Bhagavad Gita: Chapter 18, Verse 62

તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત ।
તત્પ્રસાદાત્પરાં શાન્તિં સ્થાનં પ્રાપ્સ્યસિ શાશ્વતમ્ ॥ ૬૨॥

તમ્—તેમની; એવ—કેવળ; શરણમ્ ગચ્છ—શરણમાં જા; સર્વ-ભાવેન—સર્વભાવથી; ભારત—અર્જુન,ભરતપુત્ર; તત્-પ્રસાદાત્—તેમની કૃપાથી; પરામ્—પરમ; શાન્તિમ્—શાંતિ; સ્થાનમ્—ધામ; પ્રાપ્સ્યસિ—તું પ્રાપ્ત કરીશ; શાશ્વતમ્—સનાતન.

Translation

BG 18.62: હે ભારત, સર્વથા સંપૂર્ણ ભાવ સાથે તું અનન્ય રીતે તેમના શરણમાં જા. તેમની કૃપાથી, તું પરમ શાંતિ અને શાશ્વત ધામ પ્રાપ્ત કરીશ.

Commentary

આત્માએ પોતાની વિષમ દુર્દશામાંથી મુક્તિ મેળવવા તથા પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભગવાન પર નિર્ભર હોવાના કારણે, તેમની કૃપા પર પણ નિર્ભર રહેવું જોઈએ. આ માટે સ્વ-પ્રયાસો કદાપિ પર્યાપ્ત થતા નથી. પરંતુ જયારે ભગવાન તેમની કૃપા પ્રદાન કરે છે, ત્યારે તેઓ આત્માને તેમનું દિવ્ય જ્ઞાન તથા દિવ્યાનંદનું પણ અનુદાન કરે છે તથા માયિક શક્તિનાં બંધનમાંથી તેને મુક્ત કરે છે. શ્રીકૃષ્ણ ભાર મૂકે છે કે તેમની કૃપા દ્વારા વ્યક્તિ સનાતન દિવ્યાનંદ તથા અવિનાશી ધામને પામે છે. પરંતુ, કૃપા પ્રાપ્ત કરવા માટે આત્માએ ભગવાનને શરણાગત થઈને પોતાને પાત્ર બનાવવું આવશ્યક છે. દુન્યવી પિતા પણ તેમની મૂલ્યવાન સંપત્તિ જ્યાં સુધી સંતાનો તેનો ઉચિત ઉપયોગ કરવા માટે ઉત્તરદાયી બનતા નથી, ત્યાં સુધી સોંપતા નથી. એ જ પ્રમાણે, ભગવદ્દ-કૃપા તરંગી કર્મ નથી; તેમનાં પૂર્ણરૂપેણ તર્કસંગત નિયમો છે, જેના આધારે તેઓ કૃપા પ્રદાન કરે છે.

જો ભગવાન કૃપા-વર્ષા માટે નિયમોનું પાલન નહીં કરે તો લોકોની તેમનામાંની શ્રદ્ધા તૂટી જશે. ઉદાહરણ તરીકે, એક પિતાને બે પુત્રો છે. વાવણીની ઋતુ હોવાથી તેઓ તે બંનેને ડાંગરના ખેતરમાં મહેનત કરવા સૂચના આપે છે. એક પુત્ર આખો દિવસ ધોમધખતા તાપમાં કઠોર પરિશ્રમ કરે છે અને પરસેવો પાડે છે. રાત્રે જયારે તે પાછો આવે છે તો પિતા કહે છે કે “શાબાશ દીકરા! તું આજ્ઞાંકિત, મહેનતુ અને વફાદાર છે. આ તારો પુરસ્કાર છે. આ ૫૦૦ રૂપિયા લે અને તેનું તારે જે કરવું હોય તે કર.” બીજો પુત્ર કશું કરતો નથી—તે આખો દિવસ સૂતાં સૂતાં મદિરાપાન કરતો, ધુમ્રપાન કરતો પથારીમાં પડયો રહે છે અને પિતા વિષે અપશબ્દો બોલતો રહે છે. રાત્રે જો પિતા એમ કહે છે કે “કોઈ વાંધો નહીં, આખરે તો તું  પણ મારો પુત્ર જ છો. આ ૫૦૦ રૂપિયા લે, જા અને તેની મઝા માણ.” તો આનું પરિણામ એ આવશે કે પ્રથમ પુત્રની કઠોર પરિશ્રમ કરવાની પ્રેરણા કુંઠિત થઈ જશે. તે કહેશે, “જો મારા પિતાની પુરસ્કાર માટેની આ જ શૈલી છે, તો હું શા માટે પરિશ્રમ કરું? હું પણ કંઈ કરીશ નહીં, કારણ કે કોઈપણ સંજોગોમાં મને તો ૫૦૦ રૂપિયા મળવાના જ છે.” એ જ પ્રમાણે, જો ભગવાન આપણી પાત્રતા વિના કૃપા પ્રદાન કરશે તો તે પૂર્વવર્તી સર્વ સંતો ફરિયાદ કરશે, “આ શું છે? અમે પોતાને શુદ્ધ કરવા માટે અનેક જન્મો સુધી પ્રયાસો કર્યા અને પશ્ચાત્ ભગવાનની કૃપાના પાત્ર બન્યા, પરંતુ આ વ્યક્તિએ પોતાને પાત્ર બનાવ્યા વિના કૃપા મેળવી. તો પછી આત્મ-સુધારણાનાં અમારા પ્રયાસો વ્યર્થ હતા.” ભગવાન કહે છે, “હું અતાર્કિક શૈલીથી વર્તન કરતો નથી. મારી સનાતન શરત છે, જેના આધારે હું કૃપા પ્રદાન કરું છું. તે અંગે મેં સર્વ શાસ્ત્રોમાં ઘોષણા કરી છે.”

શ્વેતાશ્વતર ઉપનિષદ્દમાં વર્ણન છે:

            યો બ્રહ્માણં વિદધાતિ પૂર્વં

           યો વૈ વેદાંશ્ચ ચ પ્રહિણોતિ તસ્મૈ

           તં હ દેવમાત્મબુદ્ધિપ્રકાશં

          મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે (૬.૧૮)

“અમે એ પરમતત્ત્વનું શરણ ગ્રહણ કરીએ છીએ, જેમણે બ્રહ્મા તથા અન્યનું સર્જન કર્યું છે. તેમની કૃપા દ્વારા આત્મા અને બુદ્ધિ પ્રકાશિત થાય છે.”

શ્રીમદ્દ ભાગવતમ્ માં પણ આનું વર્ણન છે:

            મામેકમેવ શરણમાત્માનં સર્વદેહિનામ્

           યાહિ સર્વાત્મભાવેન મયા સ્યા હ્યકુતો ભયઃ (૧૧.૧૨.૧૫)

“હે ઉદ્ધવ! સર્વ પ્રકારની ભૌતિક, સામાજિક અને ધાર્મિક પ્રણાલીઓનો ત્યાગ કરીને, કેવળ મારા—સર્વાત્માના, પરમાત્માના—શરણમાં આવ. કેવળ ત્યાર પછી જ તું આ માયિક સાગરને પાર કરી શકીશ અને ભયમુક્ત બનીશ.”

શ્રીકૃષ્ણ ભગવદ્દ ગીતાના શ્લોક સં. ૭.૧૪માં પણ કહે છે: “મારી દિવ્ય શક્તિ માયા, જે પ્રકૃતિના ત્રણ ગુણોથી બનેલી છે, તેને પાર કરવી અતિ દુષ્કર છે. પરંતુ જે લોકો મને શરણાગત થાય છે, તે તેને સરળતાથી પાર કરી જાય છે.”

રામાયણમાં પણ વર્ણન છે:

           સનમુખ હોઇ જીવ મોહિ જબહીં, જન્મ કોટિ અઘ નાસહિં તબહીં

“જે ક્ષણે જીવ ભગવાનને શરણે જાય છે, ત્યારે તેમની કૃપાથી તેનાં અનંત જન્મોના પાપકર્મોનો હિસાબ નષ્ટ થઈ જાય છે.”

ભગવદ્દ ગીતાના ઉપરોક્ત શ્લોકમાં શ્રીકૃષ્ણે ભગવદ્દ-કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાનની શરણાગતિની આવશ્યકતાના સિદ્ધાંતની પુનરોક્તિ કરી છે. શરણાગતિનો અર્થ શું છે, તેની વિસ્તૃત માહિતી હરિ ભક્તિ વિલાસ, ભક્તિ રસામૃત સિંધુ, વાયુ પુરાણ અને અહિર્બુધ્નિ સંહિતામાં નીચે પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવી છે:

             આનુકૂલ્યસ્ય સઙ્કલ્પઃ પ્રતિકૂલ્યસ્ય વર્જનમ્

            રક્ષિષ્યતીતિ વિશ્વાસો ગોપ્તૃત્વે વરણં તથા

           આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડ્વિધા શરણાગતિઃ (હરિ ભક્તિ વિલાસ ૧૧.૬૭૬)

ઉપરોક્ત શ્લોક ભગવદ્-શરણાગતિનાં છ પાસાંઓનું વર્ણન કરે છે:

૧. કેવળ ભગવાનની ઈચ્છા અનુસાર ઈચ્છા રાખવી. સ્વભાવથી, આપણે ભગવાનના દાસ છીએ અને સ્વામીની ઈચ્છાને પરિપૂર્ણ કરવી એ દાસનું ઉત્તરદાયિત્ત્વ છે. તેથી, ભગવાનના શરણાગત ભક્તો હોવાથી આપણે આપણી ઈચ્છા ભગવાનની દિવ્ય ઈચ્છાને અનુકૂળ રાખવી જોઈએ. એક સૂકું પર્ણ વાયુને શરણાગત હોય છે. વાયુ તેને ઊંચે લઈ જાય કે આગળ લઈ જાય કે પાછળ લઈ જાય કે પછી તેને જમીન પર ફેંકી દે, તે પર્ણ ફરિયાદ કરતું નથી. એ જ પ્રમાણે, આપણે પણ ભગવાનનાં સુખમાં સુખી થતાં શીખવું જોઈએ.

૨. ભગવાનની ઈચ્છાથી વિપરીત ઈચ્છા ન કરવી. આપણે જીવનમાં જે કંઈ મેળવીએ છીએ, તે આપણા પૂર્વ અને વર્તમાન કર્મોનું પરિણામ હોય છે. પરંતુ, કર્મોનાં ફળ સ્વત: પ્રાપ્ત થતાં નથી. ભગવાન તેની નોંધ રાખે છે અને ઉચિત સમયે તેનું ફળ આપે છે. ભગવાન સ્વયં પરિણામો પ્રદાન કરતા હોવાથી, આપણે શાંતિપૂર્વક તેનો સ્વીકાર કરતાં શીખવું જોઈએ. સામાન્યત: લોકો જયારે સંસારમાં સંપત્તિ, પ્રતિષ્ઠા, સુખ અને સુવિધાઓ પ્રાપ્ત કરે છે, ત્યારે તેઓ ભગવાનનો આભાર માનવાનું ભૂલી જાય છે. પરંતુ, જો તેમને દુઃખ પ્રાપ્ત થાય છે, તો તેના માટે તેઓ ભગવાનને દોષ આપે છે, “શા માટે ભગવાને મારી સાથે આવું કર્યું?” શરણાગતિના દ્વિતીય પાસાનો અર્થ છે, ભગવાન આપણને જે કંઈ પ્રદાન કરે, તે અંગે ફરિયાદ ન કરવી.

૩. ભગવાન આપણું રક્ષણ કરે છે, તેવી દૃઢ શ્રદ્ધા રાખવી. ભગવાન સનાતન પિતા છે. તેઓ સૃષ્ટિનાં સર્વ જીવોની સંભાળ રાખે છે. પૃથ્વી પર અનેકો કરોડો કીડીઓ છે અને તે સર્વને નિયમિત આહારની આવશ્યકતા રહે છે. શું તમે કદાપિ સાંભળ્યું કે અમુક હજાર કીડીઓ તમારા ઉદ્યાનમાં ભૂખમરાને કારણે મૃત્યુ પામી? ભગવાન સુનિશ્ચિત કરે છે કે તે સર્વનું ભરણ-પોષણ થવું જોઈએ. બીજી બાજુ, હાથી એક મણ જેટલો આહાર દરરોજ આરોગે છે. ભગવાન તેમનું પણ ભરણ-પોષણ કરે છે. દુન્યવી પિતા પણ પોતાના સંતાનોની સંભાળ રાખે છે અને તેમનું ભરણ-પોષણ કરે છે. તો પછી આપણે શા માટે સંશય રાખવો જોઈએ કે આપણા શાશ્વત પિતા આપણી સંભાળ રાખશે કે નહીં? તેમનાં રક્ષણમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવવી એ શરણાગતિનું તૃતીય પાસું છે.

૪. ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાનું વલણ જાળવવું. આપણને ભગવાન તરફથી અનેક અમૂલ્ય ઉપહારો પ્રાપ્ત થયા છે. જે ધરતી પર આપણે ચાલીએ છીએ, જે સૂર્યપ્રકાશમાં આપણે જોઈએ છીએ, જે વાયુથી આપણે શ્વાસ લઈએ છીએ અને જે જળ આપણે પીએ છીએ, આ સર્વ આપણને ભગવાન તરફથી આપવામાં આવ્યું છે. વાસ્તવમાં, તેમના કારણે જ આપણું અસ્તિત્ત્વ છે; તેમણે આપણને જીવન પ્રદાન કર્યું છે અને આપણામાં ચેતનાનો સંચાર કર્યો છે. આપણે વળતર સ્વરૂપે કોઈ કરવેરો ચૂકવતા નથી, પરંતુ તેમણે આપણને જે સર્વ પ્રદાન કર્યું છે તે માટે આપણે ઊંડાણથી કૃતજ્ઞભાવ અનુભવવો જોઈએ. આ ઋણભાવ છે.

તેનાથી વિપરીત કૃતઘ્નતાનો ભાવ છે. ઉદાહરણ તરીકે, પિતા તેનાં સંતાન માટે ઘણું કરે છે. બાળકને પિતાને આભારી થવાનું કહેવામાં આવે છે. પરંતુ, બાળક ઉત્તર આપે છે કે “હું શા માટે આભારી બનું? તેમનાં પિતાએ તેમની સંભાળ રાખી અને તેઓ મારી સંભાળ રાખે છે.” આ સાંસારિક પિતા પ્રત્યે કૃતઘ્નતા છે. આપણા શાશ્વત પિતા, ભગવાન પ્રત્યે, તેમણે આપણને જે પ્રદાન કર્યું છે, તે સર્વ માટે કૃતજ્ઞતા રાખવી એ શરણાગતિનું ચતુર્થ પાસું છે.

૫. આપણું સર્વસ્વ ભગવાનનું છે તેમ માનવું. ભગવાને આ સમગ્ર વિશ્વનું સર્જન કર્યું છે; તેઓ આપણા જન્મ પૂર્વે પણ વિદ્યમાન હતા અને આપણા મૃત્યુ પશ્ચાત્ પણ વિદ્યમાન રહેશે. તેથી, સર્વના વાસ્તવિક સ્વામી એકમાત્ર ભગવાન છે. જયારે આપણે એવું વિચારીએ છીએ કે કોઈક પદાર્થ આપણો છે, ત્યારે આપણે ભગવાનનાં સ્વામીત્ત્વને ભૂલી જઈએ છીએ. ધારો કે, જયારે તમે તમારા ઘરમાં ન હો ત્યારે કોઈ તમારા ઘરે આવે છે. એ તમારાં વસ્ત્રો પહેરે છે, તમારા રેફ્રીજરેટરમાંથી ખોરાક બહાર કાઢે છે, તેને આરોગે છે અને પછી તમારા પલંગ પર સૂઈ જાય છે. તમે જયારે પાછા ફરો છો, તો રોષથી પૂછો છો, “મારા ઘરમાં તમે શું કરો છો?” તે કહે છે, “મેં કોઈ નુકસાન કર્યું નથી. મેં કેવળ ઉચિત રીતે સર્વ પદાર્થોનો ઉપયોગ કર્યો છે. તમે શા માટે આટલા નારાજ થાઓ છો? તમે ઉત્તર આપશો, “તમે ભલે કોઈ નુકસાન ન કર્યું હોય, પરંતુ આ સર્વનો માલિક હું છું. જો મારી પરવાનગી વિના તમે આ સર્વનો ઉપયોગ કરો, તો તમે ચોર છો.” એ જ પ્રમાણે, આ વિશ્વ અને તેમનું સર્વ ભગવાનના સ્વામીત્ત્વનું છે. આનું સ્મરણ રાખવું અને માલિકીના ભાવનો ત્યાગ કરવો એ શરણાગતિનું પંચમ પાસું છે.

૬. શરણાગત હોવાના ગર્વનો ત્યાગ કરવો. જો આપણે કરેલાં શુભ કર્મો માટે ગર્વ કરીએ છીએ તો તે આપણા હૃદયને મલિન કરે છે અને કરેલાં શુભ કર્મો પર પાણી ફેરવી દે છે. તેથી જ, નમ્રતાનો ભાવ ધરાવવો મહત્ત્વનો છે: “જો હું કંઈક શુભ કર્મ કરી શક્યો તો તેનું કારણ એ જ છે કે ભગવાને મારી બુદ્ધિને ઉચિત દિશામાં પ્રેરિત કરી. અન્યથા હું તો તે કરવા કદાપિ સમર્થ ન હતો.” આવો નમ્રતાપૂર્ણ ભાવ ધરાવવો તે શરણાગતિનું ષષ્ઠમ પાસું છે.

જો આપણે આ છ પાસાંઓને સિદ્ધ કરી શકીએ તો આપણે ભગવાનની શરતની પરિપૂર્તિ કરીશું અને તેઓ આપણા પર તેમની કૃપા વર્ષા કરશે.