Bhagavad Gita: Chapter 18, Verse 75

વ્યાસપ્રસાદાચ્છ્રુતવાનેતદ્ગુહ્યમહં પરમ્ ।
યોગં યોગેશ્વરાત્કૃષ્ણાત્સાક્ષાત્કથયતઃ સ્વયમ્ ॥ ૭૫॥

વ્યાસ-પ્રસાદત્—વેદ-વ્યાસની કૃપા દ્વારા; શ્રુતવાન્—સાંભળ્યો છે; એતત્—આ; ગુહ્યમ્—ગુહ્ય; અહમ્—હું; પરમ્—પરમ; યોગમ્—યોગ; યોગ-ઈશ્વરાત્—યોગના સ્વામીથી; કૃષ્ણાત્—શ્રીકૃષ્ણથી; સાક્ષાત્—પ્રત્યક્ષ; કથયત:—કહી રહેલા; સ્વયમ્—પોતે.

Translation

BG 18.75: વેદ વ્યાસની કૃપા દ્વારા, સ્વયં યોગેશ્વર શ્રીકૃષ્ણ પાસેથી મેં આ પરમ અને ગુહ્યતમ યોગ સાંભળ્યો છે.

Commentary

શ્રીકૃષ્ણ દ્વૈપાયન વ્યાસદેવ, જેઓ વેદ વ્યાસ ઋષિ તરીકે પણ જાણીતા છે તેઓ સંજયના ગુરુ હતા. હસ્તિનાપુરના રાજમહેલમાં બેઠા બેઠા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ઘટિત સર્વ ઘટના જાણવા માટેની અતિન્દ્રિય શક્તિના આશીર્વાદ સંજયને તેમના ગુરુની કૃપા દવારા પ્રાપ્ત હતાં. અહીં, સંજય સ્વીકારે છે કે તેમના ગુરુની કૃપા દ્વારા તેમને સ્વયં યોગેશ્વર શ્રીકૃષ્ણના મુખે યોગનું પરમ વિજ્ઞાન સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો.

બ્રહ્મસૂત્ર, પુરાણો, મહાભારત વગેરેના લેખક વેદ વ્યાસજી, ભગવાનના અવતાર હતા તથા સ્વયં સર્વ અતિન્દ્રિય શક્તિઓ ધરાવતા હતા. આ પ્રમાણે, તેમણે શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેના સંવાદનું કેવળ શ્રવણ જ ન કર્યું, પરંતુ તેઓ સંજય અને ધૃતરાષ્ટ્રની વચ્ચે પણ રહ્યા. અત: તેમણે બંને સંવાદોનો ભગવદ્દ ગીતાના સંકલનમાં સમાવેશ કર્યો.