Bhagavad Gita: Chapter 18, Verse 55

ભક્ત્યા મામભિજાનાતિ યાવાન્યશ્ચાસ્મિ તત્ત્વતઃ ।
તતો માં તત્ત્વતો જ્ઞાત્વા વિશતે તદનન્તરમ્ ॥ ૫૫॥

ભક્ત્યા—પ્રેમાભક્તિ દ્વારા; મામ્—મને; અભિજાનાતિ—વ્યક્તિ જાણી શકે છે; યાવાન્—જેટલો; ય: ચ અસ્મિ—જેવો હું છું; તત્ત્વત:—સત્યરૂપે; તત:—પશ્ચાત્; મામ્—મને; તત્ત્વત:—સત્યરૂપે; જ્ઞાત્વા—જાણીને; વિશતે—પ્રવેશે છે; તત્-અનન્તરમ્—ત્યાર પછી.

Translation

BG 18.55: કેવળ મારી પ્રેમા ભક્તિ દ્વારા જ વ્યક્તિ મને સત્યરૂપે જાણી શકે છે. પશ્ચાત્, મને જાણીને મારો ભક્ત મારી પૂર્ણ ચેતનામાં પ્રવેશ કરે છે.

Commentary

શ્રીકૃષ્ણે અગાઉના શ્લોકમાં કહ્યું કે દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈને વ્યક્તિમાં ભક્તિનો વિકાસ થાય છે. હવે તેઓ કહે છે કે કેવળ ભક્તિ દ્વારા જ વ્યક્તિ ભગવાનની વિભૂતિને જાણી શકે છે. જ્ઞાનીઓએ પૂર્વે ભગવાનની અનુભૂતિ નિર્ગુણ (ગુણરહિત), નિર્વિશેષ (વિશેષ લક્ષણ રહિત), નિરાકાર બ્રહ્મ તરીકે કરી. પરંતુ જ્ઞાનીઓને ભગવાનના સાકાર સ્વરૂપનો સાક્ષાત્કાર થયો ન હતો. સાકાર સ્વરૂપના રહસ્યને કર્મ, જ્ઞાન, અષ્ટાંગ યોગ વગેરે દ્વારા જાણી શકાતું નથી. એ પ્રેમ જ છે, જે અસંભવના દ્વાર ખોલે છે તથા જે અગમ્ય છે તે માટેના માર્ગ પ્રદર્શિત કરે છે. શ્રીકૃષ્ણ અહીં જણાવે છે કે ભગવાનના રૂપ, ગુણ, લીલાઓ, ધામો અને પરિકરોના રહસ્યને કેવળ વિશુદ્ધ ભક્તિ દ્વારા સમજી શકાય છે. ભક્તો ભગવાનને સમજી શકે છે કારણ કે તેઓ પ્રેમરૂપી ચક્ષુઓ ધરાવે છે.

પદ્મ પુરાણ ઉપરોક્ત સત્યનું દર્શન કરાવતા એક સુંદર પ્રસંગનું વર્ણન કરે છે. જાબાલિ ઋષિએ એક અતિ તેજસ્વી અને પ્રશાંત કન્યાને જંગલમાં ધ્યાન ધરતાં જોઈ. તેમણે તેને પોતાની ઓળખાણ પ્રગટ કરવા અને ધ્યાનનો ઉદ્દેશ્ય જણાવવા વિનંતી કરી. તેણીએ ઉત્તર આપ્યો:

બ્રહ્મવિદ્યાહમતુલા યોગિંદ્રૈર્યા ચ મૃગ્યતે

સાહં હરિ પદામ્ભોજ કામ્યયા સુચિરં તપઃ

ચરામ્યસ્મિન્ વને ઘોરે ધ્યાયન્તી પુરુષોત્તમમ્

બ્રહ્માનન્દેન પૂર્ણાહં તેનાનન્દેન તૃપ્તધીઃ

તથાપિ શૂન્યમાત્માનં મન્યે કૃષ્ણરતિં વિના

“હું બ્રહ્મવિદ્યા (આત્મજ્ઞાનનું વિજ્ઞાન જે અંતત: બ્રહ્મ તરફ, ભગવદ્દ-સાક્ષાત્કાર તરફ દોરી જાય છે) છું. મહાન યોગીઓ અને રહસ્યવાદીઓ મને જાણવા માટે તપશ્ચર્યા કરે છે. પરંતુ, હું સ્વયં ભગવાનના સાકાર સ્વરૂપના ચરણ-કમળો પ્રત્યે પ્રેમનો વિકાસ કરવા માટે તપશ્ચર્યા કરું છું. હું બ્રહ્માનંદથી પરિપૂર્ણ અને સંતૃપ્ત છું. છતાં પણ, શ્રીકૃષ્ણ પ્રત્યેની પ્રેમ-અનુરક્તિ વિના મને શૂન્યતા અને વ્યર્થતાનો અનુભવ થાય છે.” આ પ્રમાણે, ભગવાનના સાકાર સ્વરૂપના આનંદનું આસ્વાદન કરવા માટે કેવળ જ્ઞાન અપર્યાપ્ત છે. ભક્તિ દ્વારા મનુષ્ય આ રહસ્યમાં પ્રવેશે છે અને પૂર્ણ ભગવદ્દ-ચેતના પ્રાપ્ત કરે છે.