મચ્ચિત્તઃ સર્વદુર્ગાણિ મત્પ્રસાદાત્તરિષ્યસિ ।
અથ ચેત્ત્વમહઙ્કારાન્ન શ્રોષ્યસિ વિનઙ્ક્ષ્યસિ ॥ ૫૮॥
મત્-ચિત્ત:—સદૈવ મારા સ્મરણ દ્વારા; સર્વ—સર્વ; દુર્ગાણિ—વિઘ્નો; મત્-પ્રસાદાત્—મારી કૃપા દ્વારા; તરિષ્યસિ—તું પાર કરીશ; અથ—પરંતુ; ચેત્—જો; ત્વમ્—તું; અહંકારાત્—અહંકારને કારણે; ન શ્રોષ્યસિ—સાંભળીશ નહીં; વિનંક્ષ્યસિ—નષ્ટ થઈ જઈશ.
Translation
BG 18.58: જો તું સદૈવ મારું સ્મરણ કરીશ, તો તું સર્વ વિઘ્નો અને વિપત્તિઓને પાર કરી જઈશ. પરંતુ જો તું અહંકારને કારણે મારો ઉપદેશ સાંભળીશ નહીં, તો તું નષ્ટ થઈ જઈશ.
Commentary
અગાઉના શ્લોકમાં, શું કરવું એ અંગે ઉપદેશ આપીને શ્રીકૃષ્ણ હવે તેમનો ઉપદેશ અનુસરવાના લાભ અને ન અનુસરવાના પરિણામો અંગે ઘોષણા કરે છે. આત્માએ કદાપિ એમ ન માનવું જોઈએ કે તે કોઈપણ પ્રકારે ભગવાનથી સ્વતંત્ર છે. જો આપણે ભગવાન પર જ મન કેન્દ્રિત કરીને તેમનું સંપૂર્ણ શરણ લઈએ છીએ, તો તેમની કૃપા દ્વારા સર્વ અંતરાયો અને વિપત્તિઓનું નિવારણ થાય છે. પરંતુ જો, મિથ્યાભિમાનને વશ થઈને આપણે આ ઉપદેશોનો એમ માનીને અનાદર કરીશું કે આપણે ભગવાનના આ સનાતન જ્ઞાન તથા શાસ્ત્રોથી વિશેષ જ્ઞાન ધરાવીએ છીએ, તો આપણે મનુષ્ય જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ થઈશું, કારણ કે ભગવાનથી શ્રેષ્ઠ કોઈ નથી કે તેમના ઉપદેશથી ઉત્તમ કોઈ ઉપદેશ નથી.