Bhagavad Gita: Chapter 18, Verse 59

યદહઙ્કારમાશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે ।
મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વાં નિયોક્ષ્યતિ ॥ ૫૯॥

યત્—જો; અહંકારમ્—અહંકારથી પ્રેરિત; આશ્રિત્ય—શરણ લઈને; ન યોત્સ્યે—તું લડીશ નહીં; ઈતિ—એમ; મન્યસે—તું માનતો હોય; મિથ્યા એષ:—આ બધું ખોટું છે; વ્યવસાય:—નિશ્ચય; તે—તારો; પ્રકૃતિ:—માયિક સ્વભાવ; ત્વામ્—તને; નિયોક્ષ્યતિ—વ્યસ્ત થશે.

Translation

BG 18.59: જો અહંકારથી પ્રેરિત થઈને તું એમ માનતો હોય કે “હું લડીશ નહીં”, તો તારો નિશ્ચય વ્યર્થ જશે. તારી પોતાની સ્વાભાવિક (ક્ષત્રિય) પ્રકૃતિ તને યુદ્ધ કરવા માટે વિવશ કરશે.

Commentary

હવે શ્રીકૃષ્ણ હવે ઠપકાના મનોભાવ સાથે સાવધાની-દર્શક વ્યાખ્યા કરે છે. આપણે એમ ન માનવું જોઈએ કે આપણને આપણી ઈચ્છા અનુસાર વર્તવાની પૂર્ણ સ્વતંત્રતા છે. આત્માનું કોઈ સ્વતંત્ર અસ્તિત્ત્વ હોતું નથી; તે ભગવાનની સૃષ્ટિ પર અનેક પ્રકારે આધારિત છે. માયાબદ્ધ અવસ્થામાં, તે ત્રણ ગુણોના પ્રભાવ હેઠળ હોય છે. આ ગુણોનું સંયોજન આપણી પ્રકૃતિનું નિર્માણ કરે છે અને તેના આદેશ અનુસાર આપણે કર્મ કરવું ફરજીયાત બને છે.  તેથી, આપણને “મને જે ગમશે તે કરીશ” એમ કહેવાની સંપૂર્ણ સ્વતંત્રતા નથી. આપણે ભગવાનનાં તથા શાસ્ત્રોનાં શુભ ઉપદેશો તથા આપણી પ્રકૃતિની લાચારી વચ્ચે ચયન કરવું પડશે. મનુષ્યના સ્વભાવ અંગે એક રમૂજી ટુચકો છે. એક સૈનિક ત્રીસ વર્ષો બાદ નિવૃત્ત થયો અને તેના ઘરે પાછો ફર્યો. એક દિવસ, કોફી-શોપમાં ચા પી રહ્યો હતો ત્યારે તેના મિત્રને એક રમૂજ સૂઝી. તેણે પાછળથી બૂમ પાડી: “સાવધાન!” આ આદેશની પ્રતિક્રિયા આપવી એ સૈનિકના સ્વભાવનો એક ભાગ બની ગયો હતો. યાંત્રિક રીતે, તેણે ચાનો કપ હાથમાંથી નીચે મૂકી દીધો અને હાથ બાજુ પર કરી દીધા. શ્રીકૃષ્ણ અર્જુનને ચેતવે છે કે સ્વભાવથી તે યોદ્ધા છે અને જો અહંકારને કારણે તે શુભાદેશ ન સાંભળવાનો નિર્ણય લેશે, તો પણ તેનો ક્ષત્રિય સ્વભાવ તેને યુદ્ધ કરવા માટે ફરજ પાડશે.