Bhagavad Gita: Chapter 18, Verse 4

નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરતસત્તમ ।
ત્યાગો હિ પુરુષવ્યાઘ્ર ત્રિવિધઃ સમ્પ્રકીર્તિતઃ ॥ ૪॥

નિશ્ચયમ્—નિષ્કર્ષ; શ્રુણુ—સાંભળ; મે—મારો; તત્ર—ત્યાં; ત્યાગે—કર્મોના ફળોને ભોગવવાની ઈચ્છાનો ત્યાગ કરવા અંગે; ભરત-સત્-તમ્—ભરતશ્રેષ્ઠ;  ત્યાગ:—કર્મોના ફળો ભોગવવાની ઈચ્છાનો ત્યાગ; હિ—વાસ્તવમાં; પુરુષ-વ્યાઘ્ર:—પુરુષોમાં સિંહ; ત્રિ-વિધ:—ત્રણ પ્રકારનો; સંપ્રકીર્તિત:—જાહેર કરવામાં આવ્યો છે.

Translation

BG 18.4: હવે ત્યાગના વિષયમાં મારો નિષ્કર્ષ સાંભળ. હે મનુષ્યોમાં વ્યાઘ્ર, ત્યાગના ત્રણ પ્રકારો જણાવવામાં આવ્યા છે.

Commentary

ત્યાગ આવશ્યક છે કારણ કે તે ઉત્કૃષ્ટ જીવનનો આધાર છે. કેવળ ત્યાગ દ્વારા આપણે નિમ્નતર કામનાઓનું ઉત્કૃષ્ટ મહત્ત્વાકાંક્ષાઓમાં સંવર્ધન કરી શકીએ છીએ. એ જ પ્રમાણે, નિમ્નતર કર્મોનો ત્યાગ કરીને આપણે આપણને ઉત્કૃષ્ટ ઉત્તરદાયિત્ત્વ તથા પ્રવૃત્તિઓને સમર્પિત કરી શકીએ છીએ તથા પ્રબુદ્ધતાના માર્ગે આગળ વધી શકીએ છીએ. જો કે અગાઉના શ્લોકમાં, શ્રીકૃષ્ણ એ પ્રગટ કરે છે કે ત્યાગની વાસ્તવિક આવશ્યકતાના વાસ્તવિક જ્ઞાન અંગે વિભિન્ન મતો પ્રવર્તમાન છે. અગાઉના શ્લોકમાં, પ્રમુખ વિરોધી મતોનો ઉલ્લેખ કરીને શ્રીકૃષ્ણ હવે તેમનો મત પ્રગટ કરે છે, જે આ વિષય અંગેનો અંતિમ નિર્ણય છે. તેઓ કહે છે કે તેઓ આ વિષયનું નિરૂપણ ત્યાગને ત્રણ શ્રેણીઓમાં (શ્લોક સં. ૭ થી ૯માં વર્ણિત) વર્ગીકૃત કરીને કરશે. તેઓ અર્જુનને વ્યાઘ્ર અર્થાત્ “પુરુષોમાં વ્યાઘ્ર” તરીકે સંબોધન કરે છે કારણ કે ત્યાગ એ બહાદુર લોકો માટે છે.

સંત કબીરે કહ્યું છે:

            તીર તલવાર સે જો લડે, સો શૂરવીર નહીં હોય

           માયા તજિ ભક્તિ કરે, શૂર કહાવૈ સોય

“જે તીર અને તલવાર લઈને લડાઈ કરે છે તે શૂરવીર નથી; તે મનુષ્ય વાસ્તવિક રીતે શૂરવીર છે જે માયાનો ત્યાગ કરીને ભક્તિમાં લીન થાય છે.”