Bhagavad Gita: Chapter 18, Verse 34

યયા તુ ધર્મકામાર્થાન્ધૃત્યા ધારયતેઽર્જુન ।
પ્રસઙ્ગેન ફલાકાઙ્ક્ષી ધૃતિઃ સા પાર્થ રાજસી ॥ ૩૪॥

યયા—જેના દ્વારા; તુ—પરંતુ; ધર્મ-કામ-અર્થાન્—કર્તવ્ય,સુખ અને સંપત્તિ; ધૃત્યા—અડગ ઈચ્છાશક્તિ દ્વારા; ધારયતે—ધારણ કરે છે; અર્જુન—અર્જુન; પ્રસંગેન—આસક્તિના કારણે; ફલ-આકાંક્ષી—ફળની કામના; ધૃતિ:—નિશ્ચય; સા—તે; પાર્થ—અર્જુન,પૃથાપુત્ર; રાજસી—રજોગુણી.

Translation

BG 18.34: જે અડગ નિશ્ચય દ્વારા વ્યક્તિ ધર્મ, અર્થ અને કામને આસક્તિ તથા ફળની કામના સાથે ધારણ કરે છે, એવો સંકલ્પ રજોગુણી છે.

Commentary

ધૃતિ (સંકલ્પ)ના દર્શન કેવળ યોગીઓમાં જ થતા નથી. સંસારી મનોવૃત્તિ ધરાવતા લોકો પણ તેમના વ્યાસંગમાં મક્કમપણે નિર્ધાર ધરાવે છે. પરંતુ, તેમનો નિશ્ચય તેમના પ્રયાસોના ફળને ભોગવવાની કામના દ્વારા પ્રજ્વલિત હોય છે. તેઓ ઇન્દ્રિય વિષયસુખ માણવા પર, સંપત્તિનું ઉપાર્જન કરવા પર વગેરે પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે અને ધન આ સર્વની પ્રાપ્તિ અંગેનું માધ્યમ હોવાથી આવા લોકો તેમનું સમગ્ર જીવન ધનને વળગી રહે છે. શ્રીકૃષ્ણ કહે છે કે ફળ ભોગવવાની કામનાના ઈંધણથી યુક્ત ધૃતિ રાજસી છે.