણોની સમીક્ષા કરીને તે માટેનાં નિવારણને આપણી સમક્ષ પ્રગટ કરે છે.