Bhagavad Gita: Chapter 18, Verse 46

યતઃ પ્રવૃત્તિર્ભૂતાનાં યેન સર્વમિદં તતમ્ ।
સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિં વિન્દતિ માનવઃ ॥ ૪૬॥

યત:—જેનાથી; પ્રવૃત્તિ:—ઉદ્ભવ; ભૂતાનામ્—સર્વ જીવોનો; યેન—જેના દ્વારા; સર્વમ્—સર્વ; ઈદમ્—આ; તતમ્—વ્યાપ્ત છે; સ્વ-કર્મણા—વ્યક્તિના પ્રાકૃતિક કર્મ દ્વારા; તમ્—તેને; અભ્યર્ચ્ય—પૂજા કરીને; સિદ્ધિમ્—સિદ્ધિ; વિન્દતિ—પ્રાપ્ત કરે છે; માનવ:—મનુષ્ય.

Translation

BG 18.46: વ્યક્તિના પોતાની પ્રાકૃતિક વૃત્તિનું પાલન કરીને મનુષ્ય એ સ્રષ્ટાની આરાધના કરે છે, જે સર્વ જીવોનું ઉદ્ભવ સ્થાન છે અને જેના દ્વારા સમગ્ર બ્રહ્માંડ વ્યાપ્ત છે. આવા કર્તવ્યનું પાલન કરીને મનુષ્ય સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.

Commentary

ભગવાનનાં સર્જનમાં કોઈપણ આત્મા અનાવશ્યક નથી. તેમની દિવ્ય યોજના સર્વ જીવોની ક્રમિક સિદ્ધિ માટે છે. આપણે સૌ તેમની યોજનામાં એક વિશાળ ચક્રના નાના દાંતાની જેમ બંધબેસીએ છીએ. વળી, તેઓ તેમણે આપણને પ્રદાન કરેલા સામર્થ્યથી અધિક અપેક્ષા રાખતા નથી. તેથી, જો આપણે આપણી પ્રકૃતિ અને જીવનના સ્થાન અનુસાર કેવળ સ્વ-ધર્મનું પાલન કરી શકીએ તો આપણા શુદ્ધિકરણની તેમની દિવ્ય યોજનામાં આપણે ભાગ ભાગ લઈ શકીશું. જયારે ભક્તિયુક્ત ચેતનામાં પ્રવેશ થાય છે, ત્યારે આપણું કર્મ સ્વયં આરાધનાનું સ્વરૂપ બની જાય છે.

કોઈપણ કર્તવ્ય નિમ્ન કે અશુદ્ધ નથી અને કેવળ કર્મ કરવા સમયની આપણી ચેતના જ તેનું મૂલ્ય નિર્ણિત કરે છે. તે અંગે એક શક્તિશાળી કથા મહાભારતનાં વનપર્વમાં માર્કંડેય મુનિએ યુધિષ્ઠિરને કહી હતી. એક યુવાન સંન્યાસી વનમાં ગયો અને ત્યાં તેણે ધ્યાન ધરીને દીર્ઘ સમય સુધી તપશ્ચર્યા કરી. કેટલાક વર્ષો વીત્યા બાદ, એક દિવસ વૃક્ષ પરથી કાગડાનું ચરક તેના પર પડયું. તેણે ક્રોધપૂર્વક એ પક્ષી સામે જોયું અને તે જમીન પર પડીને મૃત્યુ પામ્યું. સંન્યાસીને અનુભૂતિ થઈ કે તેની તપશ્ચર્યાને કારણે તેનામાં ગૂઢ શક્તિઓનો વિકાસ થયો હતો. તે ગર્વથી છલકાઈ ગયો. પશ્ચાત્ ટૂંક સમયમાં, તે ભિક્ષા માંગવા એક ઘરે ગયો. તે ઘરની ગૃહિણી દ્વાર પર આવી અને થોડી વાર પ્રતીક્ષા કરવા વિનંતી કરી. તે તેના બિમાર પતિની સેવાચાકરી કરી રહી હતી. આ કારણે તે સંન્યાસીને ક્રોધ ચડયો અને તેણે ક્રોધપૂર્વક તે સ્ત્રીની સામે દૃષ્ટિપાત કર્યો અને વિચારવા લાગ્યો, “ઓ દુષ્ટ સ્ત્રી, મને પ્રતીક્ષા કરાવવાની તારી હિંમત કેમ થઈ? તને મારી શક્તિઓની જાણ નથી.” તેનું મન વાંચીને, તે સ્ત્રીએ ઉત્તર આપ્યો, “મારી સામે આટલા ક્રોધથી જોશો નહીં. હું કાગડો નથી, કે તમારા દૃષ્ટિપાતથી બળી જઈશ.” તે સંન્યાસીને આઘાત સાથે આશ્ચર્ય થયું અને પૂછયું કે તેને આ ઘટનાની જાણ કેવી રીતે થઈ? તે ગૃહિણીએ કહ્યું કે તેણે કોઈ તપ કે સાધના કરી નથી, પરંતુ પોતાના કર્તવ્યોનું પાલન પૂર્ણ સમર્પણ અને નિષ્ઠાથી કર્યું છે. તેના આ ગુણથી, તે પ્રબુદ્ધ થઈ હતી અને તેમનું મન વાંચી શકી હતી. પશ્ચાત્ તેણે તેમને એક ધાર્મિક કસાઈને મળવાનું કહ્યું, જે મિથિલા નગરીમાં રહેતો હતો તથા ઉમેર્યું કે તે તેમના ધર્મ અંગેનાં પ્રશ્નોનો ઉત્તર આપશે. સંન્યાસીએ એક નિમ્ન કક્ષાના કસાઈ સાથે વાત કરવા અંગેના પોતાના પ્રારંભિક સંકોચને દૂર કર્યો અને મિથિલા ગયો. પશ્ચાત્ તે પ્રામાણિક કસાઈએ સમજાવ્યું કે આપણા સૌના આપણા પૂર્વ કર્મો તથા ક્ષમતા પ્રમાણે પોતપોતાના સ્વ-ધર્મ છે. પરંતુ જો આપણે, અંગત લાભની કામનાનો ત્યાગ કરીને તથા માર્ગમાં આવતા ક્ષણિક સુખ-દુઃખથી ઉપર ઉઠીને આપણા પ્રાકૃતિક કર્તવ્યોનું પાલન કરીએ તો આપણે પોતાને વિશુદ્ધ કરી શકીશું તથા ધર્મના ઉચ્ચ વર્ગમાં પ્રવેશ પ્રાપ્ત કરીશું. આ પ્રમાણે, નિયત કર્તવ્યોનું પાલન કરીને તથા તેનાથી દૂર ભાગ્યા વિના જીવાત્મા ધીરે ધીરે તેની સ્થૂળ ચેતનામાંથી દિવ્ય ચેતનામાં ઉન્નત થાય છે. કસાઈએ જે પ્રવચન આપ્યું, તેને મહાભારતમાં વ્યાધ ગીતા તરીકે ઓળખવામાં આવે છે.

આ વાત વિશેષ કરીને અર્જુનને લાગુ પડે છે કારણ કે તે તેના ધર્મને કષ્ટદાયક અને દુઃખદાયક માનીને તેનાથી દૂર ભાગવા માંગતો હતો. આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ તેને ઉપદેશ આપે છે કે તેના નિયત કર્તવ્યોનું ઉચિત ચેતના સાથે પાલન કરીને તે ભગવાનની આરાધના કરી શકશે તથા સુગમતાથી સિદ્ધિ પ્રાપ્ત કરશે.